રાજેશ અંધારેએ તેમના જીવનનો પ્રથમ સ્માર્ટફોન મેળવવા માટે ૨૫૦૦ રૂ. ડાઉન પેમેન્ટ લેવું પડ્યું હતું. બે વર્ષ બાદ, તેઓ હજુ પણ તેને ચલાવી શકતા નથી. ૪૩ વર્ષીય રાજેશ કહે છે કે, “તે મારા મોટા દીકરા દિનેશ કે જેણે થોડા સમય પહેલાં જ શાળાનો અભ્યાસ પૂરો કર્યો હતો તેના માટે ભેટ હતી. અમે બાકીનું પેમેન્ટ ૧૦૦૦ રૂ. ના પાંચ હપ્તામાં આપ્યું હતું. ફોન અમને ૭૫૦૦ રૂ. માં પડ્યો હતો.”
આ સ્માર્ટફોન ૧૬ વર્ષીય દિનેશ પાસે છે, પરંતુ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ડોંગરી ગામના રહેવાસી રાજેશે પણ તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો – પણ એમાં તેમને સફળતા મળી નહીં.
આ ફોનની કિંમત રાજેશ મહિનામાં જેટલું કમાય છે લગભગ તેટલી છે – દૈનિક ૨૫૦-૩૦૦ રૂપિયા. તેઓ કહે છે કે, “મેં તેને વાપરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ થોડા દિવસ પછી મેં બધા પ્રયત્નો છોડી દીધા. મને તો મારો જુનો કીપેડ વાળો ફોન જ ફાવે છે.”
તેમના પુત્રની પેઢી, મુશ્કેલ વિસ્તાર અને મુશ્કેલ તલાસરી તાલુકાની પરીસ્થિતિમાં પણ - ઓછી આવક ધરાવતા પરિવારોની બહુમતી આદિવાસી વસ્તીવાળા વિસ્તારમાં પણ - સ્માર્ટફોનનો ઉપયોગ કરવામાં વધુ કુશળ છે. પરંતુ ખર્ચ અને કનેક્ટિવિટી બંને દ્વારા તેમની કુશળતા ક્ષીણ થઇ ગઈ છે.
ગુજરાતની સરહદનો આ આદિવાસી પટ્ટો મુંબઇથી માત્ર ૧૩૦ કિલોમીટર દૂર છે - પરંતુ ઇન્ટરનેટથી ખૂબ જ નબળી રીતે જોડાયેલ છે. રાજેશ કે જેઓ વારલી જાતિના છે તેઓ કહે છે કે, “એટલે સુધી કે વીજ પુરવઠો પણ તૂટક તૂટક છે, એમાંય ચોમાસામાં તો ખાસ.”
આથી જો તમે ડોંગરીમાં છોકરાઓના સમુહને એક ઝાડ નીચે બેસેલા જુઓ, તો તમે માની શકો છો કે એ જગ્યાએ કોઈ અંશે નેટવર્ક આવતું હશે. આ સમુહમાં એક કે બે જણ પાસે સ્માર્ટફોન હશે અને બાકીના ઉત્સાહથી તેમાં તાકી રહ્યા હશે. અને હા, તેઓ છોકરાઓ જ હશે. અહીંયાં કોઈ છોકરી પાસે સ્માર્ટફોન હોવો એ અઘરી બાબત છે.









