આદિવાસી સમાજની પોતાની બિમારીઓ છે, પરંતુ એક મહત્વની વાત એ પણ સમજવાની છે કે આ સમુદાયની સંસ્કૃતિમાં દૂષણો કેવી રીતે પ્રવેશ્યા. દાખલા તરીકે આધુનિક શિક્ષણની વાત લઇને એક નવો પ્રવાહ શરૂ થયો છે, અને અમારા ઘણા સંઘર્ષો પણ આ નવા શિક્ષિત વર્ગ દ્વારા આવ્યા છે. આજે મારા ગામમાં એક શિક્ષક ગામની માટી પર ઘર નથી બનાવતો. તે રાજપીપળામાં પ્લોટ ખરીદે છે. યુવા પેઢી વિકાસના તરંગી વિચારોથી આકર્ષાય છે. તેમની મૂળ જમીનમાંથી ઉખેડી વિદેશી ભૂમિમાં રોપવામાં આવેલા તેઓ પરંપરાગત રીતે જીવન જીવી શકતા જ નથી. તેઓ લાલ ચોખાને પચાવી શકતા નથી. તેઓ શહેરની નોકરીના મોભાનો સ્વાદ ચાખવા માગે છે. આવી ગુલામી ક્યારેય અમારી સંસ્કૃતિનો ભાગ ન હતી. હવે જો તેઓ શિક્ષિત છે અને તેમની પાસે નોકરી છે, તો પણ તેમને શહેરોમાં રહેવાની જગ્યા મળતી નથી. લોકો તેમને ત્યાં બહિષ્કૃત કરે છે. તેથી, તે સંઘર્ષોને ટાળવા માટે તેઓ તેમની ઓળખ છૂપાવવાનું શરૂ કરે છે. આજે આદિવાસી ઓળખના કેન્દ્રમાં જો કંઈ હોય તો એ છે - સંઘર્ષ.


Narmada, Gujarat
|THU, SEP 15, 2022
વાત ઝાડની, લોકોની, અને સભ્યતાઓની
દેહવલી ભીલીમાં લખાયેલ પાંચ કાવ્યોના સમૂહમાંની આ પાંચમી અને અંતિમ કવિતામાં, એક આદિવાસી કવિ વિકાસના ભ્રમિત ખ્યાલો દ્વારા સંચાલિત આજના સમાજમાં આદિવાસી ઓળખના વધતા જતા આંતરિક સંઘર્ષો પર સખત નજર નાખે છે
Poem and Text
Painting
Editor
Translator
અસભ્ય મહૂડો
મારા દેશના થોડા કહેવાતા ભદ્ર લોકોએ
જ્યારથી આ મહુડાને અસભ્ય જાહેર કર્યો
ત્યારથી મારા લોકો પણ પોતાની જાતને
અસભ્ય માનવા લાગ્યા છે.
ત્યારથી મા પણ મહુડાનાં ફૂલ
વીણતાં ગભરાય છે
બાપુ તો મહુડાનું નામ સુદ્ધાં ધિક્કારે છે.
મારો ભાઈ ઘરના આંગણામાં મહુડાને બદલે
નાની તુલસીનો ક્યારો કરીને
પોતાને સભ્ય માનવા લાગ્યો છે.
મારા દેશના થોડા કહેવાતા ભદ્ર લોકોએ
જ્યારથી આ મહુડાને અસભ્ય જાહેર કર્યો
ત્યારથી મારા લોકો પણ પોતાની જાતને
અસભ્ય માનવા લાગ્યા છે.
મારા લોકો, જેઓ આધ્યાત્મિક જીવન જીવતા
એ હવે નદીને પવિત્ર માનવામાં,
પર્વતોની પૂજા કરવામાં,
તેમના પૂર્વજોને અનુસરવામાં,
અને પૃથ્વીને "મા" કહેવામાં
નાનમ અનુભવે છે.
તેમની સાચી ઓળખ છુપાવવા
તેમની અસભ્ય જાતથી મુક્તિ મેળવવા
કેટલાક ખ્રિસ્તી ધર્મ તરફ વળ્યાં છે,
કોઈ હિન્દુ બની રહયાં છે,
કોઈ જૈન, કોઈ મુસ્લિમ.
મારા દેશના થોડા કહેવાતા ભદ્ર લોકોએ
જ્યારથી આ મહુડાને અસભ્ય જાહેર કર્યો
ત્યારથી મારા લોકો પણ પોતાની જાતને
અસભ્ય માનવા લાગ્યા છે.
મારા લોકો, જેઓ ક્યારેક બજારોને ધિક્કારતા,
આજે તેમના ઘરોમાં બજારો ભરી રહ્યા છે.
જેમાંથી સભ્યતા છલકાતી હોય એવી એક પણ વસ્તુ
તે તેમના હાથમાંથી છટકવા દેતા નથી
સભ્યતાનું મોટામાં મોટો આવિષ્કાર--
વ્યક્તિવાદ
દરેક વ્યક્તિ 'હું' શીખી રહ્યો છે.
સ્વ સમાજનો નહીં
સ્વ સ્વાર્થનો થઇ રહ્યો છે
મારા દેશના થોડા કહેવાતા ભદ્ર લોકોએ
જ્યારથી આ મહુડાને અસભ્ય જાહેર કર્યો
ત્યારથી મારા લોકો પણ પોતાની જાતને
અસભ્ય માનવા લાગ્યા છે.
મારા લોકો, જે ક્યારેક વાર્તાઓ ગાતા,
તેમની પોતાની ભાષામાં મહાકાવ્યો લખતા,
તેઓ હવે તેમની બોલી ભૂલી રહ્યા છે.
તેના બદલે તેઓ તેમના બાળકોને અંગ્રેજી શીખવે છે.
તેમના બાળકોના સપનામાં
આ જમીનના છોડ, વૃક્ષો, નદીઓ અને ટેકરીઓ
નથી આવતાં પણ આવે છે
અમેરિકા અને લંડન.
મારા દેશના થોડા કહેવાતા ભદ્ર લોકોએ
જ્યારથી આ મહુડાને અસભ્ય જાહેર કર્યો
ત્યારથી મારા લોકો પણ પોતાની જાતને
અસભ્ય માનવા લાગ્યા છે.
અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા
Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]
Donate to PARI
All donors will be entitled to tax exemptions under Section-80G of the Income Tax Act. Please double check your email address before submitting.
PARI - People's Archive of Rural India
ruralindiaonline.org
https://ruralindiaonline.org/articles/વાત-ઝાડની-લોકોની-અને-સભ્યતાઓની

