શાન્તિલાલ, શાન્તુ, ટીણિયો : એક વ્યકતિનાં ત્રણ નામ. ભાવ પ્રમાણે નામ બોલાતાં રહે. આપણે શાન્તુ કહીશું. શાંતુ સાબરકાંઠા જિલ્લાના વડાલી ગામનો, ને લોકબોલી પ્રમાણે ત્યાં શૉન્તુ, એટલે આપણે પણ એને શૉન્તુ કહીશું. શૉન્તુ ગજબનું પાત્ર. ગજબ એટલે વિલક્ષણ, અનેરું, પ્રસિદ્ધ વગેરે વિશેષણવાળું નહીં, પણ મર્યાદા, ખૂબી, ગરીબી, ભૂલો, દલિત હોવાના કારણે વેઠતું, પીડાતું, મૂંઝાતું, ને એવું ઘણું બધું પ્રગટ-અપ્રગટ કરતું પાત્ર. ક્યારેક તો એવું લાગે કે એનું કોઈ અસ્તિત્વ જ નથી, તો ક્યારેક લાગે કે સામાન્ય માણસમાં જેટલું કલ્પી શકાય એટલાથી ભર્યું ભર્યું માત્ર અસ્તિત્વવાળું પાત્ર.
માબાપ, બે મોટાં બહેન-ભાઈ, એક નાનીબહેન : કુલ પાંચ સભ્યો અને ગરીબી વચ્ચે શૉન્તુનો ઉછેર. ઈચ્છા છતાં કુટુંબની જરૂરિયાતો ઓછી. કમાવવાનું ને ખાવાનું એટલી કુટુંબની કમાણી. માબાપ કમાય ને ઘર ચાલે, ભાઈબહેન પણ ક્યારેક મદદ કરે. બાપ મેટાડોરના ડ્રાઈવર. પેસેન્જર બેસાડવાનું બાપને ગમતું નહીં એટલે મર્યાદિત બાંધી આવક. મા મજૂરી કરે, ઘણી વાર મળે તો ક્યારેક ના જાય. બાપને વ્યસન નહીં એટલે કુટુંબમાં કંકાસ નહીં એટલું સુખ શૉન્તુએ માણ્યું, પણ આ સુખની સમજ શૉન્તુને પાછળથી આવી. સમજ પહેલાં અભાવે શૉન્તુને ઘણી વેદના આપી છે. વડાલીની શારદા હાઈસ્કૂલમાં શૉન્તુ ૯મા ધોરણમાં ભણે. ત્યારે વડાલીમાં સરકસ આવેલું. સરકસની ટિકિટ વધારે, પણ વિદ્યાર્થી માટે પાંચ રૂપિયા. પૈસા સ્કૂલમાં જ આપવાના હતા. શૉન્તુએ ન આપ્યા. શિક્ષિકાએ શૉન્તુને ઊભો કર્યો. પ્રેમથી પૈસા ન આપવાનું કારણ પૂછચું. ‘બેન, મારા બાપા હાલમઅ્ બીમાર સ, ન મારી મધર જીનમ્ કૉમે જાય સ. ઇના પગારની વાર સ એકઅ્ હાલ પૈસા મલ ઇમ નથી’ કહેતાં કહેતાં શૉન્તુ રડી પડેલો. બીજે દિવસે શૉન્તુના કલાસમાં ભણતી કુસુમ પઠાણે શૉન્તુને દસ રૂપિયા આપ્યા. ત્રીજા દિવસે કુસુમે શૉન્તુને દસ રૂપિયા વિશે પૂછ્યું. શૉન્તુનો નિખાલસ જવાબ : ‘પૉંસ રૂપિયા સરકસ જોવા આલ્યા નઅ્ બીજા પૉંસ રૂપિયા ઘરમંઅ્ વાપરવા આલ્યા.’ કુસુમે ‘રમઝાનમંઅ્ પુન મલતું’ હોવાથી દસ રૂપિયા શૉન્તુને આપ્યા હતા. કુસુમ, રમઝાન, શૉન્તુ ને સરકસ કેવો નિર્દોષ જોગ!
અગિયારમા ધોરણમાં કાચું ઘર પાકું બનાવવાનું આવ્યું. પાકું ઘર એટલે માત્ર ઈંટ ને સિમેન્ટનું ઘર, પ્લાસ્ટર વગેરે નહીં. ઘર બનાવવા માટે માત્ર એક જ કડિયો રોજ ૫૨ રાખ્યો. બાકી બધી મજૂરી આખું ઘર કરે. ઘર બનાવવાનું કામ લાંબું ચાલ્યું. એવામાં અગિયારમા ધોરણની પરીક્ષા ઢુકડી આવી. શૉન્તુની હાજરી ખૂટી. શૉન્તુએ આખી વાત આચાર્યને કહી. આચાર્ય માની ગયા ને શૉન્તુને પરીક્ષા આપવા મળી.
શૉન્તુ બારમામાં આવ્યો. શૉન્તુએ સારા ટકા લાવવાની હામ ભીડી. હામ ભીડીને મહેનત કરવા લાગ્યો. મહેનતનો રંગ બરાબર પકડાયો ત્યાં તો માને બીમારી આવી પડી. બીમારી ધીમે ધીમે વધવા લાગી. છેવટે મા મૃત્યુ પામ્યાં. માના મરણનો આઘાત અઢાર વર્ષના શૉન્તુ માટે કપરો થઈ પડ્યો. શૉન્તુને ‘મગજ પર બોજ થવા લાગ્યો.' માના મૃત્યુ ને પરીક્ષા વચ્ચેનું અંતર વધારે હતું નહીં. શૉન્તુએ મહેનતમાં મન પરોવવાનો પ્રયત્ન કર્યો, પણ બહુ ફાવ્યો નહીં. બારમામાં ૬૫ ટકા આવ્યા. બારમા ધોરણના અભ્યાસ પછી શૉન્તુએ આગળ ભણવાનો વિચાર ટાળ્યો.
શૉન્તુને વાંચવાનો શોખ. ગામના સાર્વજનિક પુસ્તકાલયમાં શૉન્તુ વાંચવા જાય, પુસ્તકો ઘરે લાવીને પણ વાંચે. વાંચનનો શોખ જોઈ એક મિત્રે ‘હારાં હારાં પુસ્તકો વૉંચવા મલ હે'ની લાલચ આપી શૉન્તુને વડાલી આર્ટ્સ કોલેજમાં શૉન્તુને મુખ્યવિષય ઈતિહાસ સાથે ઍડમિશન લેવડાવ્યું. શૉન્તુ માત્ર પુસ્તકો લેવા-આપવા માટે જ કોલેજમાં જતો. બાકી જીનિંગમાં કામે જવાનું, પુસ્તકો વાંચવાનાં ને સાંજ પડે થોડું રખડવાનું પણ ખરું. આમ કરતાં કરતાં શૉન્તુએ પ્રથમ વર્ષ બી. એની પરીક્ષા આપી. શૉન્તુએ ૬૩ ટકા મેળવ્યા. શૉન્તુનું પરિણામ જોઈને સાહેબે નિયમિત આવવાની વાત કરી. શૉન્તુને અભ્યાસમાં રસ પડવા લાગ્યો. શૉન્તુનું ટી. વાય. બી. એ.નું વર્ષ હતું. આ વરસે આર્ટ્સ કોલેજ, વડાલીએ પુસ્તકવાંચન માટે શ્રેષ્ઠ વિદ્યાર્થીને પ્રમાણપત્ર આપવાનું નક્કી કર્યુ. આ પ્રમાણપત્ર શૉન્તુના નામનું બન્યું. અધ્યાપકોને તો આશ્ચર્ય થયું, ‘વળી, શાન્તિલાલ કયા ટાઈમે લાઈબ્રેરીમાં જતો ને પુસ્તકો લેતો!’ શૉન્તુએ વર્ષ ૨૦૦૩માં ૬૬ ટકા સાથે ટી. વાય. બી. એ. પાસ કર્યું.







