“અમારો તો ઉનાળો ખોટમાં ગયો! [મોટાભાગના] માટલાં વેચવાની આ મોસમ છે, પરંતુ આ વખતે અમે ખાસ વેચાણ કરી શક્યા નથી,” કાચા માટલાને તેના ઘરની બહારના નીંભાડામાં પકવવા મૂકતાં પહેલાં એના પર ચિતરામણ કરતાં કરતાં રેખા કુંભકારે કહ્યું. લોકડાઉન દરમિયાન એ ઘરમાં બેસીને માટલાં બનાવતી હતી. કામ માટે ભાગ્યે જ બહાર બેસતી.
સામાન્ય રીતે માર્ચ થી મે દરમિયાન બજારોમાં વેચાઈ જતાં આ લાલ માટીના માટલાં છત્તીસગઢના ધમતારી શહેરની કુંભારોની વસાહત, કુંભારપાડામાં ઘરોના આંગણાઓમાં ફેલાયેલા પડ્યા છે. "શાકભાજીવાળાઓને સવારે સાતથી બપોરે બાર વાગ્યા સુધી બજારમાં એમનો માલ વેચવાની છૂટ અપાઈ છે એ જ રીતે અમને પણ માટલાં વેચવાની છૂટ મળવી જોઈએ. નહીં તો અમે ભારે મુશ્કેલીમાં મુકાઈ જઈશું.’ રેખાએ કહેલું.
એ જ વખતે ભુવનેશ્વરી કુંભકાર માથે વાંસનો ખાલી ટોપલો લઈને કુંભારપાડામાં પાછી ફરી હતી. તેણે કહ્યું, ‘ વહેલી સવારથી હું માટલાં વેચવા શહેરની વિવિધ વસાહતોમાં ફરું છું. અત્યાર સુધી આઠ માટલાં વેચાયાં અને હવે બીજા આઠ લઈને હું ફરી જાઉં છું તો ખરી પણ પરંતુ મારે ટૂંક સમયમાં પાછા ફરવું પડશે કારણ બપોરે લોકડાઉન ફરી શરૂ થશે. અમને બજારમાં જવાની મંજૂરી નથી, તેથી અમે વધારે વેચાણ કરી શકતા નથી. સરકાર માત્ર ચોખા અને પાંચસો રૂપિયા આપે એટલાથી ઘર થોડું ચાલે?
કુંભારપાડાના કુંભારો - અહીંના તમામ પરિવારો કુંભાર ઓબીસી સમુદાયના છે - મોટા માટલાં 50 થી 70 રુપિયામાં વેચે છે. માર્ચથી મે મહિના સુધી, જ્યારે સૌથી વધુ વેચાણ થાય છે, ત્યારે દરેક કુટુંબ 200 થી 700 માટલાં બનાવે છે, કારણ કે આ મહિનાઓમાં લોકો પાણી ભરવા અને તેને ઠંડુ રાખવા માટે માટલાં ખરીદે છે. કુલ કેટલાં માટલાં બને એનો આધાર આકામમાં પરિવારના કેટલા સભ્યોની મદદ મળે છે તેના પર છે. બીજી મોસમમાં કુંભારો તહેવારો માટે નાની મૂર્તિઓ, દિવાળી દરમિયાન કોડિયાં, લગ્નપ્રસંગ માટેની નાની માટલીઓ અને થોડી બીજી વસ્તુઓ બનાવે છે.
ચોમાસા દરમિયાન, મધ્ય જૂનથી સપ્ટેમ્બરના અંત સુધી, તેમનું કામ બંધ રહે છે કારણ કે ભેજવાળી માટી સુકાતી નથી અને ઘરની બહાર કામ કરવું શક્ય નથી હોતું. આ મહિનાઓ દરમિયાન કેટલાક કુંભારો (આ કુટુંબોમાંથી કોઈની પોતાની ખેતીની જમીન નથી) ખેતમજૂરીનું કામ શોધે છે. તેમાં તેમને દિવસના 150-200 રુપિયા મળે છે
છત્તીસગઢમાં જાહેર વિતરણ વ્યવસ્થા (public distribution system - PDS) હેઠળ દરેક વ્યક્તિ મહિને સાત કિલોગ્રામ ચોખા મેળવવા હકદાર છે. લોકડાઉનના શરૂઆતના ગાળામાં પરિવારો એકસાથે બે મહિનાનું અનાજ અને વધારાના પાંચ કિલો ચોખા લઈ શકતા હતા - ભુવનેશ્વરીના કુટુંબને માર્ચ મહિનાના અંતમાં (બે મહિનાના) 70 કિલો ચોખા મળેલા. મે મહિનામાં ફરી 35 કિલો ચોખા મળ્યા. કુંભારપાડાના રહેવાસીઓને માર્ચથી મે મહિના દરમિયાન દર મહિને કુટુંબદીઠ 500 રુપિયા પણ મળ્યા. ભુવનેશ્વરીએ સવાલ કર્યો, “ પણ 500 રુપિયાથી અમારું શું થાય? મારે ઘર-ખર્ચ ચલાવવા શેરીઓમાં માટલાં વેચવા જવું જ પડે છે.
સૂરજ કુંભકારે કહ્યું, "મેં મોડેથી [અમે મળ્યા તેના એક દિવસ પહેલા] કામ શરૂ કર્યું છે, કારણ મારી પત્ની અશ્વનીનું [ધમતારીમાં એક ખાનગી દવાખાનામાં હિસ્ટરેક્ટોમીનું] ઓપરેશન કરવામાં આવ્યું હતું [અને તે માટે મારે પૈસા કરજે લેવા પડ્યા હતા]. આ અમારો કૌટુંબિક ધંધો કહેવાય અને આ કામમાં એક કરતા વધારે માણસોની જરૂર પડે.” સૂરજ અને અશ્વનીને બે દીકરા અને એક દીકરી છે. તેમની ઉંમર 10 થી 16 વર્ષની વચ્ચે છે. "લોકડાઉનને કારણે અમારું કામ અટકી પડયું. ખરાબ હવામાન [વચ્ચે-વચ્ચે વરસાદ] ને લીધે દિવાળી પછી માટલાં બનાવવાનું પહેલેથી જ મુશ્કેલ હતું, ” સૂરજે ઉમેર્યું, “એ ઓછું હોય એમ બપોર થાય ને પોલીસ આવીને અમને બહારનું કામ બંધ કરાવી દે. અમારી આજીવિકા પર ખૂબ ખરાબ અસર થઈ છે.”
અમે જ્યારે સૂરજને મળ્યા ત્યારે એ મોટા કોડિયાં બનાવતો હતો. દિવાળીમાં આ કોડિયાં નંગ દીઠ ત્રીસ-ચાળીસ રુપિયામાં વેચાય. નાનાં કોડિયાં તેમના કદ પ્રમાણે નંગ દીઠ એક રુપિયાથી લઈને વીસ રુપિયામાં વેચાય. પરિવાર દુર્ગાપૂજા, ગણેશચતુર્થી, અને બીજા ઉત્સવો માટે માટીની મૂર્તિઓ પણ બનાવે છે.
સૂરજના અંદાજ મુજબ કુંભારપાડાના આશરે 120 પરિવારોમાંથી, લગભગ 90 પરિવારો માટલાં અને બીજી ચીજો બનાવીને ગુજરાન ચલાવે છે. બાકીના ખેતમજૂરી, સરકારી નોકરી અને બીજા કામો કરે છે.
એપ્રિલના અંતમાં અમે જૂની મંડીની મુલાકાત લીધી, અહીં ધમતારીના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સવારના સાત વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી કામચલાઉ રૂપે શાકભાજીનું બજાર ઊભું કરાયું હતું. ત્યારે કેટલાક કુંભારોને થોડાંઘણાં માટલાં સાથે માટીના રમકડાં (મોટે ભાગે વર-કન્યાની જોડીઓ) વેચવા બેઠેલા જોઈ અમને એ જોઈને આનંદ થયો. લોકડાઉનના શરૂઆતના દિવસોમાં કુંભારોને અહીં માલ વેચવા બેસવાની છૂટ નહોતી અપાઈ. એ વખતે માત્ર શાકભાજી જેવી આવશ્યક ચીજવસ્તુઓ વેચવાની જ છૂટ હતી.
અખાત્રીજની આસપાસનો સમય હતો, જે હિંદુ પંચાંગમાં શુભ દિવસ તરીકે ગણાય છે. ભારતના ઘણા પ્રદેશોમાં આ દિવસથી ખેડૂતો જમીન ખેડવાનું શરૂ કરે છે. છત્તીસગઢમાં આ દિવસે ઘણા લોકો પરંપરાગત વિધિથી વર-કન્યા (પુત્ર-પુત્રી)ની મૂર્તિઓના લગ્નની ઉજવણી કરે છે. “ મારી પાસે આવી ચારસો જોડીઓ છે પણ હજી સુધી માત્ર પચાસ જ વેચાઈ છે.” પુરબ કુંભકારે કહ્યું. તે પ્રત્યેક જોડી 40 કે 50 રુપિયામાં વેચે છે. “ગયે વર્ષે, આ સમય સુધીમાં, મેં 15000 રુપિયાનો માલ વેચ્યો હતો પણ આ વર્ષે હજી સુધી ફક્ત 2000 રુપિયાનો માલ જ વેચાયો છે. જોઈએ, હજી [તહેવારના] બે દિવસ બાકી છે... સાહેબ, આ વર્ષે લોકડાઉનને લીધે અમને બહુ ખોટ ગઈ છે.”
કુંભારપાડાના મોટાભાગના પરિવારોનાં બાળકો શાળાઓ અને કોલેજોમાં ભણે છે. એમને માટે ફી, પુસ્તકો, ગણવેશ જેવા ખર્ચા થાય. ઉનાળાની મોસમ આ કુંભારો માટે થોડાઘણા વધારાના પૈસા કમાવવા અને બાકીના વર્ષ માટે બચાવવા માટે મહત્વનો સમય છે
પુરબ કહે છે, “ પરંતુ દર બીજા દિવસે પડતા વરસાદને કારણે માટલાં પણ વેચતા નથી. ઉનાળાની ગરમીમાં લોકોને માટલાંની જરૂર પડે. પણ એક તરફ આ હવામાન અને બીજી તરફ લોકડાઉન બંનેએ મળીને અમારું જીવન મુશ્કેલ બનાવી દીધું છે.”
મે મહિનાના મધ્યમાં છત્તીસગઢમાં લોકડાઉનના પ્રતિબંધો ધીમે ધીમે હળવા થતા કુંભારો બજારમાં તેમજ ધમતારીમાં મોટા રવિવારી બજાર (ઈતવારી બજાર)માં માટલાં વેચવા જઈ શક્યા હતા. નિયમિત બજારો હવે સવારના સાતથી સાંજના સાત વાગ્યા સુધી ખુલ્લા રહે છે. પણ મેના મધ્ય ભાગમાં, ઉનાળાની સાથોસાથ કુંભારોની વેચાણની મોસમ લગભગ પૂરી થઈ ગઈ હતી. અને આ મોસમમાં થયેલી ખોટને કારણે કુંભાર કુટુંબોને આખું વર્ષ હાલાકી ભોગવવી પડશે.
અનુવાદક: સ્વાતિ મેઢ