જમવાનું પતાવી આજે રોજની જેમ ટીવી પાસે જવાનું એણે ટાળ્યું. આજે સાંજના જમવામાં છોકરાઓએ 'વેજિટેબલ્સ ઈન શેઝવાન સૉસ વિથ રાઈસ' ની માંગણી કરેલી. સવારે શાકવાળા પાસે લાલ કે પીળા કેપ્સિકમ નહોતા. એણે ફરિયાદ કરી કે એ રોજ એના એ શાક લઈને આવે છે તો શાક્વાળાએ પોતાનું પુરાણ શરુ કર્યું, "વંડો ખૂલતો નથી, બહેન. એક તો લૉકડાઉન અને ઉપરથી કરફ્યુ! શાકભાજી ક્યાંથી લાવવા કહો? આ જેટલાં છે તે ય કેટલે દૂર ખેતરથી લઈને આવું છું."
શાકવાળાએ એની તકલીફોની કથા ક્યાંય સુધી ચલાવે રાખી, પણ એણે સાંભળવાનું બંધ કરી દીધેલું. એનું મગજ હવે સાંજે ફરમાઈશ પ્રમાણેની રસોઈમાં શી સર્જનાત્મકતા વાપરવી પડશે એ તરફ હતું. પણ છેવટે દિવસના અંતે પોતાના કોક અને ચાઇનીઝ - ટાઈ ગ્રેવીના એ આઈડિયાથી એ રાજી હતી. કમસેકમ છોકરાઓના કકળાટથી તો બચ્યા. પણ આ ટીવીમાં એને જરાય રસ નહોતો.
એને સૌથી વધારે અણગમો આ ન્યૂઝ ચેનલોથી થતો. આખો દહાડો એ એકની એક એકની એક છબીઓ બતાવ્યા જ કરતા હોય સ્ક્રિન પર. એના એ ઝૂંપડપટ્ટીમાં પાણી વગરના ગરીબો, સુરક્ષાસાધનો ને પહેરવેશ વિનાના સફાઈ કામદારો, અને સૌથી વધારે અકળામણ કરાવતા હોય તો પેલા લાખોની સંખ્યામાં સ્થળાંતર કરતા કામદારો- કોઈ ઘેર જતા રસ્તામાં અટવાયેલાં, કોઈ શહેરમાં ભરાઈ પડેલાં, દાવ-દારૂ વિના, ભૂખે મરતાં, આત્મહત્યા કરતાં, તો વળી રસ્તા પર ઉતરી દેખાવો કરતા, માંગણીઓ કરતા, હુલ્લડ કરતા એમના ધણના ધણ!
કોઈ ક્યાં સુધી આ ઉધઈઓ જેમ ઉભરાઈ આવેલાઓનું ગાંડપણ અને અંધાધૂંધીનો ખેલ જોયા કરે? એણે ફોન હાથમાં લઇ વૉટ્સએપ ખોલ્યું. મિત્રોના ગ્રુપ પર રસોડામાં ઘુસી આવેલા નવા નિશાળિયાઓ પોતાની કાર્યસિદ્ધિના ફોટાઓ મૂકતા હતા. એણે એક ફોટો પોતાના ડાઇનિંગ ટેબલનો જોડ્યો. બીજા ગ્રુપ પર લોકો અવનવા વિડિઓ શેર કરી રહ્યા હતા-- મુંબઈના બ્રીચકેન્ડી ક્લબના દરિયા કિનારે ઉછળકૂદ કરતી ડૉલ્ફિનના, નવી મુંબઈમાં ફ્લૅમિંગોના, કાલિકટમાં રસ્તા પર ઘૂમતી મલબાર સિવિટના, ચંદીગઢમાં સાબરના. અચાનક એને એના મોબાઈલ પર ચાલતી એક લાલ કીડીઓની હાર દેખાઈ.......



