ખુલ્લા મેદાનમાં આમલીના વિશાળ વૃક્ષોથી ઘેરાયેલી તેમની વર્કશોપમાં બેઠેલા, મણિરામ મંડાવી વાંસળી બનાવી રહ્યા છે - એક સાધન જેમાંથી પવન ફૂંકાય ત્યારે સંગીત વહે છે, ઉપરાંત તે જંગલી પ્રાણીઓને ડરાવવા માટે એક શક્તિશાળી ‘શસ્ત્ર’ તરીકે પણ વાપરી શકાય છે. જ્યારે તેઓ નાના હતા તે સમયની વાત કરતા 42 વર્ષના મણિરામ કહે છે, “તે સમયે જંગલમાં વાઘ, ચિત્તા અને રીંછ હતા, પણ જો તમે આ વાંસળી ઝૂલાવો તો તે તમારાથી દૂર રહેતા.
તેઓ વાંસના એ સાધનને ‘ઝૂલતી વાંસળી’ - અથવા છત્તીસગઢીમાં સુકુડ બાંસુરી કહે છે. તેમાં ફૂંકવા માટે કોઈ મોં હોતું નથી, (હવાની અવરજવર માટે બંને બાજુ) માત્ર બે છિદ્રો હોય છે, અને વગાડવા માટે તેને હવામાં લહેરાવવી પડે છે.
42 વર્ષના મણિરામ પોતે બનાવેલી પ્રત્યેક વાંસળી - તેઓ દિવસમાં એક વાંસળી બનાવી શકે છે - નજીકના નગરોમાં પ્રદર્શનોમાં અથવા હસ્તકલા સંસ્થાઓને આશરે 50 રુપિયામાં વેચે છે. ત્યારબાદ ગ્રાહકો એ જ વાંસળી ઓછામાં ઓછા 300 રુપિયામાં ખરીદે છે.
લગભગ ત્રણ દાયકા પહેલા વાંસળી બનાવવામાં નિષ્ણાત કારીગર મંદારસિંહ મંડાવી સાથે સાવ અચાનક થયેલી મુલાકાત મણિરામને બાંસુરી હસ્તકલામાં લાવવા માટે નિમિત્ત બની. તેઓ કહે છે, “હું લગભગ 15 વર્ષનો હતો અને જંગલમાંથી બળતણ માટે લાકડા વીણવા ગયો હતો ત્યારે તેમણે મને બોલાવ્યો અને કહ્યું કે ‘તું આમ પણ શાળામાં નથી જતો ને? ચાલ, હું તને કંઈક શીખવાડું’. તેથી મણિરામે રાજીખુશીથી શાળા અધવચ્ચે છોડી દીધી અને દિવંગત નિષ્ણાત કારીગર સાથે કામ કરવાનું શરૂ કર્યું.
મણિરામ હાલ કામ કરે છે તે વાંસળીની વર્કશોપ છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના અબુઝમાડ (ઓરછા) બ્લોકના જંગલોમાં આવેલા ગોંડ આદિવાસી સમુદાયની તેમની વસાહત ઘડબંગલના પાદરે આવેલી છે. જુદા જુદા કદની વાંસની લાકડીઓનો આસપાસ ઢગલો કરેલો છે અને ઓજારોને ગરમ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા નાના અગ્નિઓનો ધુમાડો શિયાળાની ઠંડી હવામાં ફેલાય છે. એક બાજુ તૈયાર થઈ ગયેલી વાંસળીઓ અને ફરસીઓ અને વિવિધ કદની છરીઓ રાખવા માટે એક કામચલાઉ શેડ છે. મણિરામ અહીં દિવસના લગભગ આઠ કલાક કામ કરે છે - વાંસને કદમાં કાપે છે, તેને લીસું કરે છે અને આકાર આપે છે, અને પછી ગરમ કરેલા ઓજારની મદદથી ફૂલોની ડિઝાઇન અને ભૌમિતિક ડિઝાઇનનું કોતરકામ કરે છે અને ગરમીની મદદથી વાંસળી પર ઝાંખી અને ઘેરી ભાત પાડે છે.
જ્યારે મણિરામ વાંસળી બનાવતા નથી ત્યારે તેઓ તેમના બે એકરના ખેતરમાં કામ કરવામાં વ્યસ્ત હોય છે, ત્યાં તેઓ મોટે ભાગે તેમના પાંચ સભ્યોના પરિવાર - પત્ની અને ત્રણ બાળકો, જેઓ હવે યુવાન છે - માટે વરસાદી પાણી પર આધારિત ડાંગર ઉગાડે છે. તેઓ કહે છે કે નાનામોટા છૂટક કામ કરતા તેમના દીકરાઓને આ હસ્તકલા શીખવામાં કોઈ રસ નથી (સમુદાયના પુરુષો જ તે (વાંસળી) બનાવે છે).
વાંસળી માટેના વાંસ નારાયણપુર શહેરમાંથી આવે છે - જે ચાલતા જઈએ તો લગભગ એક કલાક દૂર છે. તેઓ કહે છે, “લગભગ 20 વર્ષ પહેલાં જંગલ અહીં જ હતું અને અમને વાંસ સરળતાથી મળી શકતા. હવે કોઈ ઉપયોગી વસ્તુ લેવા માટે ઓછામાં ઓછું 10 કિલોમીટરના અંતરે જવું પડે છે. જંગલ ગાઢ હતું અને સગુન [સાગ - ટીક] જેવા મોટા ઝાડ અને જામુન [જાંબુ - ઈન્ડિયન બ્લેકબેરી] અને મોડિયા [સ્થાનિક પ્લમ ફ્રુટ] જેવા ફળના ઝાડથી ભરેલું હતું. હવે કોઈ મોટા ઝાડ રહ્યા નથી. ઝૂલતી વાંસળી બનાવવાનું ચાલુ રાખવાનું દિવસે દિવસે મુશ્કેલ થતું જશે.”
આમલીના ઝાડના છાયાવાળી વર્કશોપમાં બેઠા બેઠા અમે વાતો કરીએ છીએ ત્યારે વિપુલ (વન્ય) સંપત્તિવાળા ભૂતકાળનો સમય યાદ કરતા મણિરામ દુઃખી થઈ જાય છે અને તેઓ ભીની આંખે કહે છે: “અહીં સસલા અને હરણ હતા, અને ક્યારેક નીલગાય પણ. જંગલી ડુક્કર પણ સાવ અદૃશ્ય થઈ ગયા છે… કાલે જ્યારે અમારા બાળકો મને પૂછશે - ‘જંગલમાં કેમ કંઈ નથી? જંગલમાં કોઈ વૃક્ષો અને પ્રાણીઓ નહોતા? ’- ત્યારે આપણી પાસે તેમને આપવા કોઈ જવાબ નહિ હોય.”
અનુવાદ - મૈત્રેયી યાજ્ઞિક