અહીં લેહ જિલ્લામાં રસ્તાના બાંધકામ સ્થળ પર દૈનિક વેતન પર કામ કરતા પેમા રિન્ચેન કહે છે, “ઉજવણી માટેનો આ યોગ્ય દિવસ છે. આબોહવા પણ સુંદર છે.”
હનલે ગામ, કે જેને અનલે પણ કહેવાય છે, તે ગામના રહેવાસી, 42 વર્ષીય રિન્ચેન તિબેટના પંચાંગના એક મહત્વપૂર્ણ તહેવાર, સાગા દાવાની વાત કરી રહ્યા છે. લદ્દાક, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના બૌદ્ધ લોકો તેની ઉજવણી કરે છે.
હનલેમાં એક ખગોળીય વેધશાળામાં કામ કરતા નાગા ગામના 44 વર્ષીય સોનમ દોરજે કહે છે, “પહેલાં, બધા ગામો પોતપોતાના વિસ્તારોમાં સાગા દાવાની ઉજવણી કરતા હતા. પરંતુ આ વર્ષે [2022], છ નેસના લોકો ભેગા થયા છે.” કોવિડ-19 મહામારીના લીધે બે વર્ષ સુધી ઉજવણીમાં ભંગ પડ્યા પછી, પુંગુક, ખુલ્ડો, નાગા, શાદો, ભોક અને ઝિંગસોમા નેસના લોકો આ તહેવારની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા. આ છૂટીછવાઈ વસ્તી ધરાવતી નેસો હનલે ગામનો જ ભાગ છે જેની કુલ વસ્તી 1,879 વ્યક્તિઓની છે (વસ્તી ગણતરી 2011 મુજબ).
બૌદ્ધોના મહાયાન સંપ્રદાય દ્વારા ઉજવાતા આ સાગા દાવા તહેવાર, જેને ‘સાકા દાવા’ પણ કહેવામાં આવે છે, અને તે તિબેટના ચોથા મહિનાની 15મી તારીખે ઉજવવામાં આવે છે. ચંદ્રકળા આધારીત પંચાંગ મુજબ, વર્ષ 2022માં તે જૂન મહિનામાં આવ્યો હતો. તિબેટીયન ભાષામાં ‘સાગા’ એટલે ચોથા ક્રમનું અને ‘દાવા’ એટલે મહિનો. સાગા દાવાનો મહિનો ‘ગુણોનો મહિના’ તરીકે ઓળખાય છે - આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા સારા કાર્યોનું અનેકગણું વળતર આપવામાં આવે છે. આ તહેવાર બુદ્ધની સ્મૃતિમાં ઉજવાય છે અને તેમના જન્મ, જ્ઞાન અને પરિનિર્વાણ અથવા સંપૂર્ણ નિર્વાણને ચિહ્નિત કરે છે.































