મનજીત રિસોંગ તેમના રસોડાની વચ્ચોવચ આવેલા માટીના જાડા માળખા તરફ ઈશારો કરીને કહે છે, "અહીં અમારા પૂર્વજોના આત્માઓનો વાસ છે." અહીં છત, દીવાલો અને ફર્શ બધું જ વાંસથી બનેલું છે.
ભૂખરા રંગનું એ લંબચોરસ માળખું એક ફૂટ ઊંચું છે અને તેની ઉપર બળતણ માટેના લાકડાના ઢગલો કરેલો છે; તેની નીચે ખોરાક રાંધવામાં આવે છે. મનજીત ઉમેરે છે, “એને મેરોમ કહેવામાં આવે છે અને અમારે માટે એ પૂજાઘર છે. મિસિંગ સમુદાય માટે એ સર્વસ્વ છે."
મનજીત અને તેમની પત્ની નયનમણિ રિસોંગ આજની રાતની મિજબાની તૈયાર કરી રહ્યા છે, તેમાં પરંપરાગત મિસિંગ વાનગીઓની થાળીનો સમાવેશ થાય છે. આ દંપતી (આસામમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ) મિસિંગ સમુદાયનું છે અને બંને સાથે મળીને - આસામના માજુલી નદીના ટાપુ પર આવેલા ગરમુર નગરમાં તેમના ઘરમાંથી જ - રિસોંગ્સ કિચન ચલાવે છે.
બ્રહ્મપુત્રાનદી પર આવેલ, આશરે 352 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લેતો માજુલી ભારતનો સૌથી મોટો નદી-ટાપુ છે. નજર પહોંચે ત્યાં સુધી ફેલાયેલા ડાંગરના લીલાછમ ખેતરો, નાના-નાના તળાવો, જંગલી વાંસ અને પોચી ભીની માટીમાં ઉગતી વનસ્પતિ એ આ વિસ્તારની પ્રાકૃતિક વિશેષતાઓ છે. ભારે ચોમાસાનો અને ત્યારપછીના પૂરનો સામનો કરવા માટે ઘરો વાંસના થાંભલાઓ પર બાંધવામાં આવે છે. આ ટાપુ સારસ, કિંગફિશર અને નીલ કૂકડી જેવા પ્રવાસી પક્ષીઓ માટે પણ જાણીતો છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ મનોહર જિલ્લો દર વર્ષે દુનિયાભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે એમાં કશું આશ્ચર્યજનક નથી.
















