સોમા કડાલી કહે છે કે તેમનો પરિવાર તેમની ભાળ લેવા માટે ફોન કરતો રહે છે. તે 85 વર્ષીય વ્યક્તિ તેમને સાંત્વના આપતાં કહે છે, “મને કંઈ નહીં થાય.”
અકોલે (અકોલા તરીકે પણ ઓળખાતા) તાલુકાના વારાંઘુશી ગામના તે ખેડૂત, મહારાષ્ટ્રના અહમદનગર (જે અહેમદનગર તરીકે પણ ઓળખાય છે) જિલ્લામાં અકોલેથી લોની સુધી ખેડૂતો દ્વારા યોજાયેલ ત્રણ દિવસીય વિરોધ પદયાત્રામાં (એપ્રિલ 26−28) જોડાયા છે. આટલી મોટી ઉંમરે પણ અહીં આવવા પાછળનું કારણ સમજાવતાં તેઓ કહે છે, “મેં મારું આખું જીવન ખેતરોમાં વિતાવ્યું છે.”
2.5 લાખ રૂપિયાના દેવાના બોજા હેઠળ દબાયેલા તે ખેડૂત કહે છે, “મેં ક્યારેય વિચાર્યું ન હતું કે 70 વર્ષ સુધી ખેતી કર્યા પછી પણ મને તેમાં ગતાગમ નહીં પડે.” કડાલી મહાદેવ કોળી આદિવાસી સમુદાયના સભ્ય છે અને તેમના ગામમાં પાંચ એકર જમીન ધરાવે છે. તેઓ કહે છે કે હવામાન આજકાલ જેટલું અણધાર્યું રહે છે, તેટલું તેમણે જીવનભર નથી જોયું.
તેઓ ઉમેરે છે, “મને સાંધાનો દુખાવો છે. જ્યારે હું ચાલું છું ત્યારે મારા ઘૂંટણમાં દુખાવો થાય છે. અને મને સવારે ઉઠવાનું મન નથી થતું. પરંતુ તેમ છતાં હું ચાલીશ.”
કડાલી એવા 8,000 જેટલા ખેડૂતોમાંના એક છે જેઓ 26 એપ્રિલ, 2023ના રોજ અકોલેથી શરૂ થયેલી ત્રણ દિવસની વિરોધ કૂચમાં જોડાવા માટે એકઠા થયા હતા. જેમ જેમ રેલી સંગમનેર તરફ આગળ વધી તેમ તેમ વધુ ખેડૂતોને લઈને ટ્રક અને બસો આવી રહી હતી. અખિલ ભારતીય કિસાન સભા (AIKS) નો અંદાજ છે કે તે જ દિવસે મોડી સાંજ સુધીમાં કૂચ ત્યાં પહોંચી ત્યાં સુધીમાં તેમાં લગભગ 15,000 લોકો જોડાઈ ગયા હતા.
AIKSના પ્રમુખ ડૉ. અશોક ધવલે અને અન્ય પદાધિકારીઓની અધ્યક્ષતામાં સાંજે 4 વાગ્યે અકોલે ખાતે એક વિશાળ જાહેર સભા યોજ્યા પછી કૂચની શરૂઆત કરવામાં આવી હતી. તેમાં પ્રથમ વક્તા પીઢ પત્રકાર પી. સાંઈનાથ હતા, જેઓ વિરોધ પ્રદર્શનમાં ત્રણેય દિવસો માટે ખેડૂતોનો સાથ આપવાના છે. અન્ય વક્તાઓમાં જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. આર. રામકુમાર અને ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક વિમેન્સ અસોસિએશન (AIDWA) નાં જનરલ સેક્રેટરી, મરિયમ ધવલેનો સમાવેશ થાય છે.
આ બધા વિરોધ પ્રદર્શનોના આયોજક AIKSના જનરલ સેક્રેટરી અજિત નવલે કહે છે કે, “અમે ખોખલાં વચનોથી કંટાળી ગયા છીએ. અમારે તેનો અમલ જોઈએ છે.”
આ કૂચ 28 એપ્રિલે લોનીમાં મહારાષ્ટ્રના મહેસૂલ મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલના ઘરે સમાપ્ત થશે. ખેડૂતોમાં કેટલી હદે નિરાશા અને ગુસ્સો હશે, તે એનાથી જાણી શકાય છે કે, 39 ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાનની કાળઝાળ ગરમીમાં પણ ઘણા વરિષ્ઠ નાગરિકો તેમાં જોડાયા હતા.
આ બધા વિરોધ પ્રદર્શનોના આયોજક AIKSના જનરલ સેક્રેટરી અજિત નવલે કહે છે કે, ‘અમે ખોખલાં વચનોથી કંટાળી ગયા છીએ. અમારે તેનો અમલ જોઈએ છે’
મહેસૂલ મંત્રીના ઘર તરફ સ્પષ્ટ હેતુ માટે કૂચ કરી રહેલા હજારો ખેડૂતોએ સરકાર માટે ખતરાની ઘંટડી વગાડી છે. વર્તમાન સરકારના મહેસૂલ, આદિજાતિ બાબતો, અને શ્રમ એમ ત્રણ વિભાગના મંત્રીઓ માંગણીઓ પર વાટાઘાટો કરવા માટે સ્થળ પર પહોંચશે તેવી અપેક્ષા છે.
પરંતુ ભારતી મંગા જેવા ઘણા ખેડૂતો સહેલાઈથી ખુશ થશે નહીં. પાલઘર જિલ્લાના તેમના ગામ ઇબાધપાડાથી ખેડૂતોની કૂચમાં ભાગ લેવા માટે 200 કિલોમીટરનો પ્રવાસ કરીને આવેલા 70 વર્ષીય ખેડૂત કહે છે, “આ અમારા અધિકાર માટે છે. આ અમારી આવનારી પેઢી માટે છે.”
મંગાનો પરિવાર વારલી સમુદાયનો છે અને પેઢીઓથી બે એકર જમીનમાં ખેતી કરે છે. પરંતુ તેમની જમીનને જંગલની જમીન તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે અને તેના પર તેમનો કોઈ અધિકાર નથી. તેઓ કહે છે, “હું મરતા પહેલા મારા પરિવારને જમીનના માલિક તરીકે જોવા માંગુ છું.”
ત્રણ દિવસની કૂચ માટે તેઓ કેટલી રોટલીઓ સાથે લાવ્યાં છે તેની તેમને ચોક્કસ ખબર નથી. તેઓ કહે છે, “મેં તેમને ઉતાવળે લપેટી લીધી હતી.” તેઓ માત્ર એટલું જ જાણે છે કે ખેડૂતો ફરીથી તેમના અધિકારો માટે કૂચ કરી રહ્યા છે અને તેઓ તેમાંનાં એક છે.
અહીં એકઠા થયેલા હજારો ખેડૂતોની માંગણી કાંઈ નવી નથી. 2018ની ખેડૂતોની લાંબી કૂચથી, જ્યારે મોટાભાગે આદિવાસી ખેડૂતોએ નાસિકથી મુંબઈ સુધી 180 કિલોમીટર કૂચ કરી હતી, ત્યારથી ખેડૂતો રાજ્ય સરકાર સાથે સતત સંઘર્ષમાં છે. (વાંચો: કૂચ ચાલું જ છે …)
ખેડૂતોની માંગણી છે કે ખેતી માટે થતા ખર્ચમાં થયેલ વધારો, પાકના ભાવમાં થયેલ ધટાડો, અને આબોહવા પરિવર્તનના ઘાતક સંયોજનને કારણે તેઓ જે પાકના દેવા હેઠળ દબાયેલા છે, સરકાર તેને માફ કરે. લણણીની મોસમ પછી પણ ખેડૂતો દેવું ભરી શકતા નથી. તેઓ છેલ્લા બે ચોમાસાની મોસમમાં અતિશય વરસાદને કારણે પાકને થયેલા નુકસાન માટે વળતરની માંગ કરી રહ્યા છે. રાજ્ય સરકારે જાહેરાત તો કરી હતી, કે તેઓ આવું કરશે, પણ તેના પર કાર્યવાહી કરવાની તેમણે ક્યારેય તસ્દી લીધી નથી.
મહારાષ્ટ્રના આદિવાસી જિલ્લાઓમાં, આદિવાસી ખેડૂતો વર્ષોથી સીમાચિહ્નરૂપ વન અધિકાર અધિનિયમ (FRA), 2006નું વધુ સારી રીતે અમલીકરણ કરવાની માંગ કરી રહ્યા છે.
આ કૃષિ કાર્યકર એવી પણ માંગણી કરે છે કે, સરકાર હસ્તક્ષેપ કરે અને કોવિડ−19 મહામારી પછી જે પશુપાલકોએ 17 રૂપિયે લિટર દૂધ વેચવું પડ્યું હતું તેમના નુકસાનની ભરપાઈ કરે.
એક સમયે અકોલે તાલુકાના શેલવિરે ગામમાં ખેતી કરતા ગુલચંદ જાંગલે અને તેમનાં પત્ની કૌસાબાઈએ તેમની જમીન વેચવાની ફરજ પડી હતી. 70 વર્ષીય આ દંપતી જ્યારે તેમનાથી થઈ શકે ત્યારે દૈનિક મજૂરી કરે છે. તેમણે તેમના પુત્રને ખેતી કરવાથી રોકી દીધો છે. જાંગલે પારીને કહે છે, “તે પુણેમાં મજૂર તરીકે કામ કરે છે. મેં જ તેને ખેતી કરવાથી રોક્યો છે. તેમાં કોઈ ભવિષ્ય નથી.”
જાંગલેએ તેમની જમીન વેચ્યા પછી, તેઓ અને કૌસાબાઈ ભેંસો રાખે છે અને દૂધ વેચે છે. તેઓ કહે છે, “કોવિડ−19 ફાટી નીકળ્યો ત્યારથી તેને ટકાવી રાખવું મુશ્કેલ થઈ પડ્યું છે.”
તેઓ કૂચમાં આવવા માટે કટિબદ્ધ છે. તેઓ કહે છે, “મેં વિરોધ કૂચમાં ભાગ લેવા માટે ત્રણ દિવસ માટે મારું દૈનિક વેતન જવા દીધું છે. હું આટલી ઉંમરે આ ગરમીમાં ત્રણ દિવસ ચાલ્યા પછી, તરત કામ કરી શકીશ નહીં. એટલે, માની લો કે મને પાંચ દિવસની મજૂરી નહીં મળે.”
પરંતુ અન્ય હજારો લોકોની જેમ જ તેઓ પણ ઇચ્છે છે કે એમની વાત સાંભળવામાં આવે. “જ્યારે તમે હજારો ખેડૂતોને ખભાથી ખભા મિલાવીને કૂચ કરતા જુઓ છો, ત્યારે તમને તમારા ઉપર ગર્વ થાય છે. આ બધું તમને એક આશ્વાસન અને આશા આપે છે. અમને આવો અનુભવ ભાગ્યે જ થાય છે.”
પોસ્ટસ્ક્રીપ્ટ:
ખેડુતોની માર્ચના બીજા દિવસે, 27 એપ્રિલ, 2023ના દિવસે, મહારાષ્ટ્ર સરકારના ત્રણ કેબિનેટ મિનિસ્ટરો, રેવન્યુ મિનિસ્ટર રાધાકૃષ્ણ વિખે પાટીલ, લેબર મિનિસ્ટર સુરેશ ખાડે અને ટ્રાઇબલ ડેવેલપમેન્ટ મિનિસ્ટર વિજયકુમાર ગાવિતને સંગમનેરમાં કૃષિ નેતાઓ સાથે મળવા અને તેમની માંગણીઓ અંગે વિસ્તારથી ચર્ચા કરવા આવી પહોંચ્યા હતા.
સમાધાન માટેના મોટા દબાણ હેઠળ, અને લોનીમાં મહેસૂલ મંત્રીના નિવાસસ્થાન તરફ કૂચ કરી રહેલા 15,000 જેટલા મોટાભાગે આદિવાસી ખેડૂતોની હાજરી જોતા, તેઓએ ત્રણ કલાકમાં મોટાભાગની માંગણીઓનો સ્વીકાર કર્યો હતો. તે હાંસલ થતાં અખિલ ભારતીય કિસાન સભા (ઑલ ઇન્ડિયા કિસાન સભા AIKS) અને અન્યોએ વિરોધ પ્રદર્શન શરૂ થયાના એક દિવસ પછી માર્ચને પાછી ખેંચી લીઘી હતી
અનુવાદક: ફૈઝ મોહંમદ