વિકાસ યાદવ અને લક્ષ્મણ સિંઘ તેમનાં બળદગાડાં લઈને બપોર સુધીમાં કમલા માર્કેટ પહોંચે છે. લગભગ દરરોજ, તેઓ નવી દિલ્હીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ખૂબ ધાંધલ-ધમાલવાળા ટ્રાન્સપોર્ટ હબ પર વિવિધ માલ-સામાન પહોંચાડે છે, સામાન્ય રીતે તેઓ સબ્જી મંડી રેલ્વે સ્ટેશન પાસેના ઉત્તર-મધ્ય દિલ્હીના પ્રતાપ નગરમાંથી તે માલ-સામાન લઈ આવે છે.
લગભગ છ કિલોમીટરના અંતરે આવેલા આ બંને વિસ્તારમાં ટ્રેન કે ટ્રક દ્વારા માલ-સામાન લાવનારા ટ્રાન્સપોર્ટરો ટૂંકા અંતરે સામાન પહોંચાડવા બળદગાડાં ભાડે રાખે છે. જેમાં લાવે છે લુધિયાણાથી સાયકલના પુરજા, આગ્રાના પગરખાં, પંજાબ અને મધ્ય પ્રદેશના ઘઉં, દક્ષિણ ભારતથી ગાડીના પુરજા.
માલને ગાડીમાં ભરવાનું અને ઉતારવાનું કામ બળદગાડાંવાળાઓનું છે. ૨૩ વર્ષનો વિકાસ કહે છે, “ટેમ્પો એક ખેપના હજાર રુપિયા લે છે. બળદગાડું એનાથી સસ્તું છે, નહિ તો કોણ અમારો ભાવ પૂછે? અમે દરરોજ બે ખેપ કરીએ છીએ અને દિવસના આશરે ૮૦૦-૯૦૦ રુપિયા કમાઈ લઈએ છીએ.”
ટ્રાન્સપોર્ટરો તેમના ગોડાઉનમાંથી નજીકના બજારોની દુકાનોમાં માલસામાન પહોંચાડવા માટે પણ બળદગાડાં ભાડે રાખે છે. ઘણા દુકાનદારો પણ વેચવાનો માલ શહેરમાં અન્ય જગ્યાએ મોકલવા માટે બળદગાડાં ભાડે રાખે છે.
જો કે દિલ્હી ટ્રાફિક પોલીસના નિયમો મુજબ અમુક નિશ્ચિત વિસ્તારમાં જ બળદગાડાં ફેરવી શકાય છે અને તે પણ નિશ્ચિત સમય દરમ્યાન જ. ૨૭ વર્ષનો લક્ષ્મણ કહે છે કે આ સિવાય બીજા કોઈ અન્ય કડક નિયમો નથી. “અમારે કોઈની પરવાનગી લેવી પડતી નથી કે ટ્રાફિક પોલીસ પાસે કોઈ ચલણ ફડાવવું પડતું નથી, એટલે અમે બળદગાડાં વાપરીએ છીએ.”









