‘જો મારી પાસે વિકલ્પ હોત, તો હું ક્યારેય હોસ્પિટલ ન જતી," વારાણસી જિલ્લાના અનાઈ ગામના સુદામા આદિવાસી તેમના પહેલા પાંચ બાળકોને ઘરે થયેલા જન્મના કારણો વિષે વાત કરતાં કહે છે. "અમારી સાથે ત્યાં જાનવરો જેવો વ્યવહાર કરવામાં આવે છે. ડોકટરો પોતે અમને તપાસતા નથી અને નર્સો એવી વાતો કરે છે કે, 'આ લોકો કેવામાં રહે છે! આવા ગંધાતા લોકો ક્યાંથી આવી જાય છે?'"
સુદામાએ છેલ્લાં ૧૯ વર્ષોમાં નવ બાળકોને જન્મ આપ્યો છે. અત્યારે ૪૯ વર્ષની ઉંમરે હજુ મેનોપોઝને પહોંચ્યા નથી.
તેઓ બારાગાંવ બ્લોકમાં આવેલા ગામના એક છેડે ૫૭ પરિવારોના મુસહર ટોળામાં રહે છે. ગામમાં ઊંચી જાતિના ઠાકુરો, બ્રાહ્મણો, ગુપ્તાઓના ઘરો, થોડા મુસલમાનોના, અને ચમાર, ધારકર અને પાસી જેવા અન્ય અનુસૂચિત જાતિના ઘરો પણ છે. પહેલી નજરે આ વસ્તી તેમના સમુદાય સાથે જોડાયેલી ઘણી ધારણાઓની પુષ્ટિ કરતી દેખાય છે - અડધા કપડાવાળા, ધૂળવાળા બાળકો, તેમના પાતળા અને ખોરાકથી ખરડાયેલાં ચહેરાઓ પર ઉડતી માખીઓ અને સ્વચ્છતાનો સંપૂર્ણ અભાવ. પરંતુ નજીકથી જોતાં એક અલગ જ હકીકત સામે આવે છે.
ઉત્તરપ્રદેશમાં અનુસૂચિત જાતિની સૂચીમાં આવતા મુસહર જાતિના લોકો ખેતીને ભારે નુકસાન પહોંચાડનારા ઉંદરો પકડવામાં માહેર હતા. સમય જતા, તેમનો આ વ્યવસાય ધ્રુણાની નજરથી જોવામાં આવ્યો અને આ લોકોને ‘ઉંદરો ખાનારા’ તરીકે ઓળખવામાં આવ્યા - ‘મુસહર’ નામનો પણ આ જ અર્થ થાય છે. આ સમુદાયના લોકોએ અન્ય સમુદાય તરફથી બહિષ્કાર અને અપમાન સહન કરવું પડે છે અને સાથે-સાથે સરકાર પણ એમની ઉપેક્ષા કરે છે જેથી તેમણે વંચિતતાનો સામનો કરવો પડે છે. પાડોશી બિહાર રાજ્યમાં તેમને ‘મહાદલિત’ તરીકે સૂચીબદ્ધ કરવામાં આવ્યા છે - જેઓ અનુસૂચિત જાતિઓમાં પણ સૌથી વધારે ગરીબ છે અને તેમણે સૌથી વધારે ભેદભાવનો પણ સામનો કરવો પડે છે.








