રોપી પાસે તેઓ જેનો સંદર્ભ આપી શકે એવો કોઈ અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ નહોતો તેમ છતાં તેમણે ખાનગી પ્રસૂતિગૃહના ડૉક્ટરને આત્મવિશ્વાસપૂર્વક કહ્યું (ગર્ભમાં) જોડિયા બાળકો છે.
રોપી મન્નુ બેટે થોડા આનંદ અને ખૂબ રમૂજ સાથે લગભગ બે વર્ષ પહેલાંની ઘટનાનું વિગતવાર વર્ણન કરે છે. “કાન મેં વો લગાયા [તેણે તે વસ્તુ તેના કાનમાં પહેરી],” સ્ટેથોસ્કોપથી તપાસતા ડૉક્ટરની નકલ કરતા તેઓ કહે છે. ડૉક્ટરે અશક્ત સગર્ભા મહિલાના સાધારણ કદના પેટ પર છેલ્લી નજર નાખી અને રોપીના જોડિયા બાળકોના અનુમાન સાથે તેઓ અસંમત થયા.
દવાખાનાના ડિલિવરી રૂમમાં ટિપોઈ પર બેસવા પાછા ફરતા પહેલા તેમણે (રોપીએ) ફરીથી કહ્યું, "મેડમ, દો હોતા, દો [મેડમ બે, (ગર્ભમાં) બે બાળકો હશે]." લગભગ 70 વર્ષના રોપી અને તે સમય સુધીમાં તો પીડાથી તડપતી પ્રસૂતા માતા ઉત્તર-પૂર્વ મહારાષ્ટ્રમાં મેલઘાટ જંગલના સીમાડે આવેલા તેમના ગામ જૈતાદેહીથી 20 કિલોમીટર દૂર પરતવાડા શહેરમાં હતા.
સાંજ સુધીમાં એક છોકરો જન્મ્યો અને થોડી સેકન્ડ પછી બીજા બાળકનું માથું બહાર આવ્યું. આ વખતે એક છોકરી હતી - જોડિયા બહેન.
પોતાના પરંપરાગત માટીના મકાનના વરંડાના એક છેડે લાકડાના ખાટલાના પાટિયા પર બેઠેલા રોપી મોટેથી હસે છે, ગાયના છાણથી લીંપેલી તેમના ઘરની ભોંય ચમકતી હતી. (ઘરની) અંદર લાકડાના મોભવાળા ત્રણ ઓરડાઓ ખાલી છે, તેમના જુવાન દીકરાઓ પરિવારના બે એકરના ખેતરમાં કામ પર ગયા છે.
તેઓ કંઈક ચીડથી કોરકુમાં એક ગાળ બોલે છે - જેનો શાબ્દિક અર્થ ગધેડાની** થાય છે - અને થોડું વધારે હસે છે, ને તેમના ચહેરા પરની કરચલીઓ વધુ ઊંડી થાય છે. શહેરના એક ડોક્ટરને ગાળ ભાંડી શકવાની પોતાની એ ઉપલબ્ધિને યાદ કરી જાતે જ રાજી થતા હોય એમ તેઓ કહે છે, "મેં એ જ તો તેમને (ડોક્ટરને) કહ્યું હતું."











