વરસાદ અને પાણીની અછત માટે વિશેષ જાણીતા આ પ્રદેશમાં પ્રખ્યાત એક લોકગીત છે જે એના 'મીઠાં પાણી'ની ઉજવણી કરે છે. આ મીઠું પાણી તે કચ્છની પ્રજા અને તેની વિશાળ સાંસ્કૃતિક વિવિધતા પણ ખરું
એક હજાર વર્ષ પહેલાં કચ્છ, સિંધ અને સૌરાષ્ટ્રના પ્રદેશોમાં રહેતા અને શાસન કરતા લાખો ફુલાણી (જન્મ 920 એડી) ખૂબ જ પ્રેમાળ રાજા હતા. તેમને પોતાના લોકો માટે જીવન સમર્પિત કરીને પ્રતિષ્ઠા મેળવી. તેમના ઉદાર શાસનને યાદ કરીને લોકો આજે પણ કહે છે, "લાખા તો લાખો મલાશે પણ ફૂલાણી એ ફેર [લાખો નામે તો લાખો મળશે પણ આપણા (લોકોના દિલ પર રાજ કરનાર) એક લાખો ફુલાણી તો માત્ર એક]."
આ ગીતમાં તેમનો ઉલ્લેખ છે અને તે ઉપરાંત આ ગીત આ પ્રદેશની સંસ્કૃતિના હાર્દમાં રહેલી ધાર્મિક સંવાદિતાની ભાવનાઓને પણ વ્યક્ત કરે છે. કચ્છમાં ઘણા ધાર્મિક સ્થાનો છે જ્યાં હિંદુઓ અને મુસ્લિમો બંને જતા જોવા મળે છે, જેમ કે હાજીપીરની દરગાહ અને દેશદેવીમાં આશાપુરાનું મંદિર. આ ગીતમાં ઐતિહાસિક સંદર્ભોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમ કે ફુલાની દ્વારા બાંધવામાં આવેલ કારાકોટ ગામમાં આવેલો કિલ્લો.
આ ગીત ઉપરાંત આ સંગ્રહના અન્ય ગીતો પ્રેમ, ઝંખના, ખોટ, લગ્ન, માતૃભૂમિથી લઈને સ્ત્રી સશક્તિકરણ, લોકશાહીના અધિકારો અને એવા કંઈ અનેક વિષયોની સ્પર્શે છે.
PARI કચ્છના 341 ગીતો સાથે કચ્છી ફોકસોંગ્સ મલ્ટીમીડિયા આર્કાઇવ રાખશે. અહીં ઓડિયો ફાઇલ મૂળ ભાષામાં સ્થાનિક કલાકારો દ્વારા ગીતની પ્રસ્તુતિ કરશે. લોકગીત વાચકોને ગુજરાતી લિપિમાં અંગ્રેજી અને અન્ય 14 ભાષાઓ જેમાં PARI હવે પ્રકાશિત થાય છે એ તમામમાં અનુવાદ સાથે પ્રસ્તુત કરવામાં આવશે.
કચ્છ એક 45,612 ચોરસ કિલોમીટરની નાજુક ઇકોસિસ્ટમને આવરી લેતો વિસ્તાર છે, જેની દક્ષિણમાં સમુદ્ર અને ઉત્તરમાં રણ છે. ભારતના સૌથી મોટા જિલ્લાઓમાંનો એક, એવો આ જિલ્લો અર્ધ-શુષ્ક ક્ષેત્રમાં આવે છે જ્યાં લોકો નિયમિતપણે પાણીની અછત અને દુષ્કાળના સાથે સંઘર્ષ કરે છે.
કચ્છમાં અનેકવિધ જાતિઓ, ધર્મો અને સમુદાયો વસે છે, જેમાંથી મોટાભાગના લોકો છેલ્લા 1,000 વર્ષોમાં આ પ્રદેશ તરફ સ્થળાંતર કરીને આવેલા લોકોના વંશજો છે. રબારી, ગઢવી, જાટ, મેઘવાલ, મુતવા, સોઢા રાજપૂત, કોળી, સિંધી અને દરબાર જેવા પેટા જૂથો સાથે હિન્દુ, મુસ્લિમ અને જૈનો પણ અહીંયા વસે છે. કચ્છનો સમૃદ્ધ અને બહુલવાદી વારસો અહીંના બેજોડ કપડાં, ભરતકામ, સંગીત અને અન્ય સાંસ્કૃતિક પરંપરાઓમાં પ્રતિબિંબિત થાય છે. 1989 માં સ્થપાયેલ કચ્છ મહિલા વિકાસ સંગઠન (KMVS) આ પ્રદેશના સમુદાયોને સંગઠિત કરવામાં અને તેમની પરંપરાઓને સમર્થન આપવા માટે કાર્યરત છે.



