મા બાલ્કનીમાં તુલસી પાસે દીવો મૂકે છે. મને યાદ છે ત્યારથી મેં એને રોજ સાંજે આમ દીવો મૂકતી જોઈ છે. હવે સિત્તેરની થઇ છે. હાથ પગ પાર્કિન્સનને લીધે ધ્રૂજે છે અને મન સતત ભ્રાંતિમાં રહે છે. એને લાગે છે એના દિવા સળગતા જ નથી. બીજી બાલ્કનીઓમાં દિવાળીના કોડિયાં ઝગમગે છે. શું આજે દિવાળી છે? એને યાદ નથી આવતું. આમેય એની યાદશક્તિ પર હવે ભરોસો થાય એમ નથી. પણ ત્યાંતો બધે ફરી અંધારું થઇ જાય છે, પહેલા કરતાંય ઘેરું. એને કોઈ જાણીતા મંત્રોચ્ચાર સંભળાય છે. કોઈ ગાયત્રી મંત્ર ગાય છે, કે પછી હનુમાન ચાલીસ હતા? શું કોઈ "પાકિસ્તાન મુર્દાબાદ" ના નારા લગાવે છે?
એ તારા વિહોણા આકાશ તરફ જોઈ બે ઘડી થથરે છે. કાનમાં પડઘાતા અવાજો એને ગાંડી કરી મૂકતા લાગે છે. મુસલમાન બેકરીવાળા પાસેથી દૂષિત બ્રેડ ના લેવાની ચેતવણી આપતા આવજો. સોસાયટીમાં થૂંકી થૂંકીને રોગ ફેલાવતા મુસલમાન ફેરિયાઓથી ચેતતા રહેવાની સૂચના આપતા આવજો. બાલ્કનીમાં દિવા પ્રગટાવી એકતાનો સંદેશ ફેલાવવાનો નિર્દેશ આપતા આવજો. ક્યાંય આગળ ના વધતા રસ્તે પડ્યા ભૂખ્યા પેટના ગુરગુરવાના અવાજો. કોઈ અજાણ્યા શાસ્ત્રોના પ્રેમ ને દયાના સંદેશ આપતા ઝીણા આવજો. એના દીવાને હોલવી નાખતા પવનના સૂસવાટાના અવાજો. એને ચક્કર જેવું લાગે છે. એને પાછા જવું છે એના ખાટલા પર પણ અંધારું વધતું જાય છે. એક વાર ફરી એ પ્રયત્ન કરે છે એના ધ્રુજતા હાથે દીવો પ્રગટાવવાનો...



