છેલ્લા ત્રણ વર્ષમાં તમે કેટલી હોસ્પિટલોના ધક્કા ખાધા/અભિપ્રાય લીધા?
આ સવાલ સાંભળી સુશીલા દેવી અને તેમના પતિ મનોજ કુમારના ચહેરા પર થાક અને નિરાશાના વાદળ છવાઈ જાય છે. જૂન 2017 માં બાંદીકુઈ શહેરની મધુર હોસ્પિટલમાં સુશીલાએ નસબંધી (વંધ્યીકરણની પ્રક્રિયા) કરાવી ત્યારથી તેઓએ (તેમના નામ અહીં બદલવામાં આવ્યા છે) કેટલી હોસ્પિટલોના ધક્કા ખાધા, કેટલા પરીક્ષણો કરાવ્યા અને તેમને કેટલા વિરોધાભાસી નિદાનો મળ્યા એની સંખ્યા તેમને યાદ નથી.
લગ્નના 10 વર્ષમાં ત્રણ દીકરીઓ પછી ચોથું બાળક દીકરો હતો. દીકરાના જન્મ ના એક વર્ષ પછી આ દંપતીએ તેમના કુટુંબ અને જીવનને વધુ સારી રીતે સંભાળવાની આશામાં 27 વર્ષની સુશીલાની નસબંધી કરાવવાનું નક્કી કર્યું. રાજસ્થાનની દૌસા તહસીલમાં આવેલા તેમના ગામ ઢાણી જામાથી માત્ર ત્રણ કિલોમીટર દૂર કુંડલ ગામમાં સરકારી આરોગ્ય આરોગ્ય કેન્દ્ર (પીએચસી) હોવા છતાં ઢાણી જામાથી 20 કિલોમીટર દૂર, બાંદીકુઈમાં આવેલી ખાનગી હોસ્પિટલ તેમની પસંદગીનો વિકલ્પ હતો.
31 વર્ષના સુનિતા દેવી માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર (આશા - accredited social health activist - ASHA ) છે. તેઓ કહે છે, “[સરકારી] આરોગ્ય કેન્દ્રોમાં વંધ્યીકરણ શિબિરો મોટાભાગે શિયાળાના મહિના દરમિયાન યોજવામાં આવે છે. સ્ત્રીઓ ઠંડા મહિના દરમિયાન આ પ્રક્રિયા કરાવવાનું પસંદ કરે છે કારણ કે ઝડપથી રૂઝ આવી જાય છે. જો તેઓ ઉનાળાના મહિનાઓમાં શસ્ત્રક્રિયા કરાવવા માગતા હોય તો અમે તેમને દૌસા અને બાંદીકુઈની ખાનગી હોસ્પિટલોમાં લઈ જઈએ છીએ." તેઓ આ દંપતી સાથે મધુર હોસ્પિટલ, 25 પથારીવાળી જનરલ હોસ્પિટલમાં ગયા હતા. તે હોસ્પિટલ રાજ્ય કુટુંબ કલ્યાણ યોજના હેઠળ નોંધાયેલી છે, અને તેથી સુશીલા પાસે નસબંધી માટે પૈસા લેવામાં આવ્યા નહોતા. તેના બદલે, તેમને પ્રોત્સાહનરૂપે 1400 રુપિયા મળ્યા.
શસ્ત્રક્રિયા પછી થોડા દિવસો પછી, સુશીલાને માસિક આવ્યું , અને તે સાથે જ ખૂબ દર્દજનક પીડા અને થાકનું એક ચક્ર શરૂ થયું જે આગામી ત્રણ વર્ષના મોટા ભાગ દરમિયાન ચાલુ રહેવાનું હતું.
29 વર્ષના મનોજ કહે છે, “જ્યારે પહેલા પીડા શરૂ થઈ ત્યારે મેં અમારી પાસે ઘરમાં હતી તે પેઇનકિલર્સ - દુખાવો દૂર કરવાની દવા આપી. તેનાથી થોડીઘણી રાહત થઈ. દર મહિને જ્યારે તેને માસિક સ્રાવ થતો ત્યારે તે રડતી.”
સુશીલા એક ગૃહિણી છે. તેઓ 8 મા ધોરણ સુધી ભણ્યા છે. તેઓ કહે છે, “પીડા તીવ્ર થઈ, અને વધુ પડતું લોહી વહેવાથી મને ઊબકા આવતા. મને હંમેશા નબળાઈ રહેતી. ”
જ્યારે આ ત્રણેક મહિનાઓ સુધી ચાલ્યું, ત્યારે આ દંપતી કંઈક અચકાતા અચકાતા કુંડલમાં આવેલા પીએચસી (PHC) માં ગયા.







