પોતાની ઓફિસમાં કર્મચારીઓના નાના બાળકો માટે આયોજિત ચિત્ર સ્પર્ધા માટે પેઈન્ટિંગ પૂરું કરવામાં તે નાનકડી સોનુને મદદ કરી રહી હતી. (સ્પર્ધાના વિષયવસ્તુ) "ધ ઈન્ડિયા ઓફ માય ડ્રીમ્સ" ("મારા સપનાનું ભારત") માટે એન્ટ્રી સબમિટ કરવાનો (પેઈન્ટિંગ મોકલવાનો) આજે છેલ્લો દિવસ હતો. સોનુનું પેઈન્ટિંગ લગભગ પૂરું થવા આવ્યું હતું. જો તેની દીકરીએ "મા, અહીં આવ ને, મારી સાથે બેસ ને, પ્લીઝ." એમ સતત વિનંતીઓ ન કરી હોત તો…આજે સવારે તે રંગો ભરવાની મનોસ્થિતિમાં નહોતી. તે કામ કરવાનો દેખાવ કરતી હતી પણ હકીકતમાં તેનું બધું ય ધ્યાન સમાચારોમાં જ હતું. તેમ છતાં આખરે અનિચ્છાએ તે તેની નાની દીકરી પાસે જઈને બેઠી.
તેણે દીકરીને ખોળામાં લીધી તે સાથે જ એ માસૂમ બાળકીના ચહેરા પર વ્હાલસોયું સ્મિત છવાઈ ગયું. સોનુએ ઉત્સાહથી પોતાના ચિત્ર તરફ ઈશારો કરતા (માને) કહ્યું, "જો!" દરમિયાન ટેલિવિઝન પર ભગવા પોશાકમાં સજ્જ એક મહિલા તેના કાનમાં નફરતનું ઝેર ઓકતી હતી. ધર્મ સંસદની એ ક્લિપ (સોશિયલ મીડિયા પર) વાયરલ થઈ હતી. તેને ખબર ન હતી કે તે બેધ્યાનપણે બેમાંથી કયું કામ કરી રહી હતી - એ મહિલાની વાત સાંભળવાનું કે પોતાની દીકરીનું પેઈન્ટિંગ જોવાનું. દીકરીના પેઈન્ટિંગમાં છ કે સાત માનવ આકૃતિઓ એક સુંદર પૃષ્ઠભૂમિ સામે ઊભી હતી. પુરૂષો, સ્ત્રીઓ અને બાળકો સાંજના ઓગળતા કેસરી આકાશ નીચે નીલમણિ શા લીલછમ ખેતરો વચ્ચે ઊભા હતા.
તેને સમજાતું નહોતું કે રંગો વધુ સંવેદનશીલ હતા કે (એ મહિલાના) શબ્દો વધુ હિંસક. પરંતુ પોતાની ભીની આંખો આ નાની, સફેદ માનવ આકૃતિઓ પર કેન્દ્રિત રાખવા તેણે ભારે જહેમત ઉઠાવી. માથે ટોપી, હિજાબ, ગળામાં ચળકતો ક્રોસ, સિંદૂરથી ભરેલી પાંથી, પાઘડી...સાથેની - એ તમામ માનવ આકૃતિઓ સ્પષ્ટપણે તેમની સંબંધિત ધાર્મિક ઓળખ છતી કરે તે રીતે ચિતરાયેલી હતી. દરેકના ચહેરા પર સાવ નિર્દોષ સ્મિત ફરકતું હતું અને દરેકે પોતાના લંબાયેલા હાથ વડે બંને બાજુએ ઊભેલી કોઈ સાવ અજાણી વ્યક્તિઓના હાથ પકડેલા હતા. આ જોઈને તેની આંખો આંસુથી ભરાઈ આવી અને આંખમાંથી આંસુ સારી પડ્યા ત્યારે કેસરી ને લીલો ને સફેદ બધા ય રંગો ધૂંધળા થઈ ગયા હોય તેવું લાગ્યું...


