20મી મેએ, અમ્ફાન ચક્રવાતને કારણે સૂસવાટાભેર વાતા ભારે પવન અને મૂશળધાર વરસાદને કારણે ચોમેર મોટા પાયે પાયમાલી થઈ હતી, છતાં સબિતા સરદાર ડર્યા નહોતા. તેઓ કહે છે, “અમે ખરાબ હવામાનનો સામનો કરવા ટેવાયેલા છીએ. મને ડર નહોતો લાગ્યો. હકીકતમાં પાકા મકાનોમાં રહેનારા વધારે ડરતા હતા."
સબિતા છેલ્લા 40 વર્ષથી દક્ષિણ કોલકાતાના જાણીતા બજાર ગરિયાહાટના રસ્તા પર રહે છે.
તે દિવસે જ્યારે ભારે ચક્રવાતી વાવાઝોડું પશ્ચિમ બંગાળની રાજધાનીમાંથી પસાર થયું ત્યારે સબિતા અને બીજી કેટલીક બેઘર મહિલાઓ, ગરિયાહટ ફ્લાયઓવર નીચે તેમની ત્રણ પૈડાવાળી સાઇકલ-લારીમાં, ટોળે વળીને બેસી ગયા હતા. તેઓએ આખી રાત આમ જ વિતાવી. સબિતા યાદ કરે છે, “કાચના છૂટા ટુકડાઓ હવામાં ઉડતા રહ્યા અને ઝાડ પડતાં રહ્યાં, અમે ત્યાં જ બેસી રહ્યા. પવનને કારણે અમારી તરફ આવતા વરસાદી ઝાપટાથી અમે ભીંજાઈ ગયા. અમે ઢૂમ-ઢામ એવા મોટા અવાજો સાંભળ્યા."
આગલે દિવસે જ તેઓ ફ્લાયઓવર નીચેના તેમના મુકામે પાછા ફર્યા હતા. 47 વર્ષના સબિતાએ કહ્યું, “હું અમ્ફાન વાવાઝોડાના એક દિવસ પહેલાં મારા દીકરાના ઘેરથી ગરિયાહાટ પાછી આવી હતી. મારાં વાસણો અને કપડાં વેરવિખેર પડ્યાં હતાં, જાણે કોઈએ તેમાં કંઈક શોધવાનો પ્રયત્ન ન કર્યો હોય એવું લાગતું હતું.” તેઓ તેમના દીકરા રાજુ સરદારના ઘેરથી ચાર કિલોમીટર ચાલીને પાછા આવ્યા હતા. ૨૭ વર્ષના રાજુ, તેમની પત્ની ૨૫ વર્ષના રૂપા, તેમનાં નાનાં બાળકો અને રૂપાની નાની બહેન તાલીગંજની ઝાલદર મઠ ઝૂંપડપટ્ટીમાં ભાડાના રૂમમાં રહે છે.
૨૫ મી માર્ચે લોકડાઉન શરૂ થતાં કોલકત્તા પોલીસે ગરિયાહાટની ફૂટપાથ પર રહેનારાઓને એક આશ્રયસ્થાનમાં મોકલ્યા હતા. તેઓ (સબિતા) તે આશ્રયસ્થાન છોડીને ઝાલદર મઠ ચાલ્યા ગયા હતા. તે રાતે, પોલીસ અધિકારીઓ આવ્યા અને ફ્લાયઓવર નીચે રહેતાં સબિતા અને બીજા લોકોને મળ્યા. સબિતાએ કહ્યું, "તેઓએ અમને કહ્યું કે [કોરોના] વાયરસના કારણે અમે રસ્તા પર રહી શકીએ નહીં, અને અમારે હાલ પૂરતું કોઈ આશ્રયસ્થાનમાં જવું પડશે." તેઓને કોલકત્તા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં. 85ના કોમ્યુનિટી હોલમાં લઈ જવામાં આવ્યા હતા.






