જ્યારે પૂરનાં પાણી વધવા માંડ્યા, ત્યારે પાર્વતી વાસુદેવ ઘર છોડતી વખતે તેમના પતિની પ્રસંગે પહેરવાની ટોપી લઈને નિકળ્યાં. “અમે ફક્ત આ અને છિપલી [એક વાદ્ય] જ લઈને આવ્યાં છીએ. ભલે ગમે તે થાય, અમે આ ટોપી ક્યારેય છોડી ન શકીએ,” તેણીએ કહ્યું. આ પાઘ મોરના પીંછાથી શણગારેલ છે અને તેણીના પતિ, ગોપાલ વાસુદેવ ભજન ગાતી વખતે તે પહેરે છે.
જોકે ૯ ઑગસ્ટે, ગોપાલ, જેઓની ઉંમરી ૭૦થી વધુ હશે, એક શાળાના ઓરડાના ખૂણે બેઠા હતા અને દેખીતી રીતે હતાશ હતા. “મારી ત્રણ બકરીઓ મરી ચૂકી છે અને અમે જે એકને બચાવી છે તે પણ રોગી હોવાના કારણે મરી જશે,” તેમણે કહ્યું. ગોપાલ વાસુદેવ જ્ઞાતિના છે, જે બારણે-બારણે ફરીને ભજન ગાઈને ભીખ મેળવતો ભગવાન કૃષ્ણના ભક્તોનો સમુદાય છે. ચોમાસાના મહિનાઓમાં તેઓ કોલ્હાપુર જિલ્લાના હત્કાનંગળે તાલુકામાં આવેલ તેમના ગામ, ભેંડાવાડેમાં ખેતમજૂર તરીકે કામ કરે છે “ભારે વરસાદના કારણે એક મહિના સુધી ખેતરોમાં કામ ન હતું, અને હવે ફરી પૂર આવ્યું છે,” તેઓ ભરાયેલી આંખે કહે છે.
વરસાદ મોડો થવાના કારણે ભેંડાવાડેના ખેડૂતોએ તેમની ખરીફની વાવણી જુલાઈ સુધી ઠેલી હતી – સામાન્ય રીતે અહીં જૂન મહિનાની શરૂઆતમાં પહેલો વરસાદ થઈ જતો હોય છે. પણ જ્યારે વરસાદ ટૂટી પડ્યો, ત્યારે સોયાબીન, મગફળી અને શેરડીના પાકને ડુબાડવામાં પાણીને ફક્ત એકજ મહિનો લાગ્યો.


















