એ લોકો ફક્ત પસાર થઇ રહ્યા હતા - હજારોની તાદાદમાં. તેઓ રોજ આવતા - કોઈ ચાલીને, કોઈ સાઈકલ પર, ટ્રકમાં, બસમાં, જે પણ વાહન મળી ગયું તેમાં. થાકેલા, નબળા પડેલા, ઘેર પહોંચવા માટે અધીર. દરેક વયના પુરુષ અને સ્ત્રીઓ ,ઘણાં બાળકો પણ.
તેઓ આવતા હતા હૈદરાબાદથી અને તેની પણ આગળથી, મુંબઈ અને ગુજરાતથી, વિદર્ભ અને પશ્ચિમી મહારાષ્ટ્રથી, અને જતા હતા ઉત્તર તરફ કે પૂર્વ તરફ - બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઓરિસા, ઉત્તર પ્રદેશ અને પૂર્વ બંગાલ.
લોકડાઉનને કારણે જ્યારે તેમનું જીવન છિન્નભિન્ન થઇ ગયું અને તેમની આજીવિકા થંભી ગયી, ત્યારે દેશભરમાં લાખો લોકોએ એક સરખો નિર્ણય લીધો: તેઓ પાછા જશે, પોતાપોતાને ગામ, પોતાના કુટુંબ અને સ્નેહીજનો પાસે. ભલે મુસાફરી ગમે તેટલી મુશ્કેલ હોય, છેવટે તે જ સારું રહેશે.
અને તેમાંથી ઘણાં નાગપુર થઇને જઈ રહ્યા છે, જે ભૌગોલિક દ્રષ્ટિએ દેશની મધ્યમાં છે અને સામાન્ય સમયમાં દેશનું મહત્વપૂર્ણ રેલવે જંકશન છે. આ લોકો અઠવાડિયા દર અઠવાડિયા એકધારા પસાર થતા રહ્યા. રાજ્ય અને કેન્દ્રીય સરકારોએ તો છેક મેમાં જઈને થોડા પ્રવાસી મજૂરોને બસ અને ટ્રેનની સગવડ આપી. હજારો રહ્યા જેમને ક્યાંય સ્થાન ના મળ્યું અને તેઓએ કોઈ પણ રીતે ઘેર પહોંચવા પોતાની લાંબી મુસાફરીઓ જારી રાખી.
















