માનનીય મુખ્ય ન્યાયામૂર્તિ,
"કમનસીબે સંશોધનાત્મક પત્રકારત્વની વિભાવના પ્રસાર માધ્યમોના કાર્યની પહોંચની મર્યાદામાંથી અદૃશ્ય થઈ રહી છે...જ્યારે અમે મોટા થઈ રહ્યા હતા, ત્યારે અમે મોટા-મોટા કૌભાંડોનો પર્દાફાશ કરતા અખબારોની આતુરતાથી રાહ જોતા. અખબારોએ અમને ક્યારેય નિરાશ કર્યા નહોતા." - તમારા આ સૌથી સુસંગત અવલોકન માટે આભાર.
તાજેતરના સમયમાં પ્રસાર માધ્યમો વિશે આનાથી વધારે સાચા શબ્દો ભાગ્યે જ બોલાયા છે. તમારા આ પહેલાના વ્યવસાય સાથે સંકળાયેલ લોકોને, ક્ષણાર્ધ માટે પણ, યાદ કરવા બદલ આભાર. તમે 1979માં ઈનાડુમાં જોડાયા તેના થોડા મહિના પછી જ હું પત્રકારત્વના ક્ષેત્રમાં પ્રવેશ્યો હતો.
તમે પુસ્તક વિમોચન કાર્યક્રમમાં તમારા તાજેતરના ભાષણમાં યાદ કર્યું હતું તે પ્રમાણે - એ રોમાંચક દિવસોમાં, આપણે જાગીને "મોટા-મોટા કૌભાંડોનો પર્દાફાશ કરતા અખબારોની આતુરતાથી રાહ જોતા." મહોદય, આજે આપણે જાગીએ છીએ તે કૌભાંડોનો પર્દાફાશ કરનારા પત્રકારોને ગેરકાનૂની પ્રવૃતિઓ નિવારણ અધિનિયમ (અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ - યુએપીએ - UAPA) જેવા કઠોર કાયદા હેઠળ જેલમાં ધકેલી દેવાયાના અહેવાલોથી. અથવા તો મની-લોન્ડરિંગ નિવારણ કાયદા (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ - PMLA) જેવા કાયદાઓના આઘાતજનક દુરુપયોગ, જેની તમે તાજેતરમાં સખત ટીકા કરી છે, તેના અહેવાલોથી.
તમે તમારા ભાષણમાં કહ્યું હતું તેમ, ""ભૂતકાળમાં આપણે કૌભાંડો અને ગેરવર્તણૂક અંગેના અખબારોના અહેવાલો જોયા છે નોંધપાત્ર અસર ઉપજાવી ગંભીર પરિણામો તરફ દોરી જતા." અરેરે, આજકાલ આવી વાર્તાઓ કરનારા પત્રકારોને ગંભીર પરિણામો ભોગવવા પડી રહ્યા છે. સીધો અહેવાલ આપવા માટે પણ. ઉત્તર પ્રદેશમાં એ આઘાતજનક અત્યાચારમાં સામૂહિક-બળાત્કાર (ગેંગ-રેપ) પીડિતાના પરિવારને મળવા હાથરસ જઈ રહ્યા હતા ત્યારે જેમની ધરપકડ કરવામાં આવી હતી તે સિદ્દીક કપ્પન આજે એક વર્ષથી જેલમાં બંધ છે, જામીન મેળવવામાં અસમર્થ તેઓ પોતાના કેસને એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં ધકેલાતો જોઈ રહે છે, જ્યારે તેમની તબિયત ઝડપથી કથળતી જાય છે.
આ ઉદાહરણ આપણી નજર સામે છે ત્યારે ચોક્કસપણે ઘણું પત્રકારત્વ - સંશોધનાત્મક અને અન્ય - અદૃશ્ય થઈ જશે.
જસ્ટિસ રમણા, તમે સાવ સાચું કહો છો કે, ભૂતકાળના કૌભાંડોના પર્દાફાશની તુલનામાં તમને "તાજેતરના વર્ષોમાં એ પરિમાણની કોઈ વાર્તા યાદ નથી. આપણે ત્યાં બધું ઠીકઠાક ચાલી રહ્યું છે. તમારા પોતાના નિષ્કર્ષ પર પહોંચવાનું હું તમારા પર છોડી દઉં છું.”
કાયદા અને પ્રસાર માધ્યમો એ બંને વિશેનું આપનું જ્ઞાન ઊંડું છે અને આપ ભારતીય સમાજના કુશાગ્ર નિરીક્ષક છો ત્યારે - મહોદય, હું ઈચ્છતો હતો કે તમે થોડા આગળ વધીને માત્ર સંશોધનાત્મક જ નહીં, પરંતુ મોટાભાગના ભારતીય પત્રકારત્વને ખતમ કરી દેનાર પરિબળોને સ્પષ્ટતાથી અને કાળજીપૂર્વક સમજાવ્યા હોત. તમે અમને અમારા પોતાના નિષ્કર્ષ પર પહોંચવાનું કહ્યું છે ત્યારે શું હું કારણોના ત્રણ સમૂહ આપના ધ્યાન પર લાવી શકું?
સૌથી પહેલું, નફાખોરી કરતા મુઠ્ઠીભર કોર્પોરેટ ગૃહોના હાથમાં કેન્દ્રિત પ્રસાર માધ્યમોની માલિકીની માળખાકીય વાસ્તવિકતાઓ.
બીજું, સ્વતંત્ર પત્રકારત્વ પર સરકારના હુમલા અને નિર્દય દમનનું અભૂતપૂર્વ સ્તર.
અને ત્રીજું, (સાચું કરવાની આંતરિક) નૈતિક હિંમતનું ઘસાતું જતું પોત અને સત્તાના સ્ટેનોગ્રાફર તરીકે સેવા આપવા માટે અનેક અતિ વરિષ્ઠ વ્યાવસાયિકોની આતુરતા.
ખરેખર, આ કલા શીખવનાર તરીકે, હું મારા વિદ્યાર્થીઓને પૂછું છું કે આપણા વ્યવસાયમાં બાકી બચેલી બે વિચારધારાઓમાંથી તેઓ કઈ વિચારધારા પસંદ કરશે - પત્રકારત્વ કે સ્ટેનોગ્રાફી?
લગભગ 30 વર્ષ સુધી મેં દલીલ કરી હતી કે ભારતીય પ્રસાર માધ્યમો રાજકીય રીતે મુક્ત છે પરંતુ નફા દ્વારા કેદ છે. આજે પણ તેઓ નફા દ્વારા કેદ છે, પરંતુ તેમની વચ્ચેના થોડા સ્વતંત્ર અવાજોમાંથી વધુ ને વધુ રાજકીય કેદમાં સબડે છે.
એ નોંધવું અત્યંત મહત્ત્વનું છે કે શું એવું તો નથી કે પ્રસાર માધ્યમોની સ્વતંત્રતાની ગંભીર સ્થિતિ વિશે પ્રસાર માધ્યમોમાં જ બહુ ઓછી ચર્ચા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચાર જાણીતા અગ્રણી બુદ્ધિજીવીઓની હત્યા કરવામાં આવી છે, તે તમામ પત્રકારત્વના ક્ષેત્ર સાથે જોડાયેલા હતા. તેમાંથી પીઢ પત્રકાર ગૌરી લંકેશ પૂર્ણકાલીન પ્રસાર માધ્યમકર્મી હતા. (અલબત્ત રાઇઝિંગ કાશ્મીરના તંત્રી શુજાત બુખારી પણ બંદૂકધારીઓની ગોળીઓનો ભોગ બન્યા હતા). પરંતુ બીજા ત્રણેય પ્રસાર માધ્યમોમાં નિયમિત લેખકો અને કટારલેખકો હતા. નરેન્દ્ર દાભોલકરે અંધશ્રદ્ધા સામે લડત આપતા સામયિકની સ્થાપના અને સંપાદન કર્યું જે તેઓ લગભગ 25 વર્ષ સુધી ચલાવતા હતા. ગોવિંદ પાનસરે અને એમ.એમ. કલબુર્ગી મહાન લેખકો અને કટારલેખકો હતા.
ચારેયમાં આ સામ્ય હતું: તેઓ રેશનાલિસ્ટ (બુદ્ધિજીવીઓ) હતા અને ભારતીય ભાષાઓમાં લખનારા પત્રકારો પણ હતા - જેના કારણે તેઓ તેમના હત્યારાઓ માટેના જોખમમાં વધારો કરતા હતા. ચારેયની હત્યાઓ બિન-સરકારી ખાંધિયાઓ દ્વારા કરવામાં આવી હતી જેઓ દેખીતી રીતે જ ઉચ્ચ સ્તરીય રાજકીય વિશેષાધિકારો ભોગવે છે. આ બિન-સરકારી ખાંધિયાઓના હિટ લિસ્ટમાં બીજા કેટલાક સ્વતંત્ર પત્રકારો પણ છે.
જો ન્યાયતંત્ર એ વાસ્તવિકતાનો સામનો કરે કે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પ્રસાર માધ્યમોની સ્વતંત્રતા તેના સૌથી નીચા સ્તરે છે, તો કદાચ પત્રકારત્વની અત્યંત દયનીય અને નિરાશાજનક સ્થિતિમાં થોડો સુધારો થઈ શકે. આધુનિક તકનીકી રાજ્યની દમન ક્ષમતા - પેગાસસ કેસની કાર્યવાહીમાં તમે નિઃશંકપણે જોયું છે તેમ - કટોકટીના દુઃસ્વપ્નોને પણ વામણા પૂરવાર કરે છે.
ફ્રાંસ સ્થિત રિપોર્ટર્સ વિથાઉટ બોર્ડર્સ દ્વારા 2020માં બહાર પાડવામાં આવેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સ (WPFI - ડબલ્યુપીએફઆઈ) માં ભારત છેક 142મા ક્રમે ગગડી ગયું છે.
પ્રસાર માધ્યમોની સ્વતંત્રતા પ્રત્યેના આ સરકારના અભિગમનો મારો સીધો અનુભવ આપને જણાવું. અપમાનજનક 142 મા ક્રમથી ગુસ્સે ભરાયેલા કેન્દ્રીય કેબિનેટ સચિવે ઇન્ડેક્સ મોનિટરિંગ કમિટીની રચના કરવાનો હુકમ કર્યો, જે ભારતમાં પ્રસાર માધ્યમોની સ્વતંત્રતા અંગેની ગેરસમજ દૂર કરશે. તેના સભ્ય બનવા માટે મને પૂછવામાં આવ્યું ત્યારે મેં એ ખાતરી આપી સભ્યપદ સ્વીકાર્યું કે અમે ડબલ્યુપીએફઆઈના રેન્કિંગને રદિયો આપવાને બદલે ભારતમાં પ્રસાર માધ્યમોની સ્વતંત્રતાની વાસ્તવિક સ્થિતિ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીશું.
13ની સમિતિમાં 11 (સરકારી) અમલદારો અને સરકાર-નિયંત્રિત-સંસ્થાના સંશોધકો હતા. અને માત્ર બે પત્રકારો - પ્રસાર માધ્યમોની સ્વતંત્રતા અંગે કામ કરતી સમિતિમાં! અને તેમાંથી એક તેણે હાજરી આપી હતી તે થોડીઘણી મીટિંગમાં ક્યારેય એક શબ્દ પણ બોલ્યા નહોતા. મીટિંગો સરળતાથી ચાલી હતી, જો કે મેં જોયું કે હું એકલો જ અવાજ ઉઠાવતો હતો, પ્રશ્નો ઉઠાવતો હતો. પછી કાર્યકારી જૂથો દ્વારા એક ‘ડ્રાફ્ટ રિપોર્ટ’ તૈયાર કરવામાં આવ્યો, અહીં હકીકતમાં ‘ડ્રાફ્ટ’ શબ્દની ગેરહાજરી નોંધવા યોગ્ય છે.
આ અહેવાલમાં મીટિંગમાં ઉઠાવવામાં આવેલા ગંભીર મુદ્દાઓ વિશેનો ઉલ્લેખ સરખો ય કરાયો નહોતો. તેથી મેં તેમાં સમાવેશ કરવા માટે સ્વતંત્ર અથવા અસહમતિની નોંધ પ્રસ્તુત કરી.
ઘડીના છઠ્ઠા ભાગમાં જ અહેવાલ, સમિતિ, બધું જ ગાયબ થઈ ગયું. દેશના ટોચના (સરકારી) અમલદારના - જે કદાચ ભારતમાં માત્ર બે સૌથી વધુ સત્તાધારી વ્યક્તિઓના ઈશારે જ કામ કરે છે તેમના - નિર્દેશો પર રચાયેલી એક સમિતિ સાવ અદૃશ્ય જ થઈ ગઈ. આરટીઆઈ પૂછપરછ આ અહેવાલને - પ્રેસની સ્વતંત્રતા પરના અહેવાલને! - બહાર લાવવામાં નિષ્ફળ રહી છે. જો કે મારી પાસે તે ‘ડ્રાફ્ટ’ની મારી નકલ છે. મૂળ આ આખી કવાયત સંશોધનાત્મક પત્રકારત્વ પણ હતી જ નહીં – તે તો ભારતમાં જેમ ચાલતું આવ્યું છે તેમ પત્રકારત્વની તપાસ કરતી હતી. અને તે એક નાનકડી અસંમતિની નોંધથી સાવ અદૃશ્ય થઈ ગઈ.
આપે આપના ભાષણમાં જેની જૂની યાદો તાજી કરી હતી તે પ્રકારના સંશોધનાત્મક અહેવાલ આપવા આતુર હોય એવા ઘણા લોકો પત્રકારત્વના ક્ષેત્રમાં છે. ખાસ કરીને સરકારમાં ઉચ્ચ સ્થાનો પર થતા કૌભાંડો અને ભ્રષ્ટાચારની તપાસ. આજે આવો પ્રયાસ કરી રહેલા મોટાભાગના પત્રકારોની સામે આવતી સૌથી પહેલી મોટી અડચણ સામે તેઓ હારી જાય છે અને તે છે - સરકારી કરારો અને ઉચ્ચ સ્થાનો પરના સત્તાધારી લોકો સાથે ખૂબ નજીકથી સંકળાયેલા તેમના કોર્પોરેટ મીડિયા બોસના (અંગત) હિતો.
પેઇડ ન્યૂઝમાંથી, અંગત સ્વાર્થ ખાતર જાહેર માલિકીના સંસાધનોનો ગેરલાભ ઉઠાવવાનો પરવાનો મેળવીને અને હજારો કરોડોની જાહેર મિલકતો તેમને હવાલે કરનાર સરકારી ખાનગીકરણ સંસ્થાઓમાંથી અઢળક પૈસો બનાવતા એ અસાધારણ સામર્થ્યશાળી મીડિયા માલિકો, જેઓ શાસક પક્ષોને તેમના ચૂંટણી પ્રચાર માટે ઉદારતાપૂર્વક ભંડોળ પૂરું પાડે છે તેઓ - તેમના પત્રકારોને સત્તામાં રહેલા પોતાના ભાગીદારોને નારાજ કરવાની મંજૂરી આપે તેવી શક્યતા નથી. એક વખતના ગૌરવપૂર્ણ ભારતીય વ્યવસાયને માત્ર દૂઝણી ગાય બનાવી મૂકનારાઓને, ઘણી વખત ફોર્થ એસ્ટેટ અને રિયલ એસ્ટેટ વચ્ચેના તફાવતને ધૂંધળો કરી દેનારાઓને, સત્તાધારીઓ વિશે સત્ય બોલતા પત્રકારત્વની ભૂખ નથી.
મહોદય, મને લાગે છે કે જો હું એમ કહું કે આ મહામારીના કાળમાં આ દેશની જનતાને પત્રકારત્વ અને પત્રકારોની જેટલી જરૂર હતી અને છે તેનાથી વધારે જરૂર ક્યારેય નથી પડી તો આપ મારી સાથે સંમત થશો. સામર્થ્યશાળી પ્રસાર માધ્યમોના માલિકોએ તેમના પોતાના વાચકો અને દર્શકો સહિત જનતાની એ ગંભીર જરૂરિયાતનો પ્રતિસાદ કેવી રીતે આપ્યો? 2000 થી 2500 પત્રકારો અને તેનાથી અનેકગણા વધુ બિન-પત્રકાર પ્રસાર-માધ્યમકર્મીઓને પાણીચું પકડાવીને.






