બસંત બિંદ થોડા દિવસો માટે ઘેર આવ્યા હતા. તેઓ જહાનાબાદ જિલ્લાના સલેમાનપુર ગામથી થોડા કલાકો દૂર આવેલા પટનામાં છેલ્લા કેટલાક મહિનાઓથી ખેતમજૂર તરીકે કામ કરતા હતા.
તેઓ મકર સંક્રાંતિનો તહેવાર પતાવીને બીજા દિવસે, 15 જાન્યુઆરીના રોજ કામ પર પરત ફરવાના હતા અને કેટલાક મજૂરોને બોલાવવા પડોશના ચંધરિયા ગામમાં ગયા હતા. આ મજૂરોની સાથે તેઓ પરત ફરવાના હતા. તેઓ હજુ કામદારો સાથે વાત કરી રહ્યા હતા ને આબકારી વિભાગ અને પોલીસનું એક વાહન ત્યાં આવી પહોંચ્યું, કથિત રૂપે જેમનું કામ "બિહાર રાજ્યમાં દારૂ અને માદક દ્રવ્યોને પ્રતિબંધિત કરવાનું અને તેમના વિષે જાગૃતિ ફેલાવવાનું છે..."
પોલીસને જોઈને લોકો ડરના માર્યા આમ તેમ ભાગવા લાગ્યા, જેના કારણે બસંત પણ ડરીને ભાગવા લાગ્યા. લગભગ 27 વર્ષના બસંત કહે છે, "મારા પગમાં સ્ટીલના સળીયા લાગેલા હોવાથી હું ઝડપથી દોડી શકતો નથી. હું માંડ 50-60 ફૂટ દોડી શક્યો હતો કે દરોડો પાડનાર પોલીસે પાછળથી મારો કોલર પકડીને મને કારમાં બેસાડી દીધો."
તેમણે દરોડા પાડનાર પોલીસને કહ્યું કે તેમની તપાસ કરો, એટલે સુધી કે તેમના ઘરની તપાસ કરવા પણ કહ્યું, પરંતુ કોઈ તપાસ ન કરાઈ. "પોલીસે કહ્યું કે તેઓ મને જહાનાબાદ શહેરના આબકારી વિભાગમાં લઈ જઈને છોડી દેશે."
જો કે, પોલીસ સ્ટેશન પહોંચીને તેમણે જોયું કે તેમના નામે અડધો લીટર દારૂ હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. અને દારૂબંધીના કાયદાના વિરુધ્ધમાં દારૂ રાખવા બદલ તેમના વિરુધ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જો કોઈ વ્યક્તિ પાસે પહેલીવાર દારૂ મળી આવે, તો તેને પાંચ વર્ષ સુધીની જેલ અને એક લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે.
"ત્યાં અમે બે કલાક સુધી એ વાત માટે લડત આપી કે અમારી તપાસ કરવામાં આવે." પરંતુ તેમની અપીલ કોઈએ સાંભળી નહીં અને તેમના વિરુધ્ધમાં એક એફ.આઈ.આર. નોંધવામાં આવી. તેમની ધરપકડ પછી, જ્યારે બસંતને જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, ત્યારે તેમના કહેવા પ્રમાણે, "અમે કોર્ટમાં જજને કહ્યું કે અમારા પરિવારમાં કોઈ દારૂ વેચતું નથી. અમને છોડી દો." બસંત કહે છે કે કોર્ટે આઈ.ઓ. (તપાસ કરનાર અધિકારી) ને બોલાવ્યા, પરંતુ આબકારી વિભાગના અધિકારીઓએ કહ્યું કે આઈ.ઓ. છાપો મારવા ગયેલા છે.
*****
આ પછી, સુનાવણી સમાપ્ત થઈ અને બસંતને કાકો જેલમાં મોકલી દેવામાં આવ્યા. બસંત ચાર દિવસ જેલમાં રહ્યા અને 19 જાન્યુઆરી, 2023ના રોજ તેમને જામીન પર મુક્ત કરાયા. તેમના જામીનદારો તેમનાં માતા અને તેમના પિતરાઈ ભાઈ હતા, જેમણે અનુક્રમે તેમની જમીન અને મોટરસાઈકલના કાગળો ગિરવે મુકીને જમાનત અપાવી હતી.
જહાનાબાદ જિલ્લામાં છ પોલીસ સ્ટેશન આવેલા છે, અને તેમાંના ત્રણ પોલીસ સ્ટેશનો − હુલાસગંજ, પાલી, અને બરાબાર પર્યટન સ્થળે નોંધાયેલી 501 એફ.આઈ.આર. નો અભ્યાસ કરતાં જાણવા મળે છે કે 207 એફ.આઈ.આર.માં આરોપીઓ મુસહર સમુદાયના છે, જે રાજ્યના સૌથી ગરીબ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોમાંનો એક છે. મુસહર પછી, સૌથી વધુ આરોપો બિંદ અને યાદવ સમુદાયના લોકો પર લગાવવામાં આવે છે, જેઓ પછાત વર્ગ (ઓ.બી.સી.) ના છે.
બિન-સરકારી સંસ્થા લૉ ફાઉન્ડેશનના સહસ્થાપક પ્રવીણ કુમાર કહે છે, "દલિતો, પછાત લોકો અને ખાસ કરીને મુસહરોની દારૂબંધીના કાયદા હેઠળ સૌથી વધુ ધરપકડ થઈ રહી છે. પોલીસ કાર લઈને મુસહર લોકોની વસ્તીમાં જાય છે, અને બાળકોથી લઈને મહિલાઓને પણ કોઈ પણ જાતના પુરાવા વગર ધરપકડ કરીને જેલમાં ધકેલી દે છે. આમાંના મોટાભાગના લોકો એટલા ગરીબ છે કે તેમની પાસે વકીલ રાખવા માટે પણ પૈસા નથી, તેથી તેઓએ ઘણીવાર મહિનાઓ સુધી જેલમાં રહેવું પડે છે."
બસંતના ગામ, સલેમપુરમાં 150 પરિવારો (2011ની વસ્તી ગણતરી મુજબ) રહે છે, જેમાંથી મોટા ભાગના પરિવારો ભૂમિહીન છે અને આજીવિકા રળવા માટે તેઓ મજૂર તરીકે કામ કરે છે. લગભગ 1,242 લોકોની વસ્તી વાળા બિંદ સમુદાય સિવાય અહીં મુસહર, યાદવ, પાસી અને કેટલાક મુસ્લિમ પરિવારો પણ રહે છે.
તેમના પર લાદવામાં આવેલા કેસના કારણે ગુસ્સે ભરાયેલા બસંત તેમના ઘર તરફ ઈશારો કરીને કહે છે, "સાહેબ, આ અમારું ઘર છે. અમને જુઓ, શું અમે દારૂ વેચનારાઓ જેવા લાગીએ છીએ? અમારા આખા પરિવારમાં કોઈ દારૂ વેચતું નથી." જ્યારે બસંતનાં પત્ની કવિતા દેવીએ સાંભળ્યું કે તેમના પતિ પર અડધો લિટર દારૂ રાખવાનો આરોપ છે, ત્યારે તેમણે કહ્યું, "તેઓ શા માટે દારૂ વેચશે? તેમણે ક્યારેય દારૂ પીધો નથી."
ઈંટો અને ઘાસથી બનેલું તેમનું ઘર લગભગ 30 ફૂટ પહોળી કેનાલના કિનારે આવેલું છે. કેનાલ પાર કરીને રોડ સુધી પહોંચવા માટે કેનાલ પર બે વીજળીના થાંભલા મુકવામાં આવ્યા છે. વરસાદની ઋતુમાં જ્યારે કેનાલમાં પાણી ભરાઈ જાય છે ત્યારે આ થાંભલા પાર કરીને પેલે પાર જવું જોખમી હોય છે. તેમનો આઠ વર્ષનો પુત્ર સરકારી શાળામાં પહેલા ધોરણમાં ભણે છે; અને તેમની 5 વર્ષની દીકરી આંગણવાડી કેન્દ્રમાં જાય છે. તેમનો સૌથી નાની દીકરી માત્ર બે વર્ષની છે.
લગભગ 25 વર્ષનાં કવિતા કહે છે, "અમને પ્રતિબંધથી કોઈ ફાયદો નથી થઈ રહ્યો, ઉલ્ટું તેનાથી અમને નુકસાન થયું છે."
બીજી તરફ બસંતને કોર્ટની સુનાવણીમાં થનારા સમય અને પૈસાના વ્યય બાબતે ચિંતા છે. તેઓ કહે છે, "જેઓ અમીર છે તેમના ઘેર દારૂ પહોંચી જાય છે. તે લોકો ઘેર બેસીને આરામથી પી રહ્યા છે. તેમના પર કોઈ પગલા ભરવામાં નથી આવતા."
વકીલની ફી અને જામીન મેળવવામાં બસંતને 5 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે. તે દિવસોમાં તેઓ ખેતરમાં કામ કરી શક્યા ન હતા, તેથી તેમને દૈનિક મજૂરીની ખોટ પણ વેઠવી પડી હતી. તેઓ પૂછે છે, "અમે કમાણી કરીએ કે કોર્ટના ધક્કા ખાઈએ?"
*****
"અમારું નામ ન લખતા… જો તમે અમારું નામ લખશો તો પોલીસ અમારી સામે પગલા ભરશે. અમે શું કરીશું...અમારે અમારા બાળકો સાથે અહીં જ રહેવાનું છે." સીતા દેવી (નામ બદલેલ) જ્યારે આવું કહે છે ત્યારે ચિંતાનું મોજું દેખાય છે. તેમનો પરિવાર મુસહરીમાં રહે છે, જે જહાનાબાદ રેલ્વે સ્ટેશનથી માંડ 3 કિલોમીટર દૂર છે. તેઓ મુસાહર સમુદાયનાં છે, જે બિહારમાં મહાદલિત તરીકે સૂચિબદ્ધ છે.
તેમના પતિ રામભુઆલ માંઝી (નામ બદલેલ) ને એક વર્ષ પહેલાં દારૂબંધી અને આબકારી અધિનિયમ, 2016 ના એક કેસમાં કોર્ટે માનપૂર્વક નિર્દોષ જાહેર કર્યા હતા, પરંતુ સીતાના દીલમાં હજુ પણ ડર છે.
બે વર્ષ પહેલાં રામભુઆલની દારૂબંધીના કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. સીતા દેવી કહે છે, "ઘરમાં કોઈ દારૂ નહોતો મળ્યો, પરંતુ પોલીસ તેમને પકડીને લઈ ગઈ હતી. અમે ન તો દારૂ બનાવતા હતા કે ન તો વેચતા હતા. મારા પતિ દારૂ નથી પીતા."
પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફ.આઇ.આર. મુજબ, "24 નવેમ્બર, 2021ના રોજ સવારે 8 વાગે, પોલીસે તેમના ઘેરથી મહુઆ અને ગોળમાંથી બનાવેલ 26 લીટર દેશી દારૂ જપ્ત કર્યું હતું." પોલીસનું કહેવું છે કે દરોડા પાડ્યા તે સમયે રામભુઆલ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા અને લગભગ એક મહિના પછી 24 ડિસેમ્બરે તેમના ઘેરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી.
એક વર્ષ દરમિયાન જ્યારે તેમના પતિ જેલમાં હતા તે સમય સીતા દેવી માટે મુશ્કેલ હતો. તેમણે તેમના ત્રણેય બાળકો − એક 18 વર્ષની પુત્રી અને 10 અને 8 વર્ષના બે પુત્રોની સંભાળ રાખવાની હતી. ક્યારેક તેઓ રામભુઆલને મળવા કાકો જેલમાં જતાં હતાં અને ઘણીવાર બન્ને રડી પડતાં હતાં. "તેઓ પૂછતા હતા કે અમે ખાવાનો બંદોબસ્ત કેવી રીતે કરીએ છીએ, બાળકો કેમ છે. જ્યારે હું કહેતી કે ઘણી તકલીફ છે ત્યારે તેઓ રડી પડતા. હું પણ રડી પડતી." આમ કહીને તેઓ પોતાની આંખોમાં વહેતા આંસુને છુપાવવા માટે આમ-તેમ જોવા લાગે છે.
આ દરમિયાન પરિવારના પેટનો ખાડો પૂરવા માટે તેમણે ખેતરોમાં મજૂરી કામ કરવું પડ્યું અને પડોશીઓ પાસેથી લોન પણ લેવી પડી. "માતા-પિતા ખેત બટૈયા [ભાડા પટ્ટે લીધેલ ખેતર] પર ખેતી કરે છે. તેઓ ચોખા અને દાળ આપી ગયાં. બીજા કેટલાક સંબંધીઓએ પણ અનાજ આપ્યું." થોડીવાર થોભીને તેઓ કહે છે, "અમારે એક લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે."
કોર્ટમાં આવી ધરપકડને ખોટી સાબિત કરવી મુશ્કેલ બની જાય છે, જ્યારે કે ઘટનાની બાતમી આપનાર, દારૂની તપાસ કરનાર, તપાસ અધિકારી અને દરોડો પાડનાર દળના બે સભ્યો પણ સાક્ષી હોય છે. પરંતુ, રામભુઆલના કેસની સુનાવણી દરમિયાન, દરોડા પાડનાર દળના બન્ને સભ્યોએ તેમના નિવેદનોમાં રામભુઆલના ઘેરથી દારૂ મળ્યું હોવાની વાતનો ઇનકાર કર્યો હતો અને અદાલતને સાક્ષીઓના નિવેદનોમાં ભારે વિરોધાભાસ જોવા મળ્યો હતો.
ત્યારબાદ, 16 નવેમ્બરના રોજ, જહાનાબાદની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે રામભૂઆલ માંઝીને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા.
સીતા દેવી યાદ કરે છે, "સુખલ જેલમાંથી બહાર આવ્યા ત્યારે થત્થર [ખૂબ જ દૂબળા પાતળા] બહાર આવ્યા હતા."
જેલમાંથી બહાર નીકળ્યાના 10 દિવસ પછી રામભુઆલ કામની શોધમાં જહાનાબાદથી બહાર ગયા હતા. લગભગ 36 વર્ષનાં સીતા કહે છે, "જો તેઓ બે-ત્રણ મહિના ઘેર રોકાયા હોત, તો તેમને સારું ભોજન ખવડાવીને તેમનું શરીર સ્વસ્થ બનાવી દેતી. પરંતુ તેમને ડર હતો કે પોલીસ તેમની ફરી પાછી ધરપકડ કરી લેશે, તેથી તેઓ ચેન્નાઈ જતા રહ્યા."
રામભુઆલની મુસીબતોનો હજુ સુધી અંત નથી આવ્યો.
રામભુઆલને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ રામભુઆલ માંઝી સામે વર્ષ 2020માં દારૂબંધી કાયદાની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા વધુ બે કેસો હજુ પણ સુનાવણી હેઠળ છે. દારૂબંધી અને આબકારી વિભાગના આંકડા મુજબ, એપ્રિલ 2016 થી 14 ફેબ્રુઆરી, 2023 સુધીમાં આ કાયદા હેઠળ 7,54,222 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી 1,88,775 લોકોને સજા કરવામાં આવી છે, અને તેમાંથી 245 લોકો સગીર છે.
સીતાને ખબર નથી કે આ મામલાઓનું પરિણામ તેમની તરફેણમાં આવશે કે કેમ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું દારૂબંધી કાયદાની કોઈ સકારાત્મક અસર નથી થઈ? તો તેઓ કહે છે, "કોચી બુજાઈગા હમકો. હમ તો લંગટા [નગ્ન] હો ગયે. [તમે તે કેવી રીતે સમજાવશો. અમે બધી બાજૂથી લૂંટાઈ ગયાં છીએ.] એક દીકરી પણ નાની છે, તેનાં લગ્ન કરવાનાં છે. તે કેવી રીતે કરશું તે ખબર નથી. અમારા પર એવો સમય આવી ગયો છે કે હવે અમારે વાટકી લઈને રસ્તા પર ભીખ માગવી પડશે."
2021ની શરૂઆતમાં, રામભુઆલના નાના ભાઈનું અજ્ઞાત બીમારીથી અવસાન થયું હતું, અને ગયા વર્ષે નવેમ્બરમાં તેમનાં પત્નીનું પણ અવસાન થયું હતું. હવે સીતા પોતાના બાળકોની સાથે તેમના બન્ને બાળકોના ઉછેરની જવાબદારી પણ નિભાવી રહ્યાં છે. તેઓ કહે છે, "ભગવાને અમારા પર દુખોનું આભ વરસાવ્યું છે. તેથી અમે તેનો સામનો કરી રહ્યા છીએ."
આ વાર્તા બિહારના એક ટ્રેડ યુનિયનિસ્ટની યાદમાં આપવામાં આવેલી ફેલોશિપ હેઠળ લખવામાં આવી છે, જેમનું જીવન રાજ્યમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના હક માટે લડવામાં વિત્યું હતું.
અનુવાદક: ફૈઝ મોહંમદ