1960 ના દાયકાના મધ્યભાગની એક ઘટના યાદ આવતા દિલાવર શિકલગર હસે છે. તેમની વર્કશોપમાં કોઈ લોખંડના ટુકડા પર ધણ ટીપતું હતું, અને તેમાંથી ઉડતી બારીક કણીથી તેમની ડાબા હાથની પહેલી આંગળીએ ઈજા પહોંચી. પાંચ દાયકાથી વધુ સમય પછી આજે પણ લાંબા વખત પહેલા રૂઝાઈ ગયેલા એ ઘાની નિશાની હજીય દેખાય છે અને તે હસીને કહે છે, “મારી હથેળીઓ જુઓ. તે હવે ધાતુ જેવી બની ગઈ છે. ”
એ પાંચથી વધુ દાયકાઓમાં, 68 વર્ષના દિલાવરે તપીને લાલચોળ થયેલા લોખંડ અને કાર્બન સ્ટીલ (લોખંડ અને કાર્બનની એક મિશ્ર ધાતુ) પર દિવસમાં ઓછામાં ઓછા 500 વખત ધણ ટીપ્યું છે - અને લગભગ 55 વર્ષોમાં આશરે 80 લાખ વખત તેમનું પરંપરાગત પાંચ-કિલોનું ધણ ધાતુ પર ટીપ્યું છે.
સાંગલી જિલ્લાના વલવા તાલુકાના બાગાની ગામે રહેતું લુહારોનું શિકલગર કુટુંબ છેલ્લા 100 થી પણ વધુ વર્ષોથી આ - ઘરો અને ખેતરોમાં ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ ઓજારો હાથેથી ઘડવાનું - કામ કરી રહ્યું છે. પરંતુ તેઓ જાણીતા છે સારામાં સારી સૂડી અથવા અડકિત્તા (મરાઠીમાં) ઘડવા માટે. તેની ડિઝાઇન, ટકાઉપણું અને તીક્ષ્ણતા વિશિષ્ટ હોય છે.
આ સૂડી કદમાં ચાર ઈંચથી માંડીને બે ફુટ સુધીની હોય છે. નાના અડકિત્તાનો ઉપયોગ સોપારી, કાથો, સૂકું કોપરું અને સુતળી કાપવા થાય છે. મોટી સૂડીનો ઉપયોગ (સોનીઓ અને ઝવેરીઓ દ્વારા) સોના અને ચાંદીના કકડા કરવા અને મોટી સોપારીના કકડા કરવામાં થાય છે, જે બજારમાં નાના ટુકડાઓમાં વેચાય છે.
શિકલગર કુટુંબે બનાવેલી સૂડીઓ ઘણા લાંબા સમયથી એટલી જાણીતી છે કે નજીકથી અને દૂર-દૂરથી લોકો તે ખરીદવા બાગાની આવતા. મહારાષ્ટ્રના અક્લુજ, કોલ્હાપુર, ઉસ્માનાબાદ, સાંગોલે અને સાંગલીથી અને કર્ણાટકના એથની, બીજપુર, રાયબાગ જેવા બીજા અનેક સ્થળોથી લોકો આવતા.
દિલાવર કહે છે, “અત્યાર સુધીમાં મેં કેટલા અડકિત્તા બનાવ્યા હશે એની મને કોઈ ગણતરી નથી રહી." તેમણે ખુરપી (નાના દાતરડા), વિલા (દાતરડા), વિલાટી (શાક કાપવાના છરી-ચપ્પા), કડબા કાપાયચી વિલાટી (કુશકી કાપવાની છરી), ધનગરી કુર્હાડ (ભરવાડોની કુહાડીનું પાનું), બાગકામની કાતર, દ્રાક્ષના વેલા કાપવાની કાતર, પતરા કાપાયચી કત્રી (છાપરાં માટેના પતરા કાપવાનું સાધન) જેવા ઓજારો પણ બનાવ્યાં છે.
બાગાનીમાં હજી આજે પણ આ ધંધો કરતા ફક્ત ચાર લુહારોમાં દિલાવર સૌથી વધુ ઉંમરલાયક છે. તેઓ તેમના 41 વર્ષના દીકરા સલીમ સાથે આ ધંધો કરે છે. (બીજા બે સલીમના પિતરાઈ ભાઈ, હારુન અને સમીર શિકલગર છે.) દિલાવર કહે છે 1950 અને ’60 ના દાયકામાં તેમના ગામમાં 10-15 લુહારો હતા. કેટલાક મૃત્યુ પામ્યા, બીજા કેટલાક માત્ર કૃષિ માટેના ઓજારો બનાવે છે કારણ કે અડકિત્તાની માંગ ઓછી થઈ ગઈ છે, અને તે બનાવવા સમય અને ધીરજ જોઈએ, પરંતુ તેનો સારો ભાવ મળતો નથી. દિલાવર કહે છે. "આ એક એવું કામ છે કે જેમાં ખૂબ કુશળતા અને સખત મહેનતની જરૂર હોય છે."
તેમણે એ નિશ્ચિત કર્યું છે કે તેમનો દીકરો સલીમ કૌટુંબિક વ્યવસાય ચાલુ રાખે - શિકલગરોની છઠ્ઠી પેઢી તેમની ધાતુ-કળા જીવંત રાખે છે. તેઓ પૂછે છે, "હવે નોકરીઓ મળે છે ક્યાં? કુશળતા ક્યારેય નકામી જતી નથી. જો તમને નોકરી ન મળે તો તમે શું કરો?
દિલાવારે 13 વર્ષની ઉંમરે તેના પિતા મકબુલ સાથે પહેલી વાર સૂડી બનાવવાનું શરૂ કર્યું. મકબુલને મદદ કરનાર માણસો ઓછા હતા, તેથી દિલાવરને આઠમા ધોરણ પછી શાળા અધવચ્ચે છોડી દઈ કુટુંબના ધંધામાં જોડાવું પડ્યું. તે વખતે એક અડકિત્તા 4 રુપિયામાં વેચાતો. તે યાદ કરતા કહે છે, “બે રુપિયામાં તો અમે બસમાં બેસી સાંગલી શહેર જઈને ફિલ્મ પણ જોઈ શકતા.”
અને પછી તેમના સ્વર્ગસ્થ પિતાએ તેમને કહેલી એક બીજી વાત તેમને યાદ આવે છે: શિકલગરોની અડકિત્તા બનાવવાની કળાથી ચકિત થઈ ગયેલા બ્રિટિશ અધિકારીઓએ (બાગાનીથી આશરે 40 કિલોમીટર દૂર) મિરાજમાં (સાંગલી રજવાડાના) કારીગરોની હસ્તકળાના નમૂના પ્રદર્શિત કરવા માટે કારીગરોનો એક મેળો યોજ્યો હતો. “તેઓએ મારા પરદાદા, ઈમામ શિકલગરને આમંત્રણ આપ્યું હતું. તેમના અડકિત્તા જોઈને તેઓએ પૂછ્યું કે તેમણે કોઈ મશીનનો ઉપયોગ કરીને બનાવ્યો છે? ” ઈમામે ના પાડી. થોડા દિવસો પછી, અધિકારીઓએ તેમને ફરીથી બોલાવ્યા - તેઓ તે સરસ અડકિત્તા ફરી જોવા માગતા હતા." તેઓએ તેમને પૂછ્યું કે જો તેમને બધી જરૂરી સામગ્રી આપવામાં આવે, તો શું તેઓ તેમની સામે હાથેથી અડકિત્તા બનાવી શકે?" તેમણે તરત જ કહ્યું , ‘હા’
દિલાવર હસીને કહે છે, “બીજા એક કારીગર તેમની પકડ લઈને તે પ્રદર્શનમાં ગયા. જ્યારે બ્રિટિશ અધિકારીઓએ તેમને આ જ સવાલ પૂછ્યો ત્યારે તે એમ કહીને ભાગી ગયા કે તેમણે મશીનોનો ઉપયોગ કરીને પકડ બનાવી છે. બ્રિટિશરો કેટલા હોંશિયાર હતા. તેઓ જાણતા હતા કે આ કળા કેટલી મહત્વની છે." કેટલાક તેમના કુટુંબે બનાવેલી સૂડી તેમની સાથે યુકે લઈ ગયા - અને શિકલગરે બનાવેલા કેટલાક અડકિત્તા તો યુએસએ સુધી પહોંચ્યા છે.
“અમેરિકાથી કેટલાક સંશોધનકારો અહીં ગામડાઓમાં [1972] દુષ્કાળનો અભ્યાસ કરવા માટે આવ્યા હતા. તેઓની સાથે એક અનુવાદક પણ હતા. " દિલાવર મને કહે છે કે આ વિદ્વાનોએ નજીકના ગામ નાગાંવના એક ખેડૂતની મુલાકાત લીધી હતી. "ચા પીવડાવ્યા પછી ખેડૂતે એક અડકિત્તા કાઢીને સોપરી કાપવાનું શરૂ કર્યું." કુતુહલવશ તેઓએ ખેડૂતને આ કાપવાના સાધન વિશે પૂછ્યું અને જાણ્યું કે તે શિકાલગરની વર્કશોપમાં બનાવવામાં આવ્યું છે, એટલે તેઓ અહીં આવ્યા. દિલાવર કહે છે, “તેઓએ મને 10 અડકિત્તા બનાવવા કહ્યું. તે હસીને ઉમેરે છે, "મેં એક મહિનામાં બનાવી આપ્યા અને [કુલ] 150 રુપિયા લીધા. સદ્દભાવના પ્રતીક તરીકે તેઓએ મને 100 રુપિયા વધારે આપ્યા.”
હજી આજે પણ, શિકલગર કુટુંબ 12 વિવિધ પ્રકારના અડકિત્તા બનાવે છે. સલીમ કહે છે, "અમે ગ્રાહકની વ્યક્તિગત જરૂરિયાત મુજબ માંગ પ્રમાણે થોડાઘણા ફેરફારો પણ કરી આપીએ છીએ." સલીમે સાંગલી શહેરમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ) માં મશીન ટુલ્સને ઘસીને ધાર કાઢવાનો અભ્યાસ કરીને 2003 માં તેમના પિતાને મદદ કરવાનું શરૂ કર્યું હતું. 38 વર્ષના તેમના નાના ભાઈ જાવેદને કુટુંબના ધંધામાં ખાસ રસ નહોતો. તેઓ લાતુર શહેર સિંચાઈ વિભાગમાં કારકુન તરીકે કામ કરે છે.
પશ્ચિમ મહારાષ્ટ્રમાં તો સ્ત્રીઓ અને પુરુષો બંને લુહારી કામ કરે છે, પણ દિલાવર કહે છે, "બાગાની ગામમાં શરૂઆતથી ફક્ત પુરુષો જ અડકિત્તા બનાવતા આવ્યા છે." દિલાવરના પત્ની 61 વર્ષના જૈતુનબી અને સલીમના પત્ની 35 વર્ષના અફસાના બંને ગૃહિણીઓ છે.
અડકિત્તા પર કામ શરૂ કરતાં જ સલીમ કહે છે, “તમને અહીં કોઈ વર્નીઅર કેલિપર્સ અથવા માપપટ્ટી મળશે નહીં. શિકલગરોએ ક્યારેય માપ લખ્યા ન હતા. દિલાવર કહે છે, “અમારે લખવાની જરૂર નથી. આમચ્યા નજરેત બસલા આહે [અમે જોઈને જ માપનો અંદાજ કાઢી શકીએ]." સૂડીનો ઉપરનો હાથો કમાન પટ્ટી (કાર્બન સ્ટીલથી બનેલી લીફ સ્પ્રિંગ) ની મદદથી બનાવવામાં આવે છે અને નીચેનો હાથો લોખંડના સળિયાથી બનેલો હોય છે. બાગાનીથી લગભગ 30 કિલોમીટર દૂર કોલ્હાપુર અથવા સાંગલી શહેરમાંથી ખરીદેલ એક કિલો લીફ સ્પ્રિંગ સલીમને આશરે 80 રુપિયામાં પડે છે . 1960 ના દાયકાની શરૂઆતમાં, દિલાવર આ સ્પ્રિંગ માત્ર 50 પૈસે કિલોના ભાવે ખરીદતો.
બાપ-દીકરા માટે કામનો દિવસ સામાન્ય રીતે સવારે 7 વાગ્યે શરૂ થાય છે, અને ઓછામાં ઓછા 10 કલાક સુધી ચાલે છે. સલીમ ભઠ્ઠીમાં કાર્બન સ્ટીલને ગરમ કરવાનું શરૂ કરે છે અને પછી ફોર્જ બ્લોઅર ચાલુ કરે છે. અહીં થોડીક મિનિટો રાખ્યા પછી તેઓ લાલ-ગરમ કાર્બન સ્ટીલને સપાટ ચીપિયા વડે ઝડપથી ઉપાડી લે છે અને તેને હેમરિંગ મશીન નીચે મૂકે છે. ૨૦૧૨ માં તેમણે આ મશીન કોલ્હાપુરમાં દોઢ લાખ રૂપિયામાં ખરીદ્યું તે પહેલાં, શિકલગરો દરરોજ તેમના શરીર અને હાડકાંને જોખમમાં મૂકીને હાથેથી ધણ ટીપતા હતા.
મશીન થોડા સમય માટે કાર્બન સ્ટીલને ટીપે એ પછી સલીમ તેને 50-કિલોના લોખંડના બ્લૉક પર મૂકે છે. તે પછી તેને સૂડીનો આકાર આપવા દિલાવર હાથેથી ચોકસાઈથી ધણ વડે ટીપવાનું શરૂ કરે છે. સલીમ સમજાવે છે, "તમે તેને મશીન પર ચોક્કસ આકાર ન આપી શકો." ભઠ્ઠીમાં તપાવવાની અને ધણ વડે ટીપવાની આ પ્રક્રિયામાં લગભગ 90 મિનિટ લાગે છે.
એકવાર સૂડીની મૂળભૂત રચના તૈયાર થઈ જાય, પછી દિલાવર પકડની મદદથી કાર્બન સ્ટીલને સજ્જડ પકડી રાખે છે. તે પછી, તેમણે કોલ્હાપુર શહેરમાં એક હાર્ડવેરની દુકાનેથી ખરીદેલા વિવિધ પ્રકારના કાનસ (ધાતુના હથિયાર ઘસવાના ઓજાર) નો ઉપયોગ કરી ખૂબ ચોકસાઈપૂર્વક ધાતુની ઝીણી કરચો દૂર કરે છે.
અડકિત્તાનો આકાર વારંવાર તપાસ્યા પછી, તેઓ તેની ધાર કાઢવાનું શરૂ કરે છે. તેઓ કહે છે કે તેઓ એટલી તીક્ષ્ણ ધાર કાઢે છે કે સૂડીને બીજા 10 વરસ સુધી ફરીથી ધાર કઢાવવાની જરૂર પડતી નથી.
હવે એક અડકિત્તા બનાવતા શિકલગરોને લગભગ પાંચ કલાક થાય છે. પહેલાં તેઓ બધું જ કામ હાથેથી કરતા હતા ત્યારે બમણો સમય લાગતો. સલીમ કહે છે, "અમે કામ વહેંચી દીધું છે જેથી અમે વસ્તુઓ ઝડપથી બનાવી શકીએ." સલીમ ધાતુના ટુકડાને ભઠ્ઠીમાં તપાવવાનું, ટીપવાનું અને આકાર આપવાનું કામ કરે છે, જ્યારે તેમના પિતા તેને કાનસથી ઘસવાનું અને ધાર કાઢવાનું કામ સંભાળે છે.
તૈયાર અડકિત્તા તેની ડિઝાઇન અને કદના આધારે. 500 થી 1500 રુપિયાની વચ્ચે કોઈ પણ કિંમતે વેચાય છે. બે ફુટ લાંબા અડકિત્તાની કિંમત 4000 થી 5000 રુપિયા હોય છે. અને આ સૂડી કેટલો વખત ચાલશે? દિલાવર હસીને કહે છે, “તુમ્હી આહે તો પર્યંત ચાલતે [તમે જીવશો ત્યાં સુધી એ ચાલશે]."
પરંતુ, હવે આ ટકાઉ શિકલગર અડકિત્તા ખરીદવા ખાસ કોઈ આવતું નથી - એક સમયે એક મહિનામાં ઓછામાં ઓછી 30 સૂડીઓથી ઘટીને આજે તેમનું વેચાણ ભાગ્યે જ 5 -7 નું થઈ ગયું છે. દિલાવર કહે છે, "પહેલા ઘણા લોકો પાન ખાતા હતા. આ માટે તેઓ હંમેશાં સોપારી કાપતા." સલીમ જણાવે છે કે ગામડામાં યુવાનો આજકાલ ખાસ પાન ખાતા નથી. "તેઓ ગુટખા અને પાન મસાલા ખાવા માંડ્યા છે."
ફક્ત અડકિત્તા બનાવીને પૂરતું કમાવું મુશ્કેલ હોવાથી, કુટુંબ મહિનામાં લગભગ 40 દાતરડા અને શાક કાપવાની છરી પણ બનાવે છે. દિલાવર દાતરડા અને કાતરની ધાર પણ કાઢે છે અને એક દાતરડા કે કાતરની ધાર કાઢવાના 30 થી 50 રુપિયા લે છે. તેઓ કહે છે, "આ વધારાનો ધંધો અમને અમારા કુટુંબનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થાય છે." તેઓ શેરડી ઉગાડતા ખેડૂતને કુટુંબની અડધો એકર જમીન ભાડે ખેડવા આપીને થોડી વધારાની આવક મેળવે છે.
સલીમ કહે છે કે, શિકલગરોએ બનાવેલા દાતરડાને સ્થાનિક લુહારોએ ઊતરતી કક્ષાની સામગ્રીમાંથી બનાવેલા અને હલકી ગુણવત્તાના સસ્તા દાતરડા સાdથે મુકાબલો કરવો પડે છે. આ દાતરડા આશરે 60 રુપિયામાં મળી જાય, જ્યારે શિકલગરો તેમના દાતરડાની કિંમત 180-200 રુપિયા આંકે છે. તેઓ સમજાવે છે, "લોકો હવે આ વસ્તુઓ [દાતરડા] ને ઉપયોગ કરો-અને-ફેંકી દો/વાપરીને ફેંકી દેવાના [પદાર્થો] જેવી ગણે છે, અને એટલે જ તેઓ સસ્તા [દાતરડા] માગે છે."
તેઓ ઉમેરે છે, "અને બધા લુહારો અડકિત્તા બનાવી શકતા નથી. જમલા પાહિજે” - એ બનાવવા માટે જે આવડત જોઈએ એ તમારી પાસે હોવી જોઇએ.
અન્ય રોજિંદા પડકારો પણ છે. પહેલો પડકાર ઈજાઓ અથવા માંદગીની સંભાવના. તેમના કુટુંબના ડોકટરે શિકલગરોને કામ કરતી વખતે ધાતુના ફેસ કવચનો ઉપયોગ કરવાની સલાહ આપી છે જેથી તેઓ કેન્સર પેદા કરનાર કોઈ પદાર્થો શ્વાસમાં ન લે . પરંતુ તેઓ ફક્ત પડવાળા સુતરાઉ માસ્કનો ઉપયોગ કરે છે અને ક્યારેક મોજા પહેરે છે. તેઓ કહે છે કે, સદભાગ્યે, કુટુંબમાં કોઈને પણ અત્યાર સુધી કામ-સંબંધિત બીમારીનો સામનો કરવો પડ્યો નથી - જોકે દિલાવરની પેલી ઇજાગ્રસ્ત આંગળી ક્યારેક બનતી પ્રાસંગિક દુર્ઘટનાનું ઉદાહરણ છે.
દર મહિને તેઓ તેમની વર્કશોપનું ઓછામાં ઓછું 1000 રુપિયાનું વીજળીનું બિલ ભરે છે, પરંતુ લગભગ દરરોજ 4 થી 5 કલાક માટે લાંબો વીજળી કાપ હોય છે. તે દરમિયાન હેમરિંગ મશીન અને બીજું ધાર કાઢવાનું મશીન બંધ રાખવું પડે છે, પરિણામે તેમને કામના કલાકો અને આવક ગુમાવવા પડે છે. સલીમ કહે છે, "વીજળી ક્યારે જતી રહે એનો કોઈ નિશ્ચિત સમય નથી. વીજળી વિના કંઈ ન થઈ શકે."
આટઆટલી તકલીફો છતાં, તેઓ જે કંઈ બનાવે છે તેમાં ગુણવત્તાનું ઉચ્ચ ધોરણ જળવાઈ રહે એ શિકલગરો માટે એટલું જ અગત્યનું છે જેટલી તેમની સૂડીની નામના. સલીમ કહે છે, "અડકિત્તા તો બાગાનીને વારસામાં મળેલ છે." તેમને આશા છે કે હાલ 4 થા ધોરણમાં ભણતો તેમનો 10 વર્ષનો દીકરો જુનેદ આખરે શિકલગરનો વારસો જાળવી રાખશે. “લોકો તે માટે દૂર-દૂરથી આવે છે, અને હલકી ગુણવત્તાના અડકિત્તા બનાવી અમારે કોઈને નિરાશ નથી કરવા. એકવર વેચ્યા પછી, ગ્રાહક કોઈપણ ફરિયાદ સાથે પાછો આવવો ન જોઈએ. "
ઘટી રહેલી માંગ છતાં, દિલાવર પણ તેમના કુટુંબની પેઢીઓ જૂની હસ્તકળાનું ગૌરવ લે છે. તેઓ કહે છે, "આ એવા પ્રકારનું કામ છે કે તમે પર્વતોમાં કામ કરતા હશો તો પણ લોકો તમને શોધતા આવશે. આજે અમારી પાસે જે કંઈ છે તે અડકિત્તાને જ આભારી છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક