મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલા મારા ગામ, નિમ્બાવલીમાં એક ઝાડ નીચે આધેડ વયના પુરુષોનું એક ટોળું એકઠું થયું છે, અને લગભગ ૧૦ વર્ષ પહેલાં ઘટેલી ઘટનાઓની ચર્ચા કરી રહ્યું છે, જેની અસર આજે પણ અનુભવાય છે. મારા ૫૫ વર્ષીય પિતા પરશુરામ પારે યાદ કરીને કહે છે કે, સરકારી અધિકારીઓની એક ટીમ કાગળો, માપવાના સાધનો, માપપટ્ટી અને ટેપથી સજ્જ થઈને એક મોટી કારમાં ત્યાં આવીને ઉભેલી હતી. તેઓ ભૂગર્ભ જળ મેળવવા માટે ખોદવાની સારી જગ્યાઓ શોધી રહ્યા હતા.
બાબા [પિતા] આગળ ઉમેરે છે, “તેમને હું સારી પેઠે ઓળખું છું. જ્યારે અમે તેમને વારંવાર પૂછ્યું કે તેઓ શું કરી રહ્યા છે, તો તેમણે વળતો પ્રશ્ન પૂછ્યો ‘તમારે પાણી જોઈએ છે ને?’ અમે હકારમાં માથું ધુણાવ્યું. પાની કિસે નહી મંગતા [પાણી કોને ના જોઈએ?].” પાણીની અછતવાળા પ્રદેશમાં, સરકાર પાણીનો જે પણ સ્ત્રોત શોધી આપે તે સારી જ બાબત હતી, પરંતુ ગ્રામજનોનો અપેક્ષિત આનંદ અલ્પજીવી હતો.
મહિનાઓ પછી, વાડા તાલુકાના નિમ્બાવલીમાં રહેતા વારલી સમુદાયના લોકોને જગ્યા ખાલી કરવાનો સત્તાવાર હુકમ મળ્યો. ત્યાં કોઈ પાણીનો પ્રોજેક્ટ નહોતો, બલ્કે ગામની જમીન મુંબઈ-વડોદરા નેશનલ એક્સપ્રેસ હાઈવે માટે પસંદ કરવામાં આવી હતી .
૫૦ વર્ષીય બાલકૃષ્ણ લિપટે કહ્યું, “અમને હાઇવે વિષે એ વખતે જ જાણ થઈ.” આ ૨૦૧૨ની વાત છે. એના એક દાયકા પછી પણ, મારું ગામ હજુ પણ છળથી પચાવી પાડવામાં આવેલ જમીનની વાત સ્વીકારવામાં સંઘર્ષ કરી રહ્યું છે. ઘણા લોકો જે માને છે કે રાજ્યની શક્તિ સામે એમની આ લડત અસફળ જ થવાની છે તેઓ હવે ઉચ્ચ વળતર અને વૈકલ્પિક જમીનથી પહેલાની માંગણીઓ પાછી ખેંચીને આખા ગામના યોગ્ય પુનઃસ્થાપન માટેની તેમની માંગ કરે છે.
કેન્દ્રમાં સૂત્રો સંભાળી રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે મહારાષ્ટ્ર, ગુજરાત, અને દાદરા અને નગર હવેલીમાંથી પસાર થતા આઠ લેન વાળા ૩૭૯ કિલોમીટર લાંબા હાઇવે માટે જમીન ખરીદવાની શરૂઆત કરી દીધી હતી. મહારાષ્ટ્રમાંથી પસાર થતા હાઇવેનો એક ભાગ પાલઘર જિલ્લાના ત્રણ તાલુકાના કૂલ ૨૧ ગામમાં થઈને નીકળે છે. વાડા એ આવો જ એક તાલુકો છે અને નિમ્બાવલી તેનું ભોગ બનેલું નાનકડું ગામ છે, જેમાં લગભગ ૧૪૦ પરિવારો રહે છે.
હાઇવેનો માંડ ૫.૪ કિલોમીટર ભાગ નિમ્બાવલીમાંથી પસાર થાય છે. નિમ્બાવલીની કુલ ૭૧,૦૩૫ ચો. મીટર જમીનની પસંદગી કરવામાં આવી હતી અને ગ્રામજનોને અંતરાય ઊભો કરે એ પહેલાં જ તેની ખરીદી હાથ ધરવામાં આવી હતી.
જ્યારે ગ્રામજનોને પ્રોજેક્ટની હકીકત વિષે જાણ થઇ, ત્યારે ગામના વડીલોને ખાતરી આપવામાં આવી હતી કે લોકોને તેમના ઘરોના બદલામાં પૂરતું નાણાકીય વળતર આપવામાં આવશે. એ પૈસાથી તેઓ નવી જમીન ખરીદી શકશે અને તેના પર ઘર બનાવી શકશે. પરંતુ અમારા ગ્રામજનોએ આ પ્રસ્તાવને નકારી કાઢ્યો અને માગણી કરી કે જ્યાં સુધી સ્થળાંતર કરવા માટે બીજે જમીન આપવામાં નહીં આવે ત્યાં સુધી અમારામાંથી કોઈ પણ માણસ પોતાની જમીન કે ઘર છોડશે નહીં.
૪૫ વર્ષીય ચંદ્રકાંત પારે કહે છે, “અમને સરેરાશ નવ લાખ રૂપિયા વળતર આપવામાં આવશે એવી નોટિસ આપવામાં આવી હતી. પણ એનાથી શું થાય? અમે વાવેલા આ શેવગા, સીતાફળ, ચીકુ, અને કડીપત્તાના ઝાડ તરફ નજર કરો. અમે આ જમીન પર બધી જાતના કંદમૂળ અને શાકભાજી ઉગાડ્યા છે. આના બદલામાં તેઓ કેટલા પૈસા આપે છે? નહિવત. શું તમે નવ લાખ રૂપિયામાં જમીન ખરીદવાનું, તેના પર ઘર બનાવવાનું, અને આ બધા ઝાડ વાવવાનું કામ કરી શકશો?”
ત્યાં એક અન્ય પ્રશ્ન પણ હતો: હાઇવે ગામને બે ભાગમાં વહેંચીને આગળ વધે છે. વિનોદ કાકડ કહે છે, “અમે વર્ષોથી જે રીતે સાથે રહેતાં આવ્યા છીએ એ જ રીતે નિમ્બાવલીના લોકો સાથે રહેવા માંગે છે. અમને અમારી હાલની ગાવઠણ ના બદલામાં બીજે ક્યાંક જમીન જોઈએ છે, પરંતુ અમે એ પણ ઇચ્છીએ છીએ કે સરકાર વળતર પેકેજમાં બધા મકાનોનો પણ સમાવેશ કરે. અમે અહિંના બધા લોકો માટે યોગ્ય વળતર ઇચ્છીએ છીએ. શું તમારે આ રોડને વિકાસનો નમૂનો બનાવવો છે ને? ભલે બનાવો. અમને કોઈ વાંધો નથી. પણ અમને કચડીને કેમ બનાવો છો?”
આ પ્રોજેક્ટે અમારા જીવનમાં અનિશ્ચિતતા લાવી દીધી છે. ૪૯ ઘરોના કૂલ ૨૦૦-૨૨૦ જેટલા લોકોને રસ્તો બનવાથી સીધી અસર થાય છે, જ્યારે ચાર ઘરોના લોકોને ઘર ખાલી નહીં કરવું પડે કારણ કે તેમના ઘર રોડને નડતા નથી. ચારમાંથી ત્રણ અસરગ્રસ્ત ઘર જંગલની જમીન પર આવેલા છે એટલે સરકાર તેમને તો વળતરને પાત્ર જ નથી માનતી.
અમે, વારલી આદિજાતી, સદીઓથી આ જમીન પર રહીએ છીએ. અમે અહિં માત્ર અમારા ઘરો જ નથી બનાવ્યા, પણ જમીન સાથે ખૂબ જ સારો સંબંધ વિકસાવ્યો છે. આંબલીના ઝાડ, આંબાના ઝાડ અને અન્ય વૃક્ષોની છાયા અમને સખત ઉનાળામાં રાહત આપે છે, અને સપર્યા પર્વત અમને લાકડાં પૂરા પાડે છે. આ બધું છોડીને બીજે ક્યાંક જવાનું થયું હોવાથી અમે દુઃખી છીએ. અને અમારા સમુદાયના અમારા પોતાના કેટલાક લોકોને અહિં છોડીને સમુદાયને તોડીને બીજે જવું પણ એટલું જ દુઃખદાયક છે.
૪૫ વર્ષીય સવિતા લિપટે કહે છે, “જમીનની માપણી કરવા આવેલા અધિકારીઓ અમારી એકતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેઓએ કહ્યું કે જે લોકો પોતાનું ઘર ગુમાવી રહ્યા છે તેઓ સ્વાભાવિક પણે દુઃખી છે. પરંતુ અહિં તો, જે લોકોને સ્થળાંતર કરવાની ફરજ નથી પડી, તેઓ પણ રડી રહ્યા છે. મેં તેમને કહેવાનો પ્રયાસ કર્યો કે અમારા ઘરની સામેનું અને પાછળનું ઘર રસ્તા માટે હસ્તગત કરવામાં આવી રહ્યું છે. મારું ઘર બરોબર વચ્ચે છે. આ રસ્તો અમારા માટે મોટી મુશ્કેલી બની રહેશે.”
જો દાયકાઓથી સાથે રહેતા લોકોને અલગ થવા માટે મજબૂર કરનારો રસ્તો ખરાબ વાત હતી, તો હજુ તો એનાથી પણ બદતર ઘટના ઘટવાની હતી. હાઇવેની બંને બાજુના કેટલાક મકાનો નકશામાં કે પછી સત્તાવાર કાગળોમાં દર્શાવવામાં આવ્યા ન હતા; તેમને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા હતા. અને અન્ય ૩-૪ ઘરોનું બાંધકામ જંગલની જમીન પર થયેલું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. ગ્રામજનો સરકારને અપિલ કરી રહ્યા છે કે બધા પરિવારોને એકસાથે પુનર્વસવાટ કરવામાં આવે, પરંતુ સત્તાવાળાઓ વારલી સમુદાયના લોકોની સાથે રહેવાની આ સામૂહિક જરૂરિયાતને સમજવામાં નિષ્ફળ જાય છે.
૮૦ વર્ષીય દામુ પારે મને જૂના સત્તાવાર કાગળો બતાવીને કહે છે, “હું ઘણા વર્ષોથી અહીંયાં રહું છું. મારા ઘરની આ જૂની ટેક્સ રસીદ જુઓ. પરંતુ હવે સરકાર કહી રહી છે કે મેં જંગલની જમીન પર અતિક્રમણ કર્યું છે અને હું વળતરને પાત્ર નથી. હવે હું ક્યાં જાઉં? મને આ બધામાં ખબર નથી પડતી. તમે શિક્ષિત છો અને યુવાન છો. હવે તમે આને આગળ ધપાવો.” તેઓ આટલું કહીને ચૂપ થઇ ગયા. તેઓ મારા દાદાના ભાઈ છે.
૪૫ વર્ષીય દર્શના પારે અને ૭૦ વર્ષીય ગોવિંદ કાકડ એ લોકોમાંથી એક છે જેમના ઘર જંગલની જમીન પર બાંધવામાં આવ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. બંનેએ ઇન્દિરા આવાસ યોજના હેઠળ તેમના મકાનો બનાવ્યા હતા, દર વર્ષે મિલકત વેરો ચૂકવ્યો હતો, અને તેમાં સરકાર દ્વારા આપવામાં આવતી મીટરવાળી વીજ જોડાણની સેવા પણ ઉપલબ્ધ હતી. જો કે, હાઇવે માટેના મેપિંગ દરમિયાન, તેમના ઘરોને જંગલની જમીન પર અતિક્રમણ કરવામાં આવેલા ઘર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, તેનો અર્થ એ કે તેઓ હવે વળતરને પાત્ર નથી.
આ વરસોવરસથી ચાલી આવતો એક જટિલ સંઘર્ષ છે, જેમાં શરૂઆતમાં બધા લોકો એક મંચ હેઠળ આવી શક્યા હતા, પણ આગળ જતા બધા લોકોએ પોતાની માંગણીઓ અલગ કરી દીધી. આની શરૂઆત પ્રોજેક્ટના વિરોધથી થઇ, પછી લોકોએ સામુહિક રીતે ઊંચા વળતરની માંગ કરવાનું નક્કી કર્યું, અને આગળ જતા તે નિમ્બાવલીના બધા પરિવારોના યોગ્ય પુનર્વસવાટ માટેની લડાઈ બની ગઈ.
બાબા કહે છે, “વિવિધ રાજકીય જૂથો, સંગઠનો અને યુનિયનોના લોકો એક સ્વતંત્ર બેનર હેઠળ એકઠા થયા - શેતકરી કલ્યાણકારી સંગઠન. આ મોરચાએ લોકોને એકત્ર કર્યા, રેલીઓ કાઢી, વિરોધ પ્રદર્શનો કર્યા અને ઊંચા વળતર માટે સરકાર સાથે વાટાઘાટો કરી. પરંતુ એના પછી, ખેડૂતો અને સંગઠનના નેતાઓએ અમને અમારા નસીબ પર છોડી દીધા. યોગ્ય પુનર્વસવાટનો મુદ્દો પાછળ ધકેલાઈ ગયો.”
શેતકરી કલ્યાણકારી સંગઠનના ભૂતપૂર્વ અધ્યક્ષ કૃષ્ણા ભોઈર આ વાતનું ખંડન કરતા કહે છે, “અમે લોકોને યોગ્ય વળતર મળે એની માંગણી કરવા માટે સંગઠિત કર્યા. અમે એવા મુદ્દાઓ પર પણ સવાલો ઉઠાવ્યા હતા જે હાઈવે બન્યા પછી લોકોના રોજિંદા જીવનને અસર કરશે. ઉદાહરણ તરીકે, લોકો હાઇવે કેવી રીતે પાર કરશે, વિદ્યાર્થીઓ શાળા-કોલેજોમાં કેવી રીતે જશે, જો ઝરણાનું પાણી ગામડાઓ અને ખેતરોમાં પ્રવેશશે તો તેઓ શું કરશે? અમે સખત ટક્કર આપી હતી, પરંતુ જ્યારે લોકોને વળતરના પૈસા મળ્યા, ત્યારે તેઓ બધું ભૂલી ગયા.”
આ બધાની વચ્ચે, ગેર-આદિવાસી અને કુણબી ખેડૂત અરુણ પાટિલ દાવો કરે છે કે, તેમના ખેતરની બાજુમાં જે જમીન પર વારલી સમુદાયના લોકો રહેતા હતા, તેમાંથી કેટલીક જમીન તેમની માલિકીની હતી. આથી, તેઓ કહે છે કે, તેમને વળતર મળવું જોઈએ. જો કે, આગળ જતા આ દાવો ખોટો હોવાનું સામે આવ્યું. ૬૪ વર્ષીય દિલીપ લોખંડે યાદ કરીને કહે છે, “અમે અમારા બધા કામ નેવે મુકીને મહેસૂલ કચેરીના ઘણા ધક્કા ખાધા હતા. અંતે, એ વાતની પુષ્ટિ થઈ કે અમારા બધા ઘરો ગાવઠણ વિસ્તારમાં છે.”
લોખંડે, નિમ્બાવલીના આદિવાસી પટ્ટામાં આવેલા ગરેલપારા ગામમાં રહે છે. ત્યાં તેમનું ઘર પાંચ એકર ગાવઠણની જમીન (સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગામની જમીન) માં ફેલાયેલું છે. વારલી સમુદાયના લોકોએ જમીનના સચોટ સીમાંકન માટે જમીન રેકોર્ડ વિભાગને અરજી કરી હતી. અધિકારીઓ આવ્યા તો ખરા, પરંતુ વન વિભાગના અધિકારીઓ હાજર નથી એવું બહાનું કાઢીને તેમની કામગીરી પૂરી કર્યા વગર જ પાછા ફરી ગયા.
વળતર માટે પાત્ર લોકો પણ તેમના ભવિષ્ય માટે ચિંતિત છે. કુટુંબના વડાઓનું કહેવું છે કે તેમને જે નજીવું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે, તેનાથી બીજું ઘર બનાવવું અશક્ય છે. ૫૨ વર્ષીય બબન તંબાડી કહે છે, “અમને જંગલની જમીન પર બાંધકામ કરવાની મંજૂરી નથી. અમે, આદિવાસીઓ, તમારા વિકાસના પ્રોજેક્ટ્સ માટે જગ્યા ખાલી કરી આપીશું તો અમે ક્યાં જઈશું?”
જ્યારે પણ તેઓ પેટા વિભાગીય અધિકારીનો સંપર્ક કરે છે, ત્યારે તેઓ નિમ્બાવલીના રહેવાસીઓને ફક્ત વચનો અને ખાતરીઓ આપીને ભોળવવાની કોશિશ કરે છે. બાબા કહે છે, “અમે તે સાકાર થવાની રાહ જોઈ રહ્યા છીએ. ત્યાં સુધી જમીન માટેનો સંઘર્ષ ચાલુ રહેશે.”
નિમ્બાવલીના વારલી સમુદાયના લોકોને હાઈવેથી કોઈ ફાયદો નથી થવાનો. તેમ છતાં, તેઓને તેમના ગાવઠણ માંથી સંપૂર્ણ પુનર્વસવાટ માટેની કોઈ યોજના વિના વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે. મેં મારા સાથી ગ્રામજનોને વર્ષોથી લડતા જોયા છે અને તેઓ અત્યારે હારેલી લડાઈ લડી રહ્યા હોય તેવું લાગે છે તેમ છતાં તેઓ લડત ચાલુ રાખે છે.
આ વાર્તાને સ્મૃતિ કોપ્પિકર દ્વારા સંપાદિત કરવામાં આવી હતી. સ્મૃતિ એક સ્વતંત્ર પત્રકાર અને કટાર લેખક, અને મીડિયા ક્ષેત્રમાં શૈક્ષણિક કાર્ય કરે છે.
અનુવાદક : ફૈઝ મોહંમદ