તેઓ તાલબદ્ધ રીતે અને ચપળતાથી આગળ વધતા હતા - “રે રેલા રે રેલા રે રેલા રે - ઘૂંટણ સુધીની લાંબી સફેદ સાડી અને રંગબેરંગી ફૂમતાવાળી ઉઠાવદાર પાઘડીમાં સજ્જ, એકસાથે ત્રણ-ત્રણ પગલાં લેતી, એકમેકની કમરે હાથમાં હાથ વીંટાળી, ગોંડ સમુદાયોમાં લોકપ્રિય રેલા ગીતો ગાતી યુવતીઓનું આ જૂથ હતું.
થોડી વારમાં જ સફેદ કપડાં અને રંગબેરંગી પીંછાથી શણગારેલી સફેદ પાઘડીઓમાં સજ્જ યુવાનોનું એક જૂથ પણ તેમાં જોડાયું. તેઓ તેમના હાથમાં રાખેલું નાનું ઢોલ ( માંદરી ) વગાડતા હતા અને રેલા ગીતો ગાતા હતા ત્યારે તેમના પગમાં બાંધેલા ઘૂઘરા પગની જટિલ ગતિ સાથે સંપૂર્ણ લયમાં ઘમકતા. એકમેકના હાથમાં હાથ પરોવી યુવતીઓએ યુવકોના જૂથને ઘેરી લેતી એક શૃંખલા બનાવી. બધા ગીતો ગાતાં રહ્યાં અને નૃત્ય કરતાં રહ્યાં.
છત્તીસગઢના કોંડાગાંવ જિલ્લાના કેશકલ બ્લોકના બેદ્મામારી ગામથી ગોંડ આદિવાસી સમુદાયના 16 થી 30 વર્ષની ઉંમરના 43 પુરુષો અને સ્ત્રીઓનું જૂથ અહીં આવ્યું હતું.
રાજ્યની રાજધાની રાયપુરથી આશરે 100 કિલોમીટર દૂર (બસ્તર ક્ષેત્રમાં) રાયપુર-જગદલપુર રાજમાર્ગની નજીક આ સ્થળે પહોંચવા માટે તેઓએ એક વાનમાં 300 કિલોમીટરથી વધુનો પ્રવાસ ખેડ્યો હતો. છત્તીસગઢના બલૌદાબાઝાર-ભાટાપારા જિલ્લામાં સોનાખાનના આદિવાસી રાજા વીર નારાયણ સિંહ ના બલિદાનની યાદમાં વર્ષ 2015 થી 10 મી થી 12 મી ડિસેમ્બર દરમિયાન યોજાતા ત્રણ દિવસીય વીર મેળા માટે મધ્ય ભારતના આદિવાસી સમુદાયોના અને ખાસ કરીને છત્તીસગઢના અન્ય નર્તકો પણ અહીં આવ્યા હતા. બ્રિટિશ શાસન સામે બળવો કરનાર રાજાને ડિસેમ્બર 1857 માં વસાહતી શાસકો દ્વારા ગિરફ્તાર કરવામાં આવ્યા હતા અને રાયપુર જિલ્લાના જયસ્તંભ ચોકમાં ફાંસી આપવામાં આવી હતી. સ્થાનિક દંતકથાઓ અનુસાર બ્રિટિશરોએ તેને ફાંસી આપ્યા બાદ તેનું શરીર ઉડાવી દીધું હતું.
આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે તે સ્થળ - રાજારાવ પાથર - ગોંડ આદિવાસીઓના કુળદેવતાને સમર્પિત દેવસ્થાન (પૂજા માટેનું પવિત્ર સ્થળ) માનવામાં આવે છે. ત્રણ દિવસીય મહોત્સવમાં ગીતો અને નૃત્યોની ભરમાર હોય છે.
સર્વ આદિવાસી જીલ્લા પ્રકોષ્ઠ (તમામ આદિજાતિ જિલ્લા કોષ -ઓલ ટ્રાઈબલ ડિસ્ટ્રિક્ટ સેલ) ના પ્રમુખ પ્રેમલાલ કુંજમ કહે છે, “રેલા [અથવા રિલો અથવા રેલો] સમુદાયમાં એકતા લાવે છે. એક માળામાં પરોવેલા ફૂલોની જેમ લોકો એકમેકના હાથમાં હાથ પરોવી નૃત્ય કરે છે. શક્તિ અને ઉર્જાની ભાવના ઉજાગર થાય છે.” તેઓ સમજાવે છે કે રેલા ગીતોના લય અને શબ્દો ગોંડવાના સંસ્કૃતિ (ગોંડ સમુદાયની પરંપરાઓ) નું પ્રતિનિધિત્વ કરે છ . પ્રેમલાલ કહે છે, "આ ગીતો દ્વારા અમે અમારી ગોંડી સંસ્કૃતિનો સંદેશ અમારી નવી પેઢી સુધી પહોંચાડીએ છીએ."
બાલોદ જિલ્લાના બાલોદ્ગાહન ગામના દૌલત માંડવી કહે છે, "રેલા એટલે ગીત સ્વરૂપે ભગવાન. અમારી આદિવાસી પરંપરા અનુસાર દેવતાઓનું ધ્યાન દોરવા આ ગીત ગવાય છે. તમને કોઈ દુખાવો અથવા શારીરિક સમસ્યા હોય તો રેલા પર નૃત્ય કરવાથી એ પીડા ગાયબ થઈ જશે. આદિવાસી સમુદાયોમાં લગ્ન અને અન્ય પ્રસંગોએ પણ આ ગીતો રજૂ કરવામાં આવે છે. ”
ડિસેમ્બરના વીર મેળામાં સૌથી નાના સહભાગીઓમાંના એક 8 મા ધોરણની વિદ્યાર્થીની સુખિયારીન કાવડેએ કહ્યું, “મને રેલા ખૂબ ગમે છે. તે અમારી સંસ્કૃતિનો એક ભાગ છે. ” તે જૂથની સાથે રહેવા માટે ઉત્સાહિત હતી કારણ કે જૂથનો ભાગ હોવાથી તેને નૃત્ય રજૂ કરવા માટે વિવિધ સ્થળોની મુલાકાત લેવાની તક મળી હતી.
બેદ્મામારી ગામના જૂથે રેલા ગીતોથી શરૂઆત કરી હલ્કિ માંદરી અને કોલાંગ નૃત્યો રજૂ કર્યા.
આદિવાસી કોલેજના વિદ્યાર્થી દિલીપ કુરેતી કહે છે, "માંદરી પરંપરાગત રીતે હરેલી દરમિયાન કરવામાં આવે છે [બીજ અંકુરિત થાય અને ખરીફ સીઝનમાં ઊંચા છોડવાઓથી ખેતરો લીલાંછમ થઈ જાય ત્યારે શરુ થતો અને લગભગ દિવાળીની સુધી ચાલતો તહેવાર]". આ સમયગાળા દરમિયાન પુરુષો મોટા ઢોલ ( માંદર ) લઈને અને સ્ત્રીઓ હાથમાં ઝાંઝ લઈને એકસાથે નૃત્ય કરે છે.
પુસ કોલાંગ શિયાળામાં ઉજવાય છે, ડિસેમ્બરના અંતથી શરૂ કરીને જાન્યુઆરીના મધ્ય સુધી (ચંદ્ર કેલેન્ડરમાં પુસ અથવા પોષ મહિના દરમિયાન). ગોંડ સમુદાયના યુવાનો રેલા ગીતોના તાલ પર કોલાંગ નૃત્ય કરતા કરતા નજીકના ગામોમાં જાય છે - કોલાંગ નૃત્ય ધાઉડી ( ધવાઈ - વૂડફોર્ડિયા ફ્રુટિકોસા) ના ઝાડવાના લાકડામાંથી ખાસ બનાવેલી લાકડીઓ સાથે કરવામાં આવતું ઊર્જાસભર, એથ્લેટિક નૃત્ય છે.
બેદ્મામારીના વરિષ્ઠ નેતા સોમારુ કોરમ કહે છે, “પુસ કોલાંગ દરમિયાન અમે અમારું રેશન સાથે લઈને [બીજા ગામોમાં] જઈએ છીએ. ત્યાં બપોરનું ભોજન અમે જાતે બનાવીએ છીએ અને રાત્રિભોજન યજમાન ગામ આપે છે."
રાતના આકાશને અજવાળતી પોષી પૂનમ પહેલા મુસાફરી કરતાં જૂથ પોતપોતાના ગામ પાછા ફરે ત્યારે તહેવાર અને નૃત્યોનું સમાપન થાય છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક