એક સવારે અનુ એક ઝાડ નીચે અડધી ફાટેલી પ્લાસ્ટિકની સાદડી પર બેઠા છે, તેમના વાળ વિખરાયેલા છે, તેઓ ખૂબ થાકેલા લાગે છે. ત્યાંથી પસાર થતાં લોકો તેમની સાથે દૂરથી વાત કરે છે. નજીકમાં પશુઓ આરામ કરી રહ્યા છે અને ઘાસચારાના પૂળાની ગંજીઓ તડકામાં સુકાઈ રહી છે.
અનુ કહે છે, “વરસાદ પડે ત્યારે પણ હું ઝાડ નીચે છત્રી લઈને બેસું છું અને મારા ઘરમાં પગ પણ મૂકતી નથી. મારો પડછાયો પણ કોઈના પર ન પડવો જોઈએ. અમારા ભગવાન કોપાયમાન થાય એવું કરવાનું અમને ન પોસાય.”
તેમના ઘરથી લગભગ 100 મીટર દૂર ખુલ્લા મેદાનમાં આવેલું ઝાડ એ જ દર મહિને માસિકસ્રાવ શરૂ થાય એ પછીના ત્રણ દિવસ માટે તેમનું ‘ઘર’ બને છે.
અનુ (નામ બદલ્યું છે) ઉમેરે છે, “મારી દીકરી મારે માટે એક થાળીમાં જમવાનું મૂકી જાય છે.” બીજાઓથી અલગ રહેવાનું હોય તે દિવસોમાં તેઓ અલગ વાસણો વાપરે છે. “મારા આનંદ માટે હું અહીં આરામ કરું છું એવું બિલકુલ નથી. મારે તો [ઘેર] કામ કરવું છે, પરંતુ અમારી સંસ્કૃતિ પ્રત્યે આદર જાળવવા અહીં બહાર રહું છું. જો કે બહુ કામ હોય ત્યારે હું અમારા ખેતરમાં કામ કરું છું." અનુનો પરિવાર તેમની 1.5 એકર જમીનમાં રાગીની ખેતી કરે છે.
એકાન્તવાસના આ દિવસો દરમિયાન મોટેભાગે સાવ એકલા રહેતા હોવા છતાં આ પ્રથા અનુસરનારા અનુ એકલા નથી. તેમની 19 અને 17 વર્ષની દીકરીઓ પણ આ રિવાજ પાળે છે (બીજી 21 વર્ષની દીકરી પરિણીત છે). અને કડુગોલ્લા સમુદાયના લગભગ 25 પરિવારોના તેમના કસ્બાની તમામ સ્ત્રીઓએ આ જ રીતે બીજાઓથી અલગ રહેવું પડે છે.
સુવાવડી મહિલાઓને, જેમણે હમણાં જ બાળકને જન્મ આપ્યો હોય તેઓને, પણ કડક પ્રતિબંધોનું પાલન કરવું પડે છે. અનુએ જે ઝાડ નીચે આશરો લીધો છે તેની નજીક એકબીજાથી થોડે-થોડે દૂર આવેલી છ જેટલી ઝૂંપડીઓ તેમનું અને તેમના નવજાત બાળકોનું ઘર છે. બીજા કોઈ સમયે એ ખાલી રહે છે. માસિકધર્મમાં હોય તેઓ ફક્ત ઝાડ નીચે જ દિવસો પસાર કરે એવી અપેક્ષા રાખવામાં આવે છે.















