રામચંદ્ર પુલવર કહે છે, “આ વાત ફક્ત કઠપૂતળીઓની કે એના ખેલની નથી." તેઓ 40 વર્ષથી વધુ સમયથી તોલ્પાવકૂત શૈલીમાં કઠપૂતળીના ખેલ રજૂ કરી રહ્યા છે, તેઓ માને છે કે કઠપૂતળીઓના ખેલ રજૂ કરનારા વિવિધ સમુદાયોના કલાકારો દ્વારા કહેવાતી બહુસાંસ્કૃતિક વાર્તાઓ કેરલાના મલબાર પ્રદેશમાં સમન્વયિત પરંપરાઓને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
તેઓ ઉમેરે છે, “વાત આપણા સાંસ્કૃતિક વારસાને સાચવવાની અને તેને ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવાની છે. અમે તોલ્પાવકૂત દ્વારા જે વાર્તાઓ કહીએ છીએ તેમાં ઊંડો અર્થ રહેલો હોય છે અને એ વાર્તાઓ લોકોને વધુ સારા માનવી બનવા માટે પ્રેરણા આપી શકે છે."
તોલ્પાવકૂત એ કેરલાની છાયા-કઠપૂતળીના ખેલની પરંપરાગત કળા છે. તે મુખ્યત્વે મલબાર પ્રદેશમાં ભારદપુળા (નીલા) નદીના કિનારે આવેલા ગામડાઓમાં પ્રચલિત છે. કઠપૂતળીઓના ખેલ રજૂ કરતા કલાકારો વિવિધ જાતિઓ અને સમુદાયોમાંથી આવે છે અને આ પ્રસ્તુતિઓ સહુ કોઈ માણી શકે છે.
મંદિરના પરિસરની બહાર કોત્તુમાડમ નામના કાયમી થિયેટર હાઉસમાં તોલ્પાવકૂત પ્રસ્તુત કરવામાં આવે છે. પરિણામે સહુ કોઈ ત્યાં આવીને આ કલાસ્વરૂપનો આનંદ ઊઠાવી શકે છે. પરંપરાગત રીતે તોલ્પાવકૂતની પ્રસ્તુતિ દેવી ભદ્રકાળીના પવિત્ર ઉપવનોમાં એક વાર્ષિક ઉત્સવ રૂપે કરવામાં આવે છે, તે મહાકાવ્ય રામાયણમાંથી રામ અને રાવણ વચ્ચેનું મહાયુદ્ધ રજૂ કરે છે. જો કે તોલ્પાવકૂતની પ્રસ્તુતિ રામાયણમાં રજૂ કરવામાં આવેલી ધાર્મિક વાર્તાઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં લોકકથાઓ પણ રજૂ કરવામાં આવે છે.
કઠપૂતળીના ખેલ રજૂ કરતા કલાકાર નારાયણન નાયર કહે છે, “અમારી પ્રસ્તુતિ માટે જરૂરી ભંડોળ અને અન્ય સહાય મેળવવા માટે અમારે ખૂબ સંઘર્ષ કરવો પડે છે. ઘણા લોકો તોલ્પાવકૂતનું મૂલ્ય સમજી શકતા નથી અને તેઓ તેને એક જાળવવા યોગ્ય કલા સ્વરૂપ તરીકે જોતા નથી.”
આ ફિલ્મ અનેક પડકારો વચ્ચે પણ તોલ્પાવકૂતની પ્રસ્તુતિ કરવાનું ચાલુ રાખનાર, કઠપૂતળીઓના ખેલ રજૂ કરનાર કલાકારો બાલકૃષ્ણ પુલવર, રામચંદ્ર પુલવર, નારાયણન નાયર અને સદાનંદ પુલવરના વિચારો, તેમની લાગણીઓ આપણા સુધી પહોંચાડે છે.
આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (એમએમએફ) ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક