શિવાની કુમારી માત્ર 19 વર્ષની છે, પરંતુ તેને લાગે છે કે તેની પાસે હવે ઝાઝો સમય રહ્યો નથી.
છેલ્લા ચાર વર્ષથી તો તે પરિવારજનોને તેના લગ્ન નક્કી કરતા રોકવામાં સફળ થઈ છે - પણ તેને લાગે છે કે આ ખુશી હવે બહુ લાંબુ નહિ ટકે. તે કહે છે, "હું તેમને ક્યાં સુધી રોકી રાખી શકીશ ખબર નથી. હવે મોડા-વહેલા લગ્ન તો કરી જ લેવા પડશે."
બિહારના સમસ્તીપુર જિલ્લાના તેના ગામ ગંગ્સરામાં છોકરીઓ સામાન્ય રીતે શાળાનું 10 મું ધોરણ પણ પૂરું કરે તે પહેલાં અથવા 17-18 વર્ષની થાય ત્યાં તો તેમને પરણાવી દેવામાં આવે છે.
શિવાની (આ લેખમાં બધા નામો બદલેલા છે) તેને ટાળવામાં સફળ રહી છે, અને તે બીકોમ સ્નાતક અભ્યાસક્રમના બીજા વર્ષમાં છે. તે હંમેશા કોલેજ જવા માગતી હતી, પરંતુ તેને કલ્પના પણ નહોતી કે તે સાવ એકલી પડી જશે. તે કહે છે, “ગામમાં મારી બધી બહેનપણીઓ પરણી ગઈ છે. જે છોકરીઓ સાથે હું મોટી થઈ હતી અને જેમની સાથે હું શાળાએ ગઈ હતી તે બધા હવે જતા રહ્યા છે." એક બપોરે તેણે એક પાડોશીને ઘેર અમારી સાથે વાત કરી હતી, કારણ કે તે તેને પોતાને ઘેર ખુલીને વાત કરી શકતી નહોતી. અહીં પણ તેણે પાછલા વાડામાં જ્યાં કુટુંબની બકરીઓ આરામ કરતી હતી ત્યાં વાત કરવાનો આગ્રહ રાખ્યો હતો. તે ઉમેરે છે, "કોરોના દરમિયાન મારી કોલેજની છેલ્લી બહેનપણીના પણ પરણી ગઈ."
તે કહે છે તેના સમુદાયમાં છોકરીઓને કોલેજમાં જવાની તક ભાગ્યે જ મળે છે. શિવાની મહાદલિત શ્રેણી (2007 માં બિહાર સરકારે 21 ગંભીર રીતે વંચિત અતિ પછાત અનુસૂચિત જાતિ સમુદાયોના સમૂહ માટે આપેલ શબ્દ) ના રવિદાસ સમુદાય (ચમાર જાતિનું પેટા જૂથ) ની છે.
કુંવારી હોવાના સામાજિક કલંક અને પરિવારના સભ્યો, પડોશીઓ અને પરિચિતો દ્વારા પરણી જવાના સતત દબાણથી તેની એકલતા વધી ગઈ છે. તે કહે છે, “મારા પિતા કહે છે બહુ ભણી હવે. પણ મારે પોલીસ અધિકારી બનવું છે. તેમને લાગે છે મારે આવા સપના ન જોવા જોઈએ. તેઓ કહે છે કે હું ભણ્યા જ કરીશ તો મને પરણશે કોણ? અમારા સમુદાયના છોકરાઓ પણ વહેલા પરણી જાય છે. કેટલીક વાર થાય છે કે મારે આ બધું છોડી દેવું જોઈએ, પરંતુ હું અહીં સુધી પહોંચી છું અને મારું સપનું સાકાર કરવા માગું છું. "







