દેખતી રીતે જ પરેશાન સંજય પેન્ડે કહે છે, “[1994ના] પ્લેગ દરમિયાન, [2006માં] ચિકનગુનિયાનો રોગચાળો ફાટી નીકળ્યો તે દરમિયાન કે પછી [1993ના] ભૂકંપ દરમિયાન ક્યારે ય પણ આ મંદિર બંધ રહ્યું ન હતું. ઇતિહાસમાં આ પહેલી જ વાર આપણે આવી ઘટનાના સાક્ષી થઈ રહ્યા છીએ. તેઓ દક્ષિણ મહારાષ્ટ્રના તુળજાપુર શહેરમાં તુળજા ભવાની દેવીના મંદિરના મુખ્ય પૂજારીઓમાંના એક છે.
કોવિડ -19ના ફેલાવાને રોકવા માટે રાજ્યના લોકડાઉન ભાગ રૂપે, મંદિરે 17મી માર્ચ, મંગળવારે ભક્તો માટે તેના દ્વાર બંધ કર્યા. અહીંના લોકોને હજી આ વાત માન્યામાં આવતી નથી. 38 વર્ષના પેન્ડે કહે છે, “આ તે કેવો રોગ છે? પરપ્રાંતના ભક્તો અહીં આવી રહ્યા છે, પરંતુ તેઓએ મંદિરની બહારથી જ દર્શન કરી સંતોષ માનવો પડે છે. તે પણ પોલીસ સાથે સંઘર્ષમાં ઉતર્યા પછી.” તેમની આ ચિંતાનું એક કારણ રોજની 10-15 વિશેષ પૂજા કરાવવાથી તેમને થતી કમાણી હાલ ગુમાવવી પડે છે તે છે. પેન્ડેનો અંદાજ પ્રમાણે તુલજાપુરમાં 5,000થી વધુ પુજારીઓ છે જેઓ મંદિરને લગતી પ્રવૃત્તિઓથી થતી કમાણી પર આધાર રાખે છે.
12મી સદીનું હોવાનું મનાતું એક ટેકરી પર આવેલું મંદિર મરાઠાવાડા ક્ષેત્રના ઓસ્માનાબાદ જિલ્લાના 34,000ની વસ્તી (2011ની વસ્તીગણતરી મુજબ) ધરાવતા આ શહેરની અર્થવ્યવસ્થાના કેન્દ્રમાં છે. દેવી તુળજા ભવાનીને મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોના ઘણા પરિવારોની કુળદેવી ગણાય છે અને રાજ્યના તીર્થસ્થાનોની યાત્રાના માર્ગમાં આવતા દેવીઓને સમર્પિત/દેવીઓના મુખ્ય મંદિરોમાંનું એક છે.









