મણિમારનને આશા છે કે પયિર - પેરમ્બલુરના કેટલાક ગામોમાં ગ્રામીણ વિકાસ માટે કામ કરતી એક સંસ્થા - સાથે મળીને તે બાળકો માટે એવી નવી રમતો બનાવી શકશે જે સામાજિક અંતર જાળવી રાખીને પણ બાળકોમાં મજબૂત સામાજિક મૂલ્યોનું સિંચન કરશે. પયિરની સલાહકાર પ્રીતિ ઝેવિયર કહે છે , “અમે પહેલેથી જ તેના પર કામ શરૂ તો કરી જ દીધું છે, પરંતુ હમણાં અમે આપણા ગામોમાં કોવિડ -19 વિશે જાગૃતિ લાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, કારણ કે તે નવું છે અને આપણા લોકોને તેના વિશે કંઈ જ ખબર નથી. અમે ટૂંક સમયમાં મણિમારન અને મગીળીની સાથે બાળકો માટે આવી રમતો પર કામ કરીશું.”
મણિમારન માને છે કે તેમના જેવા કલાકારો માટે આ કસોટીનો સમય છે. “લોકકલાકારો માટે સંકટનો સામનો કરતા લોકોની સાથે રહેવું એ સાવ સામાન્ય વાત છે. એટલે અત્યારે આ સામાજિક અંતર જાળવવું, અલગ રહેવું એ વાત થોડી પરેશાન કરે છે.” તેઓ કહે છે કે હાલની પરિસ્થિતિમાં જે લોકકલાકારો રોજીરોટી ગુમાવશે તેમને માટે સરકારે થોડી રાહત આપવી જોઈએ. તે નિષ્ઠાપૂર્વક કહે છે, “બદલામાં, અમે સોશિયલ મીડિયા પર અમારી કલાની રજૂઆત કરી શકીએ. આર્થિક રીતે, લોકકલાકારોને ખરેખર ખૂબ મોટો ફટકો પડ્યો છે એટલે સરકારે આવું કંઇક વિચારવું જોઈએ. ”
પણ કોઈ રાહત મળે કે ન મળે, મણિમારન અને મગીળીની તમારા મનમાંથી કોરોના વાયરસના ભયને ભગાડવા, રોજેરોજ આ જ પ્રમાણે પરઈ વગાડતા રહેશે અને ગીતો ગાતા રહેશે. “અમે લોકો જાગૃત રહે તેવો આગ્રહ રાખીશું, અને વાયરસનો ફેલાવો રોકવા માટે સતત અમારાથી બનતા બધા પ્રયાસો કરીશું. અને આખરે જ્યારે કોરોનાથી આપણને છુટકારો મળશે, ત્યારે અમે પરઈ વગાડીને ઉજવણી કરીશું.
કોરોના ગીતનો અનુવાદ
તાના તન તાના
કોરોનાનો નગ્ન નાચ ચાલી રહ્યો છે
એવા ઘણા લોકો છે
જે પાયાવિહોણી અફવાઓ ફેલાવી રહ્યા છે
અફવાઓ પર વિશ્વાસ ન કરો
કોઈનું ઘસાતું ન બોલો!
ઉદાસીનતાથી કોઈ ફાયદો નહીં થાય
ડરવાની જરૂર નથી
ઉપાય શોધો
કોરોનાના સંક્રમણને રોકવા માટે
કોરોનાને તમારી નજીક આવતો અટકાવવા
તમારા નાકને ઢાંકી દો
માત્ર જાગૃતિ
કોરોનાને અટકાવશે
જો આપણે સામાજિક અંતર જાળવીશું
તો કોરોના પણ ભાગી જશે
તાના તન તાના
કોરોનાનો નગ્ન નાચ ચાલી રહ્યો છે
પાયાવિહોણી અફવાઓ ન ફેલાવો, તેને રોકો!
કોરોના ફેલાયેતો નથી
માંસ-મચ્છી ખાવાથી
કોરોના છોડતો નથી
શાકાહારીઓને પણ
બધા દેશો
આઘાતમાં છે
બધા સંશોધન કરી રહ્યા છે
તેનું મૂળ શોધવા માટે
એવો ખોરાક લો જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે
તમારી જાતને બચાવો
જૂઠ્ઠાણાંને ફેંકી દો
જેમને ઉધરસ આવે છે તેનાથી અંતર જાળવો
છીંકનારાઓથી દૂર રહો
તાવ ઉતારતો ન હોય તો સાવચેત રહો
શ્વાસની તકલીફથી સાવચેત રહો
જો આ બધું આઠ દિવસ સુધી ચાલે
તો કોરોના હોઈ શકે છે
તરત તબીબી સહાય લો
કોરોનાને ઘટાડો
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક