૧૧ ડિસેમ્બરની સવારે જ્યારે તેઓ વીજળીના તાર હટાવી રહ્યા હતા, ત્યારે નજીકનો એક દુકાનદાર રડવા લાગ્યો. ગુરવિંદર સિંહ કહે છે, “તેમણે [દુકાનદારે] કહ્યું કે તે અમને યાદ કરશે અને એમને અહિં અમારા વિના એકલું લાગશે. તે અમારા માટે પણ કઠીન હશે. પરંતુ ખેડૂતોની જીત એ એક મોટો અવસર છે.”
સવારે ૮:૧૫ વાગ્યાની આસપાસ ગુરવિંદર અને તેમના ગામના અન્ય ખેડૂતોએ પશ્ચિમ દિલ્હીમાં આવેલા ટીકરીના વિરોધ સ્થળ પર તેમના કામચલાઉ તંબુઓ સમેટવાનું શરૂ કર્યું. અમુકવાર, તેઓ વાંસના સાંધા તોડવા માટે લાકડાના સ્લેબનો ઉપયોગ કરતા હતા, જ્યારે અમુકવાર તેઓ માળખાના પાયાને તોડવા માટે ઇંટોનો ઉપયોગ કરતા હતા. ૨૦ મિનિટમાં તો તેમણે બધા તંબુ સમેટી લીધા, અને પછી ચા અને પકોડા ખાવા માટે વિરામ લીધો.
૩૪ વર્ષીય ગુરવિંદર પંજાબના લુધિયાણા જિલ્લાના ડાંગિયાન ગામના રહેવાસી છે, જ્યાં તેમની છ એકર જમીનમાં તેમનો પરિવાર ઘઉં, ડાંગર અને બટાકાની ખેતી કરે છે. તેઓ કહે છે, “અમે આ આશ્રયસ્થાનો અમારા હાથથી બનાવ્યા છે, અને હવે અમારા પોતાના જ હાથે અમે તેને દૂર કરી રહ્યા છીએ. અમે વિજયી બનીને ઘરે પાછા ફરી રહ્યા હોવાથી ખુશ છીએ, પરંતુ અમને અહિં બાંધેલા સંબંધોને છોડીને જવાનું દુઃખ પણ છે.”
લુધિયાણા જિલ્લાના એ જ ગામના રહેવાસી ૩૫ વર્ષીય દીદાર સિંહ તેમની સાત એકર જમીનમાં ઘઉં, ડાંગર, બટાકા, અને લીલા શાકભાજીની ખેતી કરે છે. તેઓ કહે છે, “વિરોધ પ્રદર્શનની શરૂઆતમાં અહિં કંઈ નહોતું. અમે બધા રસ્તા પર સૂતા હતા, અને પછી અમે આ ઘર બનાવ્યું. અમે અમારા અહિંના રોકાણ દરમિયાન ઘણું શીખ્યા છીએ. ખાસ કરીને અમારા બધા વચ્ચે ભાઈચારાની ભાવના. બધી સરકારો આપણને ફક્ત લડાવે જ છે. પરંતુ જ્યારે અમે બધા - પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશથી – આવીને અહિં ભેગા થયા ત્યારે અમને સમજાયું કે અમે બધા એક છીએ.”
ગુરવિંદરે ઉમેર્યું કે, “પંજાબમાં હવે ચૂંટણી છે, અને અમે યોગ્ય વ્યક્તિને જ મત આપીશું.” જ્યારે દીદારે કહ્યું, “અમે તેને જ મત આપીશું જે અમારો હાથ પકડે [અમને ટેકો આપે]. અમને દગો કરનારાઓને અમે સત્તામાં નહીં આવવા દઈએ.”
૯ ડિસેમ્બરે, લગભગ ૪૦ વિરોધ કરી રહેલા કૃષિ સંગઠનોના સમૂહ, સંયુક્ત કિસાન મોર્ચા (એસકેએમ)એ જાહેરાત કરી હતી કે તેઓ દિલ્હીની સરહદો પર એક વર્ષથી ચાલી રહેલા કૃષિ આંદોલનને સમાપ્ત કરશે, કારણ કે સરકારે ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ રદ કર્યા છે અને અન્ય માંગણીઓ પર પણ સંમતિ દર્શાવી છે.
જોકે અન્ય મહત્વના મુદ્દાઓ હજુ પણ બાકી છે - જેમ કે પાક માટે ન્યૂનતમ સમર્થન મુલ્ય (એમએસપી)ની ગેરંટી, ખેડૂતોના દેવા અંગેના પ્રશ્નો, અને આ સિવાયના અન્ય મુદાઓ વિષે એસકેએમ એ કેન્દ્ર સરકાર સાથે મંત્રણા ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.
દીદારે કહ્યું કે, “અમે ફક્ત આ વિરોધને સ્થગિત કર્યો છે, તેને સમાપ્ત કર્યો નથી. જેમ સૈનિકો રજા પર જાય છે તેમ અમે ખેડૂતો પણ રજા પર જઈ રહ્યા છીએ. જો આ સરકાર અમને દબાણ કરશે, તો અમે પાછા આવીશું.”
ગુરવિંદરે ઉમેર્યું, “જો આ સરકાર અમને [એમએસપી અને કૃષિના અન્ય બાકીના મુદ્દાઓ પર] કનડગત કરશે, તો અમે જેમ અહિં પહેલી વખત આવ્યા હતા, એ જ રીતે ફરીથી પાછા આવીશું.”
ડાંગિયાન ગામના વિરોધીઓના સમુહથી થોડાક મીટર દૂર, હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ધની ભોજરાજ ગામના સતબીર ગોદારા અને અન્ય લોકોએ તેમની વસાહતમાંથી બે પોર્ટેબલ પંખા, પાણીના ડ્રમ, બે એર કૂલર, તાડપત્રી અને લોખંડના સળિયા એક નાની ટ્રકમાં ભરવાનું કામ થોડી વાર પહેલાં જ પૂરું કર્યું હતું.
૪૪ વર્ષીય સતબીરે કહ્યું, “અમે અમારા ગામના એક અન્ય ખેડૂત પાસેથી આ ટ્રક મંગાવી હતી અને ફક્ત ડીઝલના જ પૈસા ચૂકવ્યા હતા. આ બધો સામાન અમારા જિલ્લાના ધની ગોપાલ ચોક પાસે ઉતારવામાં આવશે. જો અમારે ફરીથી આવા કોઈ સંઘર્ષ માટે બેસવું પડે તો? પછી અમે તેના માટે તૈયાર હોઈશું. અમારી બધી માંગણીઓ સંતોષવામાં નથી આવી. તેથી અમે આ બધી વસ્તુઓને એક જગ્યાએ પેક કરીને રાખીએ છીએ. અમે હવે શીખ્યા છીએ કે કેવી રીતે સરકારને [પાઠ] ભણાવવો.” આ સાંભળીને આજુબાજુ એકઠા થયેલા બધા લોકો ખડખડાટ હસી પડ્યા.
સતબીરે આગળ ઉમેર્યું કે, “અમે સરકારને સમય આપ્યો છે. જો અમારે એમએસપી માટે લડવું પડશે તો અમે ફરી પાછા આવીશું. અમારું આંદોલન ફક્ત સ્થગિત કરવામાં આવ્યું છે. આ અમારા માટે ઐતિહાસિક વર્ષ હતું. અમે વોટર કેનન અને અશ્રુવાયુનો સામનો કર્યો હતો, અમને રોકવા માટે બોલ્ડર [મોટા પથ્થરો] મૂકવામાં આવ્યા હતા અને રસ્તાઓ તોડી નાખવામાં આવ્યા. અમે દરેક અડચણનો સામનો કરીને ટીકરી પહોંચ્યા હતા.”
૧૧ ડિસેમ્બર, શનિવારના રોજ સવારે ૯ વાગ્યા સુધીમાં, ઘણાખરા ખેડૂતોએ ટીકરી ખાતેનું વિરોધ પ્રદર્શનનું સ્થળ છોડી દીધું હતું. જેમણે સામાન પેક કરી લીધો હતો તેઓ પણ હવે નીકળવાની તૈયારી કરી રહ્યા હતા. ગાદલા, ચારપાઈ, તાડપત્રી અને અન્ય વિવિધ વસ્તુઓથી લદાયેલા ટ્રેક્ટર-ટ્રોલીઓ ઉપર પુરુષો બેઠા હતા. કેટલાક ટ્રકમાં, તો કેટલાક કાર અને બોલેરો જીપમાં જતા હતા.
તેમાંના મોટા ભાગના વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પર જવા માટે સીધા જ આગળ વધી રહ્યા હતા, જ્યારે અન્ય લોકો દિલ્હી-રોહતક રોડ (હરિયાણાના બહાદુરગઢ શહેર નજીક) પર જ્યાં ભારતીય કિસાન યુનિયન (બીકેયુ, એકતા ઉગ્રહણ) રોકાયું હતું, એ તરફ વળ્યા હતા.
એ રસ્તા પર ૩૦ વર્ષીય કલ્પના દાસી એમના ૧૦ વર્ષના દીકરા આકાશ સાથે કચરો વીણવા આવ્યા હતા. તેઓ ઝારખંડના પાકુર જિલ્લા માંથી સ્થળાંતર થઈને બહાદુરગઢમાં કચરો ઉપાડવાનું કામ કરે છે. તેમણે કહ્યું કે તેઓ જાણતા હતા કે એક દિવસ વિરોધ કરી રહેલા ખેડૂતોએ ઘરે પરત ફરવું પડશે, તેમ છતાં તેમનું દિલ દુઃખી રહ્યું હતું. તેણીએ કહ્યું, “જ્યારે અમે અહીં કચરો વીણવા આવતા હતા, ત્યારે તેઓ અમારા જેવા ગરીબ લોકોને દિવસમાં બે વખત ખાવાનું ખવડાવતા હતા.”
આ રસ્તા પરના ટ્રેક્ટર્સ (રોહતક તરફ જતા) પ્લાસ્ટિક અને કાગળના ફૂલો, ચળકતા સ્કાર્ફ, રિબન અને સંઘના ધ્વજથી શણગારેલા હતા. પંજાબના મોગા જિલ્લાના દલા ગામના ૫૦ વર્ષીય સિરિન્દર કૌરે કહ્યું, “અમે અમારા ટ્રેક્ટરને શણગારીને આગળ વધી રહ્યા છીએ, અને લગ્નની ઉજવણીના સરઘસની જેમ આગળ વધીશું.” એક ટ્રેક્ટર-ટ્રોલી તેના પરિવારના ગાદલા, રસોડાનાં વાસણો અને અન્ય વસ્તુઓથી ભરેલી હતી, જ્યારે બીજી ટ્રોલીનો ઉપયોગ પુરુષો મુસાફરી કરવા માટે કરી રહ્યા હતા. એ વખતે મહિલાઓ કેન્ટર ટ્રકમાં સવાર હતી.
સિરિન્દર ઉમેરે છે, “સેંકડો ટ્રેક્ટર અમારા ગામથી બે-ત્રણ ગામ પહેલા આવેલા મોગા તાલુકાના બટ્ટાર ગામે જશે. ત્યાં ફૂલોથી અમારું સ્વાગત કરવામાં આવશે, અને પછી અમે આખરે અમારા ગામડે જઈશું.” દલા ગામમાં એમની ચાર એકર જમીનમાં તેમનો પરિવાર ડાંગર, ઘઉં અને ચણાની ખેતી કરે છે. તેઓ કહે છે કે, તેઓ સ્વતંત્રતા સેનાનીઓના પરિવારમાંથી આવે છે. અને અત્યાર સુધી [૧૧ ડિસેમ્બર સુધી], “મારી એક વહુ ટીકરી ખાતે વિરોધ પ્રદર્શનમાં શામેલ હતી, એક સિંઘુ સરહદ પર, અને મારો પરિવાર અહિં [બહાદુરગઢના રોહતક રોડ પર] છે. અમારો પરિવાર લડવૈયાઓનો પરિવાર છે, અને અમે આ સંઘર્ષ પણ જીત્યા છીએ. અમારી [ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની] માંગણી સંતોષાઈ છે, હવે અમે અમારું સંગઠન [બીકેયુ એકતા ઉગ્રહણ] જેમ કહે તેમ કરીશું.”
નજીકની એક અન્ય ટ્રોલીમાં, પંજાબના મોગા જિલ્લાના બધની કલાન ગામના ૪૮ વર્ષીય કિરણપ્રીત કૌર થાકેલા હોય એવું દેખાતું હતું. તેઓ કહે છે, “અમને માત્ર એક કલાક જ સૂવા મળ્યું છે. અમે ગઈકાલથી સામાન પેક કરી રહ્યા છીએ. અમે સવારના ૩ વાગ્યા સુધી વિજયનો ઉત્સવ મનાવ્યો હતો.”
તેમના વતનમાં, તેમના પરિવાર પાસે ૧૫ એકર જમીન છે જ્યાં તેઓ ઘઉં, ડાંગર, મકાઈ, સરસવ, અને બટાટાની ખેતી કરે છે. તેઓ ઉમેરે છે કે, “અહિં ઘણા લોકોએ શાંતિપૂર્વક વિરોધ કેવી રીતે કરવો તે શીખ્યું, અને જ્યારે તેઓ તેમના અધિકારો માટે લડે છે, ત્યારે તેઓ જીતી શકે છે તે પણ જાણ્યું.”
જતા પહેલા, કિરણપ્રીતે કહ્યું, તેમણે અને અન્ય લોકોએ રસ્તા પર જેટલી જગ્યા રોકી હતી તેના એક-એક ટુકડાને સાફ કરી દીધો હતો. “હું અહીંની જમીનને નમન કરું છું. આનાથી અમને વિરોધ કરવાની જગ્યા મળી. તમે જેની પૂજા કરો છો તે જ જમીન તમને બદલો આપે છે.”
બહાદુરગઢમાં બીકેયુના મુખ્ય મંચની નજીક, યુનિયન માટે ભટિંડાના જિલ્લા મહિલા નેતા પરમજીત કૌર, બધો સામાન ટ્રોલીમાં સમાઈ જાય તેની મથામણમાં વ્યસ્ત છે. લગભગ ૬૦ વર્ષીય પરમજીતે રોડના ડિવાઈડર પરની જે જમીન પર બટાકા, ટામેટાં, સરસવ અને લીલા શાકભાજી ઉગાડ્યા હતા તે જમીનની સફાઈ કરી. ( જુઓ સિંઘુના ખેડૂતો:‘લડાઈમાં જીત,અંતિમ જીત નથી’ ) તેઓ કહે છે, “મેં તે [પાક] કાપી નાખ્યા અને અહિંના મજૂરોને તે શાકભાજી આપી દીધાં. અમે ઘરે ફક્ત થોડીક જ વસ્તુઓ પાછી લઇ જઈ રહ્યા હતા. અમે અહિંના ગરીબો પોતાનું ઘર બનાવી શકે તે માટે લાકડાના ટુકડા અને તાડપત્રી તેમને આપી દીધી છે.”
તેઓ આગળ કહે છે કે, આજે રાત્રે અમારી ટ્રોલી રસ્તામાં આવતા કોઈપણ ગુરુદ્વારા પર આરામ કરવા માટે રોકાઈ જશે, અને બીજા દિવસે સવારે અમે ફરીથી આગળ વધીશું. “અમારા ગ્રામજનો અમારું સ્વાગત કરશે. અમે ખૂબ જ ભવ્ય ઉજવણી કરીશું કારણ કે અમે અમારી જમીન બચાવી છે. અમારો સંઘર્ષ હજુ પૂરો નથી થયો. અમે બે દિવસ આરામ કરીશું અને પછી પંજાબની અમારી અન્ય માંગણીઓ માટે લડીશું.”
જ્યારે તેઓ બોલી રહ્યા હતા ત્યારે ટ્રેક્ટર-ટ્રોલી, ટ્રક અને અન્ય વાહનો પર સવાર થઈને વિરોધ કરી રહેલા ખેડૂતોનો કાફલો ઘરે જઈ રહ્યો હતો. હરિયાણા પોલીસને ટ્રાફિક વ્યવસ્થા કરવા માટે તૈનાત કરવામાં આવી હતી. વિરોધ સ્થળની શરૂઆતમાં, પંજાબ કિસાન યુનિયનના મંચની નજીક, એક જેસીબી મશીન હતું જે ગયા વર્ષે ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા રોકવા માટે મૂકવામાં આવેલા બોલ્ડર તોડી રહ્યું હતું.
લગભગ ૧૧ વાગ્યા સુધીમાં, ટીકરી મેદાનમાંથી બધું સાફ થઈ ગયું હતું, માત્ર થોડા જ પ્રદર્શનકારીઓ રહ્યા હતા, જેઓ પણ જવાની તૈયારી કરી રહ્યા હતા. એક વર્ષ સુધી જે વિરોધ સ્થળ ‘કિસાન મઝદૂર એકતા ઝિંદાબાદ’ ના નારાથી ગુંજતું હતું, તે આજે શાંત હતું. ઉજવણી અને ગીતો ખેડૂતોના ગામડાઓમાં ગુંજતા રહેશે - જ્યાં તેઓ લડત ચાલુ રાખવા માટે કટિબદ્ધ છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ