આ કઈંક નટના ખેલ જેવું હતું, બસ એનાથી થોડો વધારે મુશ્કેલ ને વધારે ખતરનાક. ક્યાંય કોઈ સુરક્ષા માટેની જાળીઓ નહોતી કે પડો તો ઝીલે એવું કશું જ નહોતું . જે ખુલ્લા કૂવા ઉપર એ પગ મૂકી રહી હતી એને કોઈ દીવાલ સુધ્ધાં નહોતી. એ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સૂસવાતા પવનમાં ઊડતી ધૂળ ને બીજી ગંદકીથી બચાવવા ખાતર માત્ર ભારે લાકડાનાં મોભથી ઢંકાયેલો હતો. વચમાંનું એ બાકોરું લાકડાના મોભને આમતેમ ગોઠવીને બનાવેલું હતું.
તેણે લાકડાના મોભની ધાર પર ઉભા રહી પાણી ખેંચવું પડતું. આમ કરવામાં એને બે જોખમ હતાં: એ લપસીને પડી શકે, કાં એના ભાર તળે એના પગ નીચેનું લાકડું ફસડાઈ પડે. બે માંથી કોઈ પણ રીતે એનો અર્થ 20 ફુટ ઊંડું ડુબકું થાય. અને એમાંય એની સાથે જો બે ચાર લાકડાં તૂટીને પડે એના માથા પર તો પછી એ થાય વધુ ઘાતક ખેલ. ને બાજુમાંથી સરકીને પડે તોય એક પગ તો છૂંદાઇ જવાનો.
પરંતુ આમાંનું કંઈ એ દિવસે થયું નહીં. આ ભિલાલા આદિવાસી યુવતી ગામના કોઈ કસબા કે વાસ (જે કુળ આધારિત હોઈ શકે)માંથી આવતી હતી. તેણે લયબદ્ધ રીતે લાકડા પર સરકી, શાંતિથી દોરડે બાંધીને એક ખાલી ડોલ પાણીમાં ઉતારી ને છલકાતી કાઢી બહાર આખી. એમાંનું પાણી એણે એક બીજા વાસણમાં ઠાલવ્યું ને પછી ફરીથી ડોલ ભરી. ના ડગમગી એ કે ના એના પગ તળેના લાકડા સહેજ. પાણી ભરેલાં બે વાસણ લઈને -- જમણા હાથે માથા પરનો ભારે ઘડો સાચવતી ને ડાબા હાથે એક ડોલ ઝૂલાવતી એ વહી ગઈ પાછી મધ્યપ્રદેશના ઝૂબુઆ જિલ્લાના વાકનેર ગામમાં એના ઘેર.
હું એના ફળિયાથી આ કૂવા સુધી એની સાથે સાથે ખાસ્સું ચાલીને આવેલો. અને મને સમજાયેલું કે જો એ દિવસમાં બે વાર (ને ક્યારેક એથી ય વધારે વખત) આ અંતર કાપતી હોય તો માત્ર આ જ કામ માટે એ છ કિલોમીટરથી ઓછું નહિ ચાલતી હોય. એ ચાલી ગઈ પછી પણ હું થોડો સમય ત્યાં રોકાયો. બીજી ઘણી સ્ત્રીઓએ, કોઈક તો સાવ નાની છોકરીઓ હતી, એ જ ખેલ ફરી ફરી સાવ સરળતાથી કર્યો. એમને જોઈને મને થયું આ કામ હું ધારું છું એ કરતાં ખાસ્સું સરળ છે, તો લાવ ને હું ય ઝંપલાવું. એમ વિચારીને એક છોકરી પાસેથી દોરડું ને ડોલ માગી ને હું આગળ વધ્યો. જેટલીવાર મેં લાકડાં પર પગ મૂક્યો, લાકડાં ધ્રૂજ્યાં, થોડાં ડગમગ્યાં. અવાર નવાર હું કૂવાના મોં પાસે ગયો તો લાકડાના છેડા કંપ્યા ને થોડી જોખમી રીતે અંદરની તરફ ઝૂક્યાં. દર વખતે હું નક્કર ભૂમિ પર પાછો વળી જતો.
દરમિયાનમાં મેં ઘણાં ઉત્સાહી પ્રેક્ષકો ભેગા કર્યાં હતા, જેમાં પાણી ભરવા આવેલી સ્ત્રીઓ ઉપરાંત ઘણા નાના બાળકો પણ હતાં જે આતુરતાથી મારા કૂવામાં પાડવાની રાહ જોતા હતાં. હું એમનું બપોરનું મનોરંજન થઇ ગયેલો. પણ હવે તે પૂરું થવામાં હતું. જે સ્ત્રીઓને માટે હું પહેલાં પહેલાં ભારે રમૂજ નો વિષય હતો એ હવે એમના દિવસના સૌથી અગત્યના કામ -- ઘર માટે પાણી ભરવાનું -- પતાવવા વિશેની ચિંતામાં પડી હતી. 1994માં આમ મને યાદ છે તે પ્રમાણે મેં અનેક પ્રયત્નો પછી માંડ અડધી ડોલ પાણી ખેંચ્યું હતું. પણ કૂવાના મંચ પરથી મેં વિદાય લીધી ત્યારે બાલકિશોર પ્રેક્ષકોએ મને ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવ્યાનું પણ યાદ છે.
આ લેખનો એક સંક્ષિપ્ત પાઠ 12 જુલાઈ, 1996 ના ધ હિન્દુ બિઝનેસલાઈનમાં પ્રકાશિત થયેલો.
અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા