વંદના ઉંબરસદા તેની સાત વર્ષની પૌત્રીની 5 રુપિયાની માગણીની હઠનો ઉલ્લેખ કરતા કહે છે, “સોમવાર [16મી માર્ચ] થી અમને કોઈ કામ મળ્યું નથી. હું પૈસા ક્યાંથી લાવું?”
મહારાષ્ટ્રના વાડા તાલુકાના વિવિધ બાંધકામ સ્થળો પર કામ કરતી 55 વર્ષની વંદના, પાલઘર જિલ્લાના કાવતેપાડામાં તેના આંગણમાં બેઠી છે, તે કહે છે, “અમને ખબર નથી કે શું થઈ રહ્યું છે. મારા દીકરાએ મને ઘેર રહેવાનું કહ્યું કારણ કે આપણી આસપાસ એક બિમારી ફેલાઈ છે અને સરકારે આપણને ઘરની બહાર ન નીકળવાનું કહ્યું છે. ”
લગભગ સાંજના 4 વાગ્યાનો સમય છે, અને વંદનાના ઘણા પડોશીઓ તેના ઘરની બહાર ભેગા થઈ વિવિધ બાબતો પર, મુખ્યત્વે હાલના કોવિડ -19 ને કારણે ઊભા થયેલા સંકટ અંગે, ચર્ચા કરે છે. તેમાંથી માત્ર એક યુવતી કહે છે કે વાત કરતી વખતે દરેકે થોડું અંતર જાળવવું જોઈએ. અહીંના લોકોના અંદાજ પ્રમાણે કાવતેપાડામાં આશરે 70 ઘરો છે અને દરેક પરિવાર આદિવાસીઓના વારલી સમુદાયનો છે.
જ્યાં સુધી રાજ્યવ્યાપી લોકડાઉન શરૂ થયું ન હતું ત્ત્યાં સુધી વંદના અને તેની પાડોશણ મનિતા ઉંબરસદાનો દિવસ સવારે 8 વાગ્યે શરૂ થતો અને તેઓ એકાદ કલાક ચાલીને લગભગ દસેક કિલોમીટર દૂર વાડા શહેર અને તેની આસપાસના બાંધકામના સ્થળો પર પહોંચતા. ત્યાં સવારે 9 થી સાંજના 6 સુધી મજૂરી કરીને તેઓ 200 રુપિયા કમાતા. વંદના કહે છે કે આ રીતે તેને મહિને લગભગ 4,000 રુપિયા મળી રહેતા . પરંતુ હવે બાંધકામના સ્થળોના ઠેકેદારો પાસે તેને માટે કોઈ કામ નથી.
તે કહે છે, “મારા પુત્રોને પણ કોઈ કામ મળતું નથી. અમારે અનાજ ખરીદવું છે પરંતુ કામ કર્યા વિના અમને પૈસા કેવી રીતે મળશે? અમારું રેશન ખલાસ થઇ જવા આવ્યું છે. અમે બાળકોને શું ફક્ત ચટણી બનાવીને ખવડાવીએ? હું ઇચ્છું છું કે આનો જલ્દી અંત આવે."
વંદનાને ત્રણ પુત્રો અને 11 પૌત્ર-પૌત્રીઓ છે. તેના પુત્રો વાડામાં ઇંટોની ભઠ્ઠીઓ પર અથવા બાંધકામના સ્થળો પર કામ કરે છે. વાડા તાલુકાના 168 ગામોમાં કુલ મળીને 154,416 લોકોની વસ્તી છે. સ્થાનિક દુકાનમાં કામ કરતા વંદનાના પતિ લક્ષ્મણને અતિશય દારૂ પીવાની લત હતી. તેના કારણે તબિયતને લગતી ગૂંચવણો ઊભી થઈ, પરિણામે 15 વર્ષ પહેલાં તે મૃત્યુ પામ્યો .







