સોમવારે સવારે ૧૧ વાગે, ૪૧ વર્ષીય મુનેશ્વર માંઝી તેમના પ્લાસ્ટર વગરના, જર્જરિત મકાનની બહાર ચોકીમાં આરામ કરી રહ્યા છે. ઘરની સામેની ખુલ્લી જગ્યામાં, વાંસના થાંભલાઓના સહારે બાંધેલી વાદળી પોલિથીન શીટ તેમને સૂર્યના તડકાથી તો આશ્રય આપે છે, પરંતુ તે ભેજથી બચાવતી નથી. પટના શહેરથી લગભગ ૫૦ કિલોમીટર દૂર કાકો ટાઉન પાસેના મુસહરી ટોળામાં રહેતા મુનેશ્વર કહે છે, “છેલ્લા ૧૫ દિવસથી મારી પાસે કોઈ કામ નથી.”
મુસહરી ટોળા - એ વિસ્તાર કે જ્યાં મુસહર સમાજ (દલિત)થી જોડાયેલા લોકો રહે છે - ત્યાં મુસહર લોકોના ૬૦ પરિવાર રહે છે. મુનેશ્વર અને તેમના ટોળાના અન્ય લોકો આવક માટે નજીકના ખેતરોમાં કામ કરીને જે દ્હાડી મેળવે છે તેના પર નિર્ભર છે. પરંતુ, મુનેશ્વર કહે છે કે કામ નિયમિત મળતું નથી. વર્ષમાં ખરીફ અને રવિ પાકની વાવણી અને લણણી દરમિયાન ફક્ત ૩-૪ મહિના માટે જ કામ મળી રહે છે.
છેલ્લી વાર તેમને રાજપૂત સમુદાયના એક જમીનદાર ‘બાબુ સાહેબ’ના ખેતરોમાં કામ મળ્યું હતું. ખેતમજૂરોને જે દ્હાડી મળે છે તે વિષે મુનેશ્વર કહે છે, “દિવસના ૮ કલાક કામ કરીને અમને ૧૫૦ રૂપિયા કે ૫ કિલો ભાત મળે છે. બસ.” પૈસાના બદલે જે ભાત મળે છે એની સાથે બપોરનું ભોજન આપવામાં આવે છે: ૪-૫ રોટી, શાક, કે પછી દાળ-ભાત.
જો કે ૧૯૫૫માં ચાલેલી ભૂદાન ચળવળ દરમિયાન જ્યારે જમીનદારોએ તેમની જમીનનો એક ભાગ ભૂમિહીન ખેડૂતોને પુનઃવિતરણ માટે આપી દીધો હતો, ત્યારે તેમના દાદાને ત્રણ વીઘા (લગભગ બે એકર) ખેતીની જમીન મળી હતી, પણ તે કંઈ વધારે કામની નથી. આ પાછળનું કારણ સમજાવતા મુનેશ્વર કહે છે, “એ જમીન અમે જ્યાં રહીએ છીએ ત્યાંથી ત્રણ કિલોમીટર દૂર છે. એટલે જ્યારે પણ અમે કંઈ વાવીએ છીએ ત્યારે પ્રાણીઓ તેને ખાઈ જાય છે અને અમારે નુકસાન વેઠવું પડે છે.”
વર્ષના મોટાભાગના દિવસોમાં મુનેશ્વરનો પરિવાર અને ટોળાના અન્ય લોકો મહુઆ દારુ - મહુઆના ઝાડના ફૂલોમાંથી બનાવેલ દારૂ (મધુકા લોંગિફોલિયા વર. લેટીફોલિયા) બનાવીને અને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.
જો કે આ વ્યવસાય ખતરાથી ખાલી નથી. રાજ્યમાં દારૂ કે અન્ય માદક પદાર્થોના ઉત્પાદન કરવા પર, તેને રાખવા પર, કે તેના વેચાણ અથવા વપરાશ પર કડકપણે પ્રતિબંધ મૂકતો બિહાર દારૂબંધી અને આબકારી અધિનિયમ, ૨૦૧૬ કાયદો અમલમાં છે.










