શાંતિ દેવીનું મૃત્યુ કોવિડ-19થી થયું હતું તે સાબિત કરવા માટે તેમના પરિવાર પાસે મૃત્યુનું પ્રમાણપત્ર કે અન્ય કોઈ પુરાવા નથી. પરંતુ તેમનું મૃત્યુ જે સંજોગોમાં થયું છે તેનાથી બીજો કોઈ નિષ્કર્ષ નીકળે એમ નથી.
એપ્રિલ ૨૦૨૧માં, જ્યારે દેશમાં કોવિડ -19 ની બીજી લહેર ફેલાઈ રહી હતી ત્યારે ૪૦ એક વર્ષના શાંતિ દેવી બીમાર પડી ગયા હતા. લક્ષણો એક પછી એક દેખાવા લાગ્યા: પહેલા ઉધરસ અને શરદી અને પછી બીજા દિવસે તાવ. તેમના ૬૫ વર્ષીય સાસુ કલાવતી દેવી કહે છે કે “એ વખતે ગામમાં લગભગ બધા લોકો બીમાર હતા. અમે તેને પહેલા ઝોલા છાપ ડોક્ટર પાસે લઈ ગયા.”
ઝોલા છાપ, અથવા કામ ચલાઉ તબીબી સેવાઓ પ્રદાન કરતા ઊંટવૈદ, ઉત્તર પ્રદેશના લગભગ દરેક ગામમાં જોવા મળે છે. આ એ જ ‘ડોક્ટરો’ છે કે જેમની પાસે મહામારીના સમયે ગ્રામીણ વિસ્તારોમાં મોટા ભાગના લોકો સારવાર કરાવી ચૂક્યા છે, કારણ કે તેઓ સરળતાથી દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય છે અને બીજી તરફ જાહેર આરોગ્યની માળખાકીય સુવિધાઓની હાલત ખૂબ જ કફોડી છે. વારાણસી જિલ્લાના દલ્લીપુર ગામમાં રહેતા કલાવતી કહે છે કે, “અમે બધા ડરેલા હતાં, એટલા માટે જ હોસ્પિટલ ના ગયા. અમને ડર હતો કે અમને [ક્વોરૅન્ટીન] કેન્દ્રમાં મૂકવામાં આવશે. અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ભરેલી હતી. ત્યાં કોઈ પથારી ઉપલબ્ધ ન હતી. તેથી અમે ફક્ત ઝોલા છાપ ડોક્ટર પાસે જ જઈ શક્યા.”
પરંતુ યોગ્ય તાલીમ તેમ જ જરૂરી લાયકાતના આભાવે આ ‘ડોક્ટરો’ ગંભીર રીતે બીમાર દર્દીઓની સારવાર માટે અસમર્થ હોય છે.
ઝોલા છાપની મુલાકાત લીધાના ત્રણ દિવસ પછી, શાંતિ દેવીને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. તેમની આવી હાલત જોઈને કલાવતી, શાંતિના પતિ મુનીર અને પરિવારના અન્ય સભ્યો ગભરાઈ ગયા હતા. તેઓ તેમને વારાણસીના પિન્દ્રા બ્લોકમાં તેમના ગામથી લગભગ ૨૦ કિલોમીટર દૂર એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. કલાવતી કહે છે કે, “પરંતુ હોસ્પિટલના સ્ટાફે તેણીની (સ્થિતિ) તરફ જોયું અને કહ્યું કે કોઈ આશા નથી.” કલાવતી એ સાવરણીના ઉપયોગ વડે રોગને દૂર કરવાની વર્ષો જૂની, અવૈજ્ઞાનિક પ્રથાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે “અમે ઘરે આવ્યા અને ઝાડ-ફૂંક શરૂ કરી દીધી.”
જો કે આ કારગર સાબિત ન થયું; અને તે જ રાત્રે શાંતિનું મૃત્યુ થઈ ગયું.








