ચંદ્રિકા બેહરા નવ વર્ષની છે અને લગભગ બે વર્ષથી શાળાએ નથી ગઈ. તે બારાબંકી ગામના તે 19 વિદ્યાર્થીઓમાંની એક છે જેઓ આમ તો ધોરણ 1 થી 5 માં હોવા જોઈએ, પરંતુ આ બાળકો 2020થી નિયમિતપણે શાળાએ ગયાં નથી. તે કહે છે કે તેનાં મમ્મી તેને મોકલતાં નથી.
બારાબંકીને 2007માં પોતાની અલગ શાળા મળી હતી, પરંતુ ઓડિશા સરકારે તેને 2020માં બંધ કરી દીધી હતી. મોટેભાગે, ચંદ્રિકા જેવા ગામના સંથાલ અને મુંડા આદિવાસીઓના પ્રાથમિક શાળામાં ભણતાં બાળકોને, લગભગ 3.5 કિલોમીટર દૂર જમ્મુ પસી ગામની શાળામાં પ્રવેશ મેળવવાનું કહેવામાં આવ્યું હતું.
ચંદ્રિકાનાં માતા મામી બેહરા જણાવે છે, “બાળકો દરરોજ એટલું ચાલી શકતાં નથી. અને તેઓ લાંબા રસ્તા પર ચાલતી વખતે એકબીજા સાથે લડી પડે છે. અમે ગરીબ મજૂરો છીએ. શું અમે રોજ કામ શોધવા જઈએ કે પછી બાળકો સાથે શાળાએ આવ-જા કરીએ? સત્તાવાળાઓએ અમારી જૂની શાળા ફરીથી શરૂ કરવી જોઈએ.”
ત્યાં સુધી, તેઓ નિઃસહાયપણે કહે છે કે, તેમના સૌથી નાના બાળક જેવા 6 થી 10 વર્ષનાં બાળકોએ શિક્ષણથી વંચિત રહેવું પડશે. 30 વર્ષનાં આ માતાને એ પણ ડર છે કે જાજપુર જિલ્લાના દાનાબદ્દી બ્લોકના જંગલમાં કોઈ બાળકોનું અપહરણ કરનાર પણ હોઈ શકે છે.
તેમના પુત્ર જોગી માટે, મામીએ એક જૂની વપરાયેલી સાયકલની વ્યવસ્થા કરી આપી. જોગી 6 કિમી દૂર બીજી શાળામાં નવમા ધોરણમાં અભ્યાસ કરે છે. સાતમા ધોરણમાં ભણતી તેમની મોટી પુત્રી, મોનીએ જામ્મુ પસીની શાળાએ ચાલતા જ જવું પડે છે. સૌથી નાની ચંદ્રિકા, ઘેર જ રહેવાની છે.
મામી પૂછે છે, “અમારી પેઢી જ્યાં સુધી શરીરે સાથ આપ્યો ત્યાં સુધી ચાલી, ચઢ ઉતર કર્યું અને કામ કર્યું. શું અમારે અમારા બાળકો પાસેથી પણ આવી જ અપેક્ષા રાખવાની?”
બારાબંકીના 87 પરિવારો મુખ્યત્વે આદિવાસી છે. કેટલાક લોકો જમીનના નાના પટ્ટાઓમાં ખેતી કરે છે, પરંતુ મોટાભાગના લોકો દૈનિક મજૂરો છે, જેઓ સ્ટીલ પ્લાન્ટ અથવા સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરવા માટે 5 કિમી દૂર સુકિંદા સુધી જાય છે. કેટલાક પુરુષો સૂતર કાંતવાની મિલોમાં અથવા બીયર કેન પેકેજિંગ એકમોમાં કામ કરવા માટે સ્થળાંતર કરીને તમિલનાડુ ગયા છે.
બારાબંકીમાં શાળા બંધ થવાથી શાળાના મધ્યાહન ભોજનની ઉપલબ્ધતા અંગે પણ શંકા ઊભી થઈ હતી - જે ખૂબ જ ગરીબ પરિવારો માટે ભોજન મેળવવાનો એક આવશ્યક ભાગ છે. કિશોર બેહરા કહે છે, “ઓછામાં ઓછા સાત મહિના સુધી, મને શાળાના ગરમ રાંધેલા ભોજનના વિકલ્પ તરીકે આપવાનું વચન અપાયેલ રોકડ કે ચોખા મળ્યા ન હતા.” કેટલાક પરિવારોને ભોજનના બદલામાં તેમના ખાતામાં પૈસા મળ્યા હતા; કેટલીકવાર તેઓને કહેવામાં આવ્યું હતું કે 3.5 કિમી દૂર આવેલ નવી શાળાના પરિસરમાં તેનું વિતરણ થશે.
*****
આ જ બ્લોકમાં પુરુણા માણતિરા નામનું પડોશી ગામ આવેલું છે. એપ્રિલ 2022નું પહેલું અઠવાડિયું છે. બપોરના સમયે, ગામની બહાર જતા સાંકડા રસ્તા પર ગતિવિધિઓનો ધમધમાટ જોવા મળે છે. પાછળનો રસ્તો અચાનક સ્ત્રીઓ અને પુરુષો, તથા એકાદ દાદી અને સાયકલ પર જતા કેટલાક કિશોરોથી ભરાઈ જાય છે. જાણે ઊર્જાનો એક એક અંશ બચાવવાનો હોય તેમ કોઈ બોલતું નથી; ગમચા (ટુવાલ જેવો ખેસ) અને સાડીના છેડા બપોરના તપતા સૂર્યથી રાહત મેળવવા માટે કપાળ પર ખેંચવામાં આવ્યા છે, તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ છે.
આ સખત ગરમીને અવગણીને, પુરુણા માણતિરાના રહેવાસીઓ તેમના નાના છોકરાઓ અને છોકરીઓને શાળાએથી લેવા માટે 1.5 કિમી ચાલીને બહાર નીકળી રહ્યાં છે.
દીપક મલિક પુરુણા માણતિરાના રહેવાસી છે અને સુકિંદામાં સિમેન્ટ પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે - સુકિંદા ખીણ તેના વિશાળ ક્રોમાઇટ રિઝર્વ માટે જાણીતી છે. તેમની જેમ, અનુસૂચિત જાતિની બહુમતી ધરાવતા ગામના અન્ય લોકો પણ સારી રીતે વાકેફ છે કે બાળકો માટે સારું ભવિષ્ય પ્રાપ્ત કરવાનો રસ્તો યોગ્ય શિક્ષણ થકી છે. તેઓ કહે છે, “જો અમારા ગામના મોટાભાગના લોકોએ રાત્રી ભોજન કરવું હોય તો તેમણે કામ કરવું જ પડશે. તેથી જ તો 2013-2014માં શાળાની ઇમારતનું નિર્માણ થયું એ અમારા બધાં માટે એક મોટો પ્રસંગ હતો.”
25 પરિવારોના ગામમાં રહેતાં સુજાતા રાની સામલ કહે છે કે 2020માં મહામારી પછીથી, પુરુણા માણતિરાના 14 બાળકોને પ્રાથમિક શાળાનું ભણતર મળ્યું નથી. તે બાળકો અત્યારે ધોરણ 1-5માં હોવાં જોઈએ. તેના બદલે પ્રાથમિક શાળાના આ નાના વિદ્યાર્થીઓને દરરોજ 1.5 કિમીનું અંતર કાપીને એક વ્યસ્ત રેલ્વે લાઇન પર આવેલ પડોશી ગામ ચકુઆ સુધી જવું પડે છે.
રેલ્વેના પાટા ન ઓળંગવા હોય તો ઓવરબ્રિજ વાળા રસ્તાનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ તેનાથી અંતર વધીને 5 કિમી થઈ જાય છે. ગામના કિનારે જૂની શાળા અને થોડા મંદિરોમાંથી પસાર થતો તે રસ્તો બ્રહ્માણી રેલ્વે સ્ટેશન તરફ જતી રેલ્વે લાઇન પર સમાપ્ત થાય છે.
માલગાડી ત્યાંથી પૂરઝડપે પસાર થઈ રહી છે.
દર દસ મિનિટે, માલગાડીઓ અને પેસેન્જર ટ્રેનો ભારતીય રેલ્વેની હાવડા-ચેન્નઈ મુખ્ય લાઇન પરથી બ્રહ્માણીને પાર કરે છે. અને તેથી, પુરુણા માણતિરામાં કોઈ પણ પરિવાર તેમના બાળકને પુખ્ત વયના કોઈ વ્યક્તિના સાથ વિના શાળાએ જવા દેતું નથી.
એક ટ્રેન ગયા પછી પાટા પર હજુ પણ કંપારી આવી રહી છે, ત્યારે લોકો બીજી ટ્રેન આવી જાય તે પહેલાં ફટાફટ પાટા ઓળંગી રહ્યાં છે. પાળ પર કેટલાક બાળકો સરકતા-કૂદતા-લંગડી લેતા જઈ રહ્યા છે; નાનેરાઓને તેડીને પાળ પરથી ઉતાવળે પસાર કરવામાં આવે છે. પાછળ રહી ગયેલાઓને ઉતાવળ કરવાનું કહેવાય છે. તે મેલા, ગંઠાયેલા, તડકાથી કાળા પડી ગયેલા, ઉઘાડા, અને થોડું પણ ચાલવા થાકી ગયેલા પગ માટે તે 25 મિનિટની કઠીન યાત્રા છે.
*****
બારાબંકી અને પુરુણા માણતિરાની પ્રાથમિક શાળાઓ ઓડિશામાં બંધ થયેલી લગભગ 9,000 શાળાઓમાંની એક છે – તે માટે સત્તાવારરીતે ‘એકત્રીકરણ’ કે પડોશી ગામની શાળા સાથે ‘જોડાયેલ’ શબ્દ વપરાય છે. આ બધું શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કેન્દ્ર સરકારના કાર્યક્રમ ‘માનવ મૂડીના પરિવર્તન માટે ટકાઉ પગલાં (સાથ)’ હેઠળ થઈ રહ્યું છે.
2018 પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના એક પ્રકાશન અનુસાર , તેનો હેતુ “સમગ્ર સરકારી શાળા શિક્ષણ પ્રણાલીને દરેક બાળક માટે પ્રતિભાવશીલ, મહત્વાકાંક્ષી અને પરિવર્તનશીલ” બનાવવાનો હતો.
બારાબંકી, કે જ્યાં ગામની શાળા બંધ થઈ હતી, ત્યાં તે ‘પરિવર્તન’ થોડું અલગ હતું. ગામમાં એક ડિપ્લોમા ધારક હતો, બારમા ધોરણ સુધી ભણેલા કેટલાક હતા, અને ઘણા મેટ્રિકમાં નાપાસ થયેલા હતા. હાલ જેનું અસ્તિત્વમાં નથી તે શાળાની વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ, કિશોર બેહરા કહે છે, “હવે અમારી પાસે આવા લોકો પણ નહીં હોય.”
પડોશી ગામની પસંદ કરેલી શાળા સાથે પ્રાથમિક શાળાઓનું ‘એકત્રીકરણ’ એ ખૂબ જ ઓછી સંખ્યાવાળા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓ બંધ કરવા માટે એક સૌમ્યોક્તિ છે. નીતિ આયોગના તત્કાલિન સી.ઈ.ઓ. અમિતાભ કાન્તે સાથ-ઇ પરના નવેમ્બર 2021ના અહેવાલમાં એકત્રીકરણ (અથવા શાળા બંધ થવા)ને “સાહસિક અને નવી પહેલ કરનાર સુધારાઓ” પૈકી એક તરીકે વર્ણવ્યું હતું.
યુવાન સિદ્ધાર્થ મલિક ચકુઆમાં આવેલી તેમની શાળાએ જવા માટે દરરોજ લાંબા અંતર સુધી ચાલવાથી તેમના પગમાં થતી પીડાનું વર્ણન કરવા અલગ શબ્દો વાપરે છે. તેમના પિતા, દીપક કહે છે કે તેને ઘણીવાર શાળા છૂટી જાય છે.
ભારતમાં લગભગ 11 લાખ સરકારી શાળાઓમાંથી, આશરે 4 લાખમાં 50 કરતાં ઓછા વિદ્યાર્થીઓ છે, અને 1.1 લાખ શાળાઓમાં 20 કરતાં ઓછા વિદ્યાર્થીઓ છે. સાથ-ઇ અહેવાલમાં તેમને “પેટા-ક્રમિક શાળાઓ” તરીકે ઉલ્લેખીત કરવામાં આવી છે અને તેમની ખામીઓને સૂચિબદ્ધ કરવામાં આવી છે: વિષય-વિશિષ્ટ નિપુણતા વગરના શિક્ષકો, સમર્પિત આચાર્યોનો અભાવ, અને રમતના મેદાનો, સીમારેખા પરની દિવાલો, અને પુસ્તકાલયોની ગેરહાજરી.
પરંતુ પુરુણા માણતિરામાં બાળકોનાં માતા-પિતા નિર્દેશ કરે છે કે તેમની પોતાની શાળામાં વધારાની સુવિધાઓ બનાવી શકાઈ હોત.
ચકુઆની શાળામાં પુસ્તકાલય છે કે કેમ તે અંગે કોઈને ખાતરી નથી; તેમાં સીમારેખા પર એક દિવાલ ચોક્ક્સપણે છે, જે તેમની જૂની શાળામાં ન હતી.
ઓડિશામાં, હાલમાં સાથ-ઇ પ્રોજેક્ટનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. આ તબક્કામાં “એકત્રીકરણ” માટે કુલ 15,000 શાળાઓની ઓળખ કરવામાં આવી છે.
*****
જિલી દેહુરી જેમ જેમ ઘરની નજીક પહોંચે છે તેમ તેમ તેઓ તેમની સાયકલને ચઢાવ પર ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. બારાબંકીમાં તેમના ગામમાં, આંબાના મોટા ઝાડની છાયામાં નારંગી તાડપત્રી પથરાયેલી છે. વાલીઓ અહીં શાળાની સમસ્યા અંગે ચર્ચા કરવા એકત્ર થયાં છે. જિલી થાકીને ત્યાં પહોંચે છે.
બારાબંકીના ઉચ્ચ પ્રાથમિક શાળાના અને આગળના વર્ગોના વિદ્યાર્થીઓ (11 થી 16 વર્ષની વયના) 3.5 કિમી દૂર જમુપાસીમાં આવેલ શાળામાં જાય છે. કિશોર બેહરા કહે છે કે બપોરના તડકામાં ચાલવાથી અને સાયકલ ચલાવવાથી તે બાળકોને થાક લાગે છે. તેમના ભાઈની દીકરી, કે જેણે મહામારી પછી 2022માં પાંચમા ધોરણમાં ભણવાનું શરૂ કર્યું હતું તેથી તે ચાલીને લાંબી મુસાફરી કરવાથી અજાણ હતી, અને તે પાછલા અઠવાડિયે ઘેર ચાલીને આવતી વખતે બેહોશ થઈ ગઈ હતી. જામુપાસીના અજાણ્યા લોકોએ તેને મોટરબાઈક પર ઘેર લાવવી પડી હતી.
કિશોરે કહે છે, “ન તો અમારા બાળકો પાસે મોબાઈલ ફોન છે, કે ન તો શાળાઓમાં કટોકટી સમયે સંપર્ક કરવા માટે માતાપિતાના ફોન નંબરો રાખવાની કોઈ પ્રથા છે.”
જાજપુર જિલ્લાના સુકિંદા અને દાનાગડી તાલુકામાં, દૂરના ગામડાઓમાં સંખ્યાબંધ માતા-પિતા શાળામાં લાંબા અંતરની મુસાફરી કરવાના જોખમો વિષે વાત કરે છે. તે મુસાફરીમાં ગાઢ જંગલો અને વ્યસ્ત હાઇવે આવે છે, તથા રેલ્વેના પાટા, એક ઢોળાવવાળી ટેકરી, ચોમાસાના વરસાદથી છલકાઈ ગયેલા રસ્તાઓ હોય છે અને જંગલી કૂતરાઓ જ્યાં હોય છે તે ગામના રસ્તાઓ અને હાથીઓના ટોળાઓ આવે છે તેવા ખેતરોમાંથી પસાર થવું પડે છે.
સાથ-ઇ પરનો અહેવાલ કહે છે કે બંધ થવા માટે સૂચિબદ્ધ શાળાઓથી સંભવિત નવી શાળાઓનું અંતર માપવા માટે ભૌગોલિક માહિતી પ્રણાલી (જી.આઇ.એસ.) ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે, જી.આઇ.એસ. આધારિત અંતરોની ગાણિતિક ગણતરીઓ આ જમીન પરની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતી નથી.
પુરુણા માણતિરાના પંચાયત વોર્ડનાં ભૂતપૂર્વ સભ્ય ગીતા મલિક કહે છે કે માતાઓને ટ્રેન અને લાંબા અંતરથી મુસાફરી સિવાય પણ બીજી ચિંતાઓ હોય છે. “તાજેતરના વર્ષોમાં હવામાન અણધાર્યું રહ્યું છે. ચોમાસામાં, ક્યારેક સવારે તડકો હોય છે અને શાળા બંધ થાય ત્યાં સુધીમાં તો તોફાન આવે છે. આવા સંજોગોમાં તમે બાળકને બીજા ગામમાં કેવી રીતે મોકલશો?”
ગીતાને બે છોકરાઓ છે, એક 11 વર્ષનો અને છઠ્ઠા ધોરણમાં ભણતો છોકરો, અને એક છ વર્ષનો જેણે હમણાં જ શાળાએ જવાનું શરૂ કર્યું છે. તેમનો પરિવાર ભાગચશી (ગણોતિયા) છે અને તેઓ ઈચ્છે છે કે તેમના છોકરાઓ તેમના કરતાં વધુ સારું કરે, અને સારી કમાણી કરે અને ખેતીની જમીનનો પોતાનો પટ્ટો ખરીદે.
આંબાના ઝાડ નીચે ભેગા થયેલા બધા વાલીઓએ સ્વીકાર્યું કે જ્યારે તેમના ગામની પ્રાથમિક શાળા બંધ થઈ ગઈ ત્યારે તેમના બાળકોએ શાળાએ જવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું અથવા તો અનિયમિત થઈ ગયા હતા. કેટલાક બાળકોએ તો મહિનામાં 15 દિવસ સુધી શાળાએ જવાનું બંધ કરી દીધું હતું.
પુરુણા માણતિરામાં, જ્યારે શાળા બંધ થઈ ત્યારે 6 વર્ષથી નાના બાળકો માટેનું આંગણવાડી કેન્દ્ર પણ શાળા સંકુલની બહાર ખસેડવામાં આવ્યું હતું અને હવે તે લગભગ 3 કિમી દૂર છે.
*****
ઘણા લોકો માટે ગામડાની શાળા પ્રગતિનું પ્રતીક છે; શક્યતાઓ અને પરિપૂર્ણ આકાંક્ષાઓનું પ્રતીક ચિહ્ન.
માધવ મલિક એક દૈનિક મજૂર છે, જેમણે છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ કહે છે કે 2014માં પુરુણા માણતિરા ગામમાં એક શાળાનું નિર્માણ થવું એ તેમના પુત્રો, મનોજ અને દેવાશિષ માટે વધુ સારા વર્ષોના આગમનની જાહેરાત કરવા જેવું લાગતું હતું, “અમે અમારી શાળાની ખૂબ કાળજી લીધી હતી, કારણ કે તે અમારી આશાનું પ્રતીક હતું.”
હાલમાં બંધ થયેલી સરકારી પ્રાથમિક શાળાના વર્ગખંડોમાં એક પણ ડાઘ નથી અને ખૂબ ચોખ્ખા છે. દિવાલો સફેદ અને વાદળી રંગથી રંગવામાં આવી છે અને ઓડિયા મૂળાક્ષરો, અંકો અને ચિત્રો દર્શાવતા ચાર્ટથી ભરેલી છે. એક દિવાલ પર કાળું પાટીયું દોરવામાં આવ્યું છે. વર્ગો સ્થગિત થતાં, ગ્રામજનોએ નક્કી કર્યું કે સામુદાયિક પ્રાર્થના માટે ઉપલબ્ધ બધી જગ્યાઓમાં શાળા સૌથી પવિત્ર જગ્યા છે; એક વર્ગખંડ હવે કીર્તન (ભક્તિ ગીતો) માટે ભેગા થવા માટેના એક સ્થળમાં ફેરવાઈ ગયો છે. દેવતાના ફ્રેમવાળા ચિત્રની બાજુમાં પિત્તળના વાસણો દિવાલ સામે ગોઠવાયેલા છે.
શાળાની સંભાળ રાખવા ઉપરાંત, પુરુણા માણતિરાના રહેવાસીઓ તેમના બાળકોને યોગ્ય શિક્ષણ મળતું રહે તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. તેઓએ ગામના દરેક વિદ્યાર્થી માટે ટ્યુશન ક્લાસનું આયોજન કર્યું છે, જેનું સંચાલન એક શિક્ષક દ્વારા કરવામાં આવે છે જે 2 કિમી દૂર બીજા ગામમાંથી સાયકલ ચલાવીને આવે છે. દીપક કહે છે, ઘણીવાર વરસાદના દિવસોમાં, જ્યારે મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયું હોય ત્યારે તેઓ અને બીજા એક રહેવાસી ટ્યુશનના શિક્ષકને મોટરબાઈક લેવા જાય છે, જેથી વરસાદનું પાણી ભરાઈ જવાને કારણે ટ્યુશન ક્લાસમાં રજા ન પડે. ટ્યુશન ક્લાસ તેમની જૂની શાળામાં યોજાય છે, જેમાં દરેક પરિવાર શિક્ષકને દરમહિને 250 થી 400 રૂપિયા આપે છે.
દીપક કહે છે, “લગભગ બધું જ ભણતર અહીં ટ્યુશન ક્લાસમાં થાય છે.”
બહાર, પૂરજોશમાં ખિલેલા પલાશના ઝાડના છાંયડામાં, રહેવાસીઓ વિચારણા કરે છે કે શાળા બંધ થવાથી શું થશે. ચોમાસામાં બ્રહ્માણીમાં પૂર આવે છે ત્યારે પુરુણા માણતિરા જવું પડકારજનક થઈ પડે છે. રહેવાસીઓએ એવી તબીબી કટોકટીઓનો અનુભવ કર્યો છે, જ્યારે એમ્બ્યુલન્સ આવી શકતી ન હતી, અને વીજ પુરવઠો પણ ન હતો.
માધવ કહે છે, “શાળા બંધ થવી એ બાબતના સંકેત છે કે હવે અમે પાછળ સરકી રહ્યા છીએ, અને એ કે પરિસ્થિતિ હજુ વધુ ખરાબ થશે.”
સાથ-ઇ પ્રોજેક્ટમાં કેન્દ્ર સરકારની ભાગીદાર વૈશ્વિક સલાહકાર પેઢી બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ (બી.સી.જી.)એ તેને “ શિક્ષણવ્યવસ્થામાં આમુલ પરિવર્તન કરનાર પ્રોગ્રામ ” તરીકે ઓળખાવ્યો છે, જેમાં શિક્ષણમાં સુધરેલા પરિણામો જોવા મળે છે.
પરંતુ જાજપુરના આ બે બ્લોકમાં અને ઓડિશાના અન્ય સ્થળોએ ગામે-ગામે, વાલીઓ કહે છે કે શાળાઓ બંધ થવાને કારણે શિક્ષણ મેળવવું એ પણ એક પડકાર બની ગયું છે.
ગુંડુચીપસી ગામમાં 1954માં એક શાળા બની હતી. સુકિંદા બ્લોકમાં ખરડી પહાડી જંગલ વિસ્તારમાં આવેલું આ ગામ સંપૂર્ણ રીતે સાબર સમુદાયની આખી વસ્તી, જેમને શાબર અથવા સાવર તરીકે પણ ઓળખવામાં આવે છે અને રાજ્યમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ છે.
તેમના બત્રીસ બાળકો સ્થાનિક ગામની સરકારી પ્રાથમિક શાળા બંધ થઈ તે પહેલાં ત્યાં ભણતા હતા. એકવાર શાળાઓ ફરી ખૂલ્યા પછી, બાળકોએ પડોશી ખરડી ગામમાં ચાલતા જવું પડ્યું. જો કોઈ જંગલમાંથી ત્યાં જાય, તો તે અંતર ફક્ત એક કિલોમીટર જ છે. વૈકલ્પિક રીતે, ત્યાં એક વ્યસ્ત મુખ્ય માર્ગ છે, જે નાના બાળકો માટે જોખમી રસ્તો છે.
હાજરીમાં ઘટાડો થયો છે, ત્યારે માતા-પિતા સ્વીકારે છે કે અહીં સલામતી અને મધ્યાહ્ન ભોજન વચ્ચે એકની પસંદગી કરવું પડે તેમ છે.
બીજા ધોરણમાં ભણતાં ઓમ દેહુરી, અને પહેલા ધોરણમાં ભણતા સૂરજપ્રકાશ નાયક કહે છે કે, તેઓ શાળાએ સાથે જાય છે. તેઓ પ્લાસ્ટિકની બોટલોમાં પાણી લઈ જાય છે પરંતુ તેમની પાસે ન તો નાસ્તો છે કે, ન તો નાસ્તા માટે કોઈ પૈસા છે. ત્રીજા ધોરણમાં ભણતાં રાની બારીક કહે છે કે, તેમને મુસાફરીમાં એક કલાકનો સમય લાગે છે, પરંતુ તે એટલા માટે કે તે આળસથી ધીમે ધીમે જાય છે અને તેમની પાછળ રહી ગયેલી સહેલીઓની વાટ જૂએ છે.
રાનીનાં દાદી બકોટી બારીક કહે છે કે તેઓ સમજી શકતાં નથી કે તેમની છ દાયકા જૂની શાળા બંધ કરીને બાળકોને જંગલ માર્ગે પડોશી ગામમાં મોકલવાનો વિચાર કઈ રીતે અર્થપૂર્ણ હોઈ શકે. તેઓ પૂછે છે, “ત્યાં કૂતરા અને સાપ હોય છે, કેટલીકવાર રીંછ પણ હોય છે. શું તમારા શહેરનાં માતા-પિતા માનશે કે આવો રસ્તો શાળાએ જવા સલામત છે?”
સાતમા અને આઠમા ધોરણના બાળકોએ હવે તેમનાથી નાના બાળકોને શાળાએ લાવવા લઈ જવાની જવાબદારી સંભાળી લીધી છે. સાતમા ધોરણમાં સુભાશ્રી બેહરાને તેમના બે નાના પિતરાઈઓ ભૂમિકા અને ઓમ દેહુરીનું ધ્યાન રાખવામાં મૂશ્કેલી પડી રહી છે. તેઓ કહે છે, “તેઓ દર વખતે અમારી વાતો પર ધ્યાન નથી આપતા. જો તેઓ ભાગી જાય, તો બધાંને પકડવા સહેલું કામ નથી.”
મમીના પ્રધાનનાં બાળકો – સાતમા ધોરણમાં ભણતા રાજેશ અને પાંચમા ધોરણમાં ભણતાં લીજા – નવી શાળામાં ચાલીને જાય છે. ઈંટો અને ઘાસથી બનેલા તેમના કાચા મકાનમાં બેસેલાં આ દૈનિક મજૂર કહે છે, “ બાળકોએ લગભગ એક કલાક સુધી ચાલવું પડે છે, પરંતુ અમારી પાસે બીજો શું વિકલ્પ છે?” તેઓ અને તેમના પતિ મહંતો ખેતીની મોસમમાં અન્ય લોકોની જમીન પર કામ કરે છે અને તે સિવાયના સમયમાં ખેતી સિવાયનું કામ કરે છે.
વાલીઓ કહે છે કે ગુંડુચીપસીમાં આવેલ તેમની શાળામાં શિક્ષણની ગુણવત્તા ઘણી સારી હતી. ગામના મુખી 68 વર્ષીય ગોલકચંદ્ર પ્રધાન કહે છે, “ અહીં અમારા બાળકોને શિક્ષકો પ્રત્યે વ્યક્તિગત ધ્યાન મળતું હતું. [નવી શાળામાં], અમારા બાળકોને વર્ગખંડની પાછળ બેસાડવામાં આવે છે.”
સુકિંદા બ્લોકમાં આવેલ નજીકના સાઆંતરાપુર ગામમાં પણ, પ્રાથમિક શાળા 2019માં બંધ થઈ ગઈ હતી. બાળકો હવે જામ્મુ પસીમાં આવેલ શાળામાં 1.5 કિમી ચાલીને જાય છે. અગિયાર વર્ષીય સચિન મલિક તેનો પીછો કરી રહેલા જંગલી કૂતરાથી બચવાના પ્રયાસમાં તળાવમાં પડી ગયો હતો. સચિનના 21 વર્ષીય મોટા ભાઈ સૌરવ, કે જેઓ 10 કિમી દૂર દુબરીમાં એક સ્ટીલ પ્લાન્ટમાં કામ કરે છે કહે છે, “તે 2021ના અંતમાં થયું હતું. બે મોટા છોકરાઓએ તેને ડૂબતા બચાવ્યો હતો, પરંતુ તે દિવસે બધા એટલા ગભરાઈ ગયા કે બીજા દિવસે ગામના કેટલાય બાળકો શાળાએ નહોતા ગયા.”
જામ્મુ પસીની શાળામાં મધ્યાહન ભોજનના રસોઈયાનાં મદદગાર તરીકે કામ કરતાં વિધવા લાબન્ય મલિક કહે છે કે સાઆંતરાપુર-જામ્મુ પસી માર્ગ પરના જંગલી કૂતરાઓ મોટી વયના લોકો પર પણ હુમલો કરે છે. તેઓ આગળ કહે છે, “ તે 15-20 કૂતરાઓનું ટોળું હોય છે. એકવારે જ્યારે તેઓએ મારો પીછો કર્યો ત્યારે હું એકવાર મારા ચહેરા પર પડી હતી, અને એક કૂતરાએ આખરે મારી ઉપર તરાપ મારી હતી, અને મારા પગ પર બચકું ભર્યું હતું.”
સાઆંતરાપુરના 93 પરિવારોમાં રહેવાસીઓ મુખ્યત્વે અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગના પરિવારોના છે. ગામની પ્રાથમિક શાળા બંધ થઈ ત્યારે ત્યાં 28 બાળકો ભણતા હતા. હવે ગામમાંથી માત્ર 8-10 બાળકો જ નિયમિતપણે શાળાએ જાય છે.
સાઆંતરાપુરનાં ગંગા મલિક, જામ્મુ પસીમાં છઠ્ઠા ધોરણમાં ભણે છે. તેઓ એકવાર જંગલમાર્ગે એક કિનારાના મોસમી તળાવમાં પડ્યાં પછી શાળાએ જવાનું બંધ કરી દીધું હતું. તેમના પિતા સુશાંત મલિક, કે જેઓ એક દૈનિક મજૂર છે, તેઓ આ ઘટનાને યાદ કરે છે: “તે તળાવમાં તેનો ચહેરો ધોતી હતી ત્યારે તે લપસી ગઈ હતી. જ્યારે તેને બચાવી લેવામાં આવી ત્યારે તો તે ડૂબી જવાની અણી પર હતી. તે પછી તે ઘણીવાર શાળામાં રજા પાડવા લાગી હતી.”
હકીકતે, ગંગા તેની અંતિમ પરીક્ષા માટે શાળામાં જવાની હિંમત કરી શકી ન હતી, પરંતુ કહે છે, “મને ગમે તેમ કરીને બઢતી આપવામાં આવી હતી.”
આ પત્રકાર તેમની મદદ બદલ એસ્પાયર-ઈન્ડિયાના સ્ટાફનો આભાર માનવા માંગે છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ