"મારી બાંધેલી એકેએક ઝોપડી ઓછામાં ઓછા 70 વર્ષ ટકે છે."
વિષ્ણુ ભોસલે પાસે એક અનોખું કૌશલ્ય છે - તેઓ કોલ્હાપુર જિલ્લાના જાંભલી ગામમાં રહેતા એક ઝોપડી (પરંપરાગત ઝૂંપડી) બનાવનાર છે.
68 વર્ષના આ વૃદ્ધ લાકડાના માળખા અને સૂકા ઘાસથી ઝૂંપડી બાંધવાની કળા તેમના પિતા સ્વર્ગસ્થ ગુંડુ પાસેથી શીખ્યા હતા. તેમણે 10 થી વધુ ઝોપડીઓ એકલે હાથે બાંધી છે અને લગભગ એટલી જ ઝોપડીઓ બાંધવામાં મદદ કરી છે. તેઓ યાદ કરે છે, "અમે [સામાન્ય રીતે] ઉનાળામાં જ ઝોપડીઓ બનાવતા હતા કારણ કે [તે વખતે] અમારી પાસે ખેતરોમાં ઝાઝું કામ રહેતું નહોતું." તેઓ ઉમેરે છે, "પહેલા લોકોમાં ઝોપડી બાંધવા માટે ખૂબ ઉત્સાહ રહેતો."
જાંભલીમાં આવી સો કરતાં વધુ ઝૂંપડીઓ હતી ત્યારનો, 1960 ના દાયકાની આસપાસનો સમય યાદ કરતા વિષ્ણુ કહે છે કે મિત્રો એકબીજાને મદદ કરતા અને આસપાસમાં મળી રહેતી સામગ્રીનો ઉપયોગ કરતા. તેઓ કહે છે, "અમે ઝોપડી બનાવવામાં એક રુપિયોય ખર્ચ્યો નથી. કોઈનેય એ પોસાય તેમ જ ક્યાં હતું?" અને ઉમેરે છે, "લોકો ત્રણ-ત્રણ મહિના સુધી રાહ જોવા માટે તૈયાર હતા, પરંતુ જ્યારે તેમની પાસે [બધું] જરૂરી સાહિત્ય [સામગ્રી] ભેગું થાય એ પછી જ તેઓ બાંધવાનું શરૂ કરતા."
સદીના અંત સુધીમાં 4963 લોકોની વસ્તીવાળા (વસ્તીગણતરી 2011) આ ગામમાં લાકડાના અને સૂકા ઘાસ છાયેલા છાપરાવાળી ઝોપડીઓનું સ્થાન ઈંટ, સિમેન્ટ અને પતરાના બનેલા ઘરોએ લઈ લીધું હતું. પહેલા સ્થાનિક કુંભારોએ બનાવેલા ખાપરી કૌલુ (નળિયાં) અથવા કુંભારી કૌલુ અને પછી મશીનથી બનાવેલા વધુ મજબૂત અને ટકાઉ બેંગલોર કૌલુ આવતા ઝોપડીઓએ પોતાનું સ્થાન ગુમાવ્યું.
જ્યારે ઝોપડીનું છાપરું સૂકા ઘાસથી છાવામાં પડતી મહેનતની સરખામણીમાં નળિયાની છત લગાવવાનું સરળ અને ઝડપી હતું અને તેમાં જાળવણીની ખાસ જરૂર નહોતી રહેતી. છેવટે પાકાં મકાનો બનાવવા માટે સિમેન્ટ અને ઈંટો આવ્યા પછી ઝોપડીનો અંત નિશ્ચિત બન્યો અને ઝોપડી બાંધવાનું સાવ પડી ભાંગ્યું. જાંભલીના લોકો તેમની ઝોપડીઓ છોડી દેવા માંડ્યા અને આજે ગામમાં માંડ આંગળીને વેઢે ગણી શકાય એટલી જ ઝોંપડીઓ બચી છે.
વિષ્ણુ કહે છે, "હવે ગામમાં કોઈ ઝોપડી ભાગ્યે જ જોવા મળે છે. થોડા વર્ષોમાં આપણી પાસે એકેય પરંપરાગત ઝોપડી નહીં રહે કારણ કોઈને એની સંભાળ રાખવી નથી."





























