૨૦૧૫માં, ૨૮ વર્ષની ઉંમરે ચિત્તરંજન રે પશ્ચિમ બંગાળના ગદંગ ગામમાંથી છેક દૂર કેરલમાં સારા વેતનની શોધમાં આવ્યા હતા. તેમણે રાજ્યમાં જુદી-જુદી જગ્યાઓએ કડિયા કામ કરી, થોડા પૈસા ભેગા કર્યા અને ભાડે આપેલી ૮ વીઘા જમીનમાં ખેતી કરવા ગામડે પાછા આવ્યા. પહેલાં તેમણે પરિવારની જમીન પર કામ કર્યું, પછી પોતાની જમીન પર બટાકાંની ખેતી કરીને નસીબ અજમાવવા માંગતા હતા.
“જમીન પર પહેલીવાર ખેતી કરવામાં આવી રહી હતી, એટલે તેમાં વધારે મહેનત અને રોકાણની જરૂર હતી”, ૫૦ વર્ષિય તેમના કાકા, ખેડુત ઉત્તમ રે કહે છે. “સારી ખેતીથી નફો કમાવવાની આશાએ, ચિત્તરંજને સ્થાનિક નાણા ધીરનારાઓ અને બેંક પાસેથી થોડી-થોડી કરીને અને “ખૂબ ઊંચા દરે”, લગભગ પાંચ લાખ રૂપિયાની લોન લીધી હતી.”, ઉત્તમ રાય કહે છે. પણ પછી, ૨૦૧૭માં, ખૂબ જ વરસાદના કારણે જમીનોમાં પાણી ભરાઈ ગયું અને પાક નિષ્ફળ ગયો. આ નુકસાન સહન ના કરી શક્યો એટલે, તે વર્ષની ૩૧ જુલાઈએ ૩૦ વર્ષના ચિત્તરંજને ફાંસો ખાઈ લીધો.
જલપાઇગુરી જિલ્લાના ધુપગુરી વિસ્તાર સ્થિત, પાંચ વીઘામાં (૧ વીઘો એટલે ૦.૩૩ એકર) બટાકાં, ડાંગર અને શણની ખેતી કરતા, તે જ ગામના એક ખેડૂત, ચિંતામોહન રોય કહે છે, “તેના માતાપિતાને તેના લગ્ન કરાવવાની ઉતાવળ હતી. તે બૅંકથી લોન લેવા માટે હકદાર ન હતો, એટલે તેના વતિ તેના પિતાએ આ લોન લીધી હતી.” તેમના પુત્રના આપઘાત પછી, ૬૦ વર્ષના પિતા દેવું ભરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, અને તેની માતા બીમાર છે.
ચિંતામોહનના ઘરમાં પણ હાલમાં એક આત્મ હત્યા થઈ છે. તેઓ કહે છે, “મારો ભાઈ એક સીધો માણસ હતો, તે દુર્દશા સહન કરી શક્યો નહિં, અને ૨૩ જુન, ૨૦૧૯ના રોજ જંતુનાશક દવા પીને આત્મ હત્યા કરી લીધી.” તેનો ભાઈ ગંગાધર ૫૧ વર્ષનો હતો.
૫૪ વર્ષિય ચિંતામોહન રોય આગળ કહે છે, “તે પોતાની પાંચ વીઘા જમીનમાં બટાકાંની ખેતી કરતો હતો. તેણે બેંકો, અંગત નાણા ધીરનાર અને ઇનપુટ ડીલરો પાસેથી પણ લોન લીધી હતી. છેલ્લા ઘણા સમયથી નુકસાન ઉપર નુકસાન થતું હતું, આખરે પરિસ્થિતિ એટલી કપરી બની ગઈ કે તે સહન ન કરી શક્યો...”
ગંગાધરની મોટા ભાગની જમીન અંગત નાણા ધીરનારાઓ પાસે ગીરો મૂકેલ છે. તેનું કુલ દેવું પાંચ લાખ રૂપિયા છે. તેની વિધવા ગૃહિણી છે, એને ત્રણ દીકરીઓ છે અને સૌથી મોટી કોલેજમાં ભણે છે. “ અમે બધા ભાઈઓ અને ગંગાધરના સસરા પક્ષવાળા ભેગા થઈને ગમે તેમ કરી તેમને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાના પ્રયાસ કરીએ છીએ.”, ચિંતામોહન કહે છે.







