મારા કાકી,-મારા પિતાના ભાઈની પત્ની- જયશ્રી પારેદ વાદળછાયું આકાશ તરફ નજર કરી ને મને કહી રહ્યા હતા, “આ વર્ષે ઘણો વરસાદ પડ્યો હતો. તેથી મેં વિચાર્યું કે નદીનું પાણી લાંબું ચાલશે. મેં મારા પતિને ગામમાં રોકાઈ જવાનું કહ્યું. અમે થોડી વધુ શાકભાજી ઉગાડી શકતા હતા. મજૂરી માટે સ્થળાંતર કરવા કરતાં પોતાના ખેતરમાં કામ કરવું વધારે સારું છે. પરંતુ જુઓ, શું થયું? શિયાળો આવી ગયો છે, પરંતુ હવામાં કોઈ ઠંડક નથી. ચોમાસું પુરૂં થઈ ગયું છે, પરંતુ આકાશ હજી પણ સાફ થયું નથી. અને મારી મેથી સુકાઈ જવાની આરે છે, પાલકની પણ આજ હાલત છે. ગઈકાલ સુધી રાઈનો છોડ બરાબર હતો, પરંતુ આજે તેમાં પણ જીવાત લાગી ચૂકી છે. અમે શું કરીએ?”. આ નવેમ્બર ૨૦૧૯ ની વાત છે. મારી સાથે વાત કરતી વખતે કાકી ચેપગ્રસ્ત છોડને ઉખેડતી રહી.
કાકીએ પોતાની વાત આગળ કરતાં કહ્યું, “હવામાન બદલાઈ ગયું છે. અમને પૂરતા તડકા(ધૂપ)ના દિવસો નથી મળતા. તેનાથી આ બધું [ઉપદ્રવ] થયું છે. આ રસાયણો [જંતુનાશકો] વેચતા દુકાનદાર પણ આ જ કહે છે. મને ખાતરી છે કે તે આ વિશે ઘણું જાણે છે?” સહમતી આપવા મારી હકારની રાહ જોતાં તેમણે કહ્યું. તેમને ચિંતા થઈ રહી હતી કે આ રોગ તેમના આખા ખેતર માં ફેલાઈ જશે અને બધી શાકભાજી કરમાઈ જશે. “કાદવથી ભરેલ આ ખેતરના આ કટકામાંથી શાકભાજી વેચીને ૨૦૦-૨૫૦ કમાતી હતી. પરંતુ તેમાંના મોટાભાગના અંકુરણ થવાની સાથે કરમાઇ ગયા. હવે જે વધ્યું છે, તે પણ કરમાઈ રહ્યું છે. મને ખૂબ ચિંતા છે કારણ કે મને ખબર નથી કે આમાંથી હું કેટલી કમાણી કરીશ. ઘેવડા અને વાલ ફૂલતાં હતાં, પણ પછી બધાં ફૂલો કરમાઈ ગયા અને પડી ગયાં. કઠોળ પણ ચેપગ્રસ્ત છે”.
તે આ શાકભાજીને ટોકરીમાં માથા ઉપર મૂકીને બે કિલોમીટર દૂર, ગણેશપૂર લઈ જઈ, ત્યાં શેરીના કાંઠે બેસીને શાકભાજીનું વેચાણ કરે છે, અથવા કેટલીકવાર બસમાં વસઇના બજારોમાં લઈ જાય છે; આથી મારા કાકા અને કાકીની કમાણી લગભગ એક અઠવાડિયામાં વધુમાં વધુ રૂ. ૧૦૦૦ સુધી થઈ જાય છે. તે તેમની આવકનો એકમાત્ર સ્રોત છે.






