નુસરત બન્નોએ સ્ત્રીઓને કિશોરાવસ્થામાં બાળકો પેદા ન કરવા માટે તૈયાર મનાવી લીધી છે. તે સ્ત્રીઓને ગર્ભનિરોધકોના ઉપયોગ શરૂ કરવા દેવા માટે નુસરત બન્નો એમના સાસરિયાઓ સાથે પણ લડ્યા છે અને પ્રસુતિ માટે તેઓ સ્ત્રીઓને હોસ્પિટલમાં પણ લઇ ગયા છે. પણ બિહારના અરેરિયા જિલ્લાના રામપુર ગામમાં રહેતા માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર – (આશા) ૩૫ વર્ષીય નુસરત કહે છે કે તેમના કામમાં સૌથી અઘરું કામ પુરૂષોને નસબંધી કરાવવા માટે તૈયાર કરવાનું છે.
નુસરતે અમને કહ્યું કે ફોર્બસગંજ બ્લોકના ૩,૪૦૦ લોકોની વસ્તીવાળા ગામમાંથી “ગયા વર્ષે [૨૦૧૮માં] ફક્ત એક જ માણસ નસબંધી માટે તૈયાર થયો હતો.” અને આ ચાર છોકરાંની મા હસતા હસતા કહે છે, “તેમની નસબંધી થઇ ગઈ ત્યારે તેમની પત્ની મને ચપ્પલ લઈને મારવા આવી.”
નસબંધીને લઈને રામપુર જેવી જ આનાકાની બિહારના બીજા ગામોમાં પણ છે. વિનય કુમાર ગયા વર્ષે બિહાર સરકાર દ્વારા દર વર્ષે નવેમ્બર મહિનામાં રાજ્યભરમાં આયોજિત કરવામાં આવતા આગામી નસબંધી સપ્તાહના પ્રચારનું બીજું ચરણ શરૂ કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમણે મને કહ્યું, “એમનો સૌથી મોટો ડર છે કે બીજા પુરુષો તેમની ઠેકડી ઉડાડશે. તેઓ એવું પણ માને છે કે તેઓ કમજોર થઇ જશે અને ફરીવાર યૌનક્રિયા નહીં કરી શકે. આ બધી માન્યતાઓ ખોટી છે.”
૩૮ વર્ષીય કુમારે ગયા વર્ષે જહાનાબાદના મખ્દૂમપુર બ્લોકમાં આવેલા લગભગ ૩૪૦૦ લોકોની વસ્તીવાળા ગામ બિર્રામાં સરકાર દ્વારા નિયુક્ત ‘વિકાસ મિત્ર’ તરીકે ફરજ બજાવી હતી. તેમનું કામ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત વિભિન્ન યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવવાનું અને એમને લાગુ કરવાનું હતું. તેમના કામમાં પુરૂષોને નસબંધી માટે મનાવવાનું ખૂબ જ અઘરું કામ પણ શામેલ હતું - આમાં એક નાનકડી શસ્ત્રક્રિયા દ્વારા પુરુષની વૃષણની શુક્રાણુ-વાહિની નલિકા બાંધવામાં કે સીલ કરવામાં આવે છે.
બિહારમાં એનએફએચએસ-૩ (૨૦૦૫-૦૬) મુજબનો 0.6% જેટલો નજીવો પુરુષ નસબંધીનો દર ઘટીને એનએફએચએસ-૪ (૨૦૧૫-૧૬)માં 0% થઈ ગયો. બિહારમાં આ સમય દરમિયાન સ્ત્રી નસબંધીમાં પણ ઘટાડો નોંધાયો છે. હાલ ૧૫થી ૪૯ વર્ષની વયજૂથની પરણિત સ્ત્રીઓમાં આ આંકડો 23.8% થી ઘટીને 20.7% થઇ ગયો છે - પણ પુરુષોની સરખામણીમાં આ આંકડો ઘણો વધારે છે.
બિહારના આંકડા આખા દેશમાં જોવા મળતા વલણને પ્રતિબિંબિત કરે છે. એનએફએચએસ-૪ ના આંકડાઓ મુજબ, હાલ પરણિત સ્ત્રીઓ (૧૫-૪૯ વર્ષના વયજૂથમાં) માંથી 36% સ્ત્રીઓએ નસબંધી કરાવી છે, .જ્યારે પરણિત પુરુષોમાં આ આંકડો ફક્ત 0.3% જ છે.
દેશમાં કોન્ડમનો ઉપયોગ પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે. અત્યારે ૧૫-૪૯ વર્ષના વય વયજૂથની પરણિત સ્ત્રીઓમાંથી ફક્ત ૫.૬% સ્ત્રીઓએ જ ગર્ભનિરોધક તરીકે કોન્ડમનો ઉપયોગ કરતા હોવાનું જણાવ્યું.








