તેઓ ખેડૂતો પણ છે. જો તેમની છાતી ચંદ્રકોની હરોળથી ગર્વપૂર્વક સજ્જ ન હોત તો અહીં દિલ્હીના દરવાજે ખેડૂતોની ભીડમાં તેઓ ક્યાંય ખોવાઈ ગયા હોત. તેઓ પીઢ યોદ્ધાઓ છે, તેમને પાકિસ્તાન સાથેના 1965 અને 1971 ના યુદ્ધમાં તેમની બહાદુરી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમાંથી કેટલાક 1980 ના દાયકામાં શ્રીલંકામાં પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ ગુસ્સામાં છે અને દેખીતી વાત છે કે તેમને સૌથી વધારે ગુસ્સો ત્યારે આવે છે જ્યારે સરકાર અને પ્રસાર માધ્યમોના વગદાર વર્ગ દ્વારા આંદોલનકારીઓને ‘રાષ્ટ્રવિરોધી’, ‘આતંકવાદીઓ’ અને ‘ખાલિસ્તાનીઓ’ તરીકે ચીતરીને બદનામ કરવામાં આવે છે.
પંજાબના લુધિયાણા જિલ્લાના ગિલ ગામના (નિવૃત્ત) બ્રિગેડિયર એસ. એસ. ગિલ મને કહે છે, “દુ:ખની વાત છે કે સરકારે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા ખેડૂતો સામે બળનો ઉપયોગ કર્યો. તેઓ દિલ્હી પહોંચવા માગતા હતા, પરંતુ સરકારે તેમને અટકાવ્યા, જે અનૈતિક અને ખોટું હતું. તેઓએ (સરકારે) અવરોધો ઊભા કર્યા, રસ્તા ખોદી નાખ્યા, તેમના પર લાઠીચાર્જ કર્યો અને આ ખેડૂતો પર પાણીની તોપોનો ઉપયોગ કર્યો. શા માટે? કેમ? આમ કરવાનું કારણ શું હતું? ખેડૂતોએ તેમના સંકલ્પના બળે આ તમામ અવરોધોને પાર કરી દીધા છે."
સક્રિય સેવામાં 13 ચંદ્રક જીતનારા 72 વર્ષના પીઢ યોદ્ધા ગિલ 16 સભ્યોના પરિવારમાંથી આવે છે. ગિલ ગામમાં તેમના પરિવારની કેટલાક એકર જમીન છે. તેમણે 1971 ના યુદ્ધમાં અને ત્યારબાદ 1990 ના દાયકામાં પંજાબમાં આતંકવાદ વિરોધી અભિયાન સહિતની અન્ય લશ્કરી કામગીરીમાં સેવા આપી હતી.
બ્રિગેડિયર ગિલ કહે છે કે, "આ કાયદાઓ અંગે ખેડૂતોને ન તો પૂછવામાં આવ્યું છે કે ન તો તેમની સલાહ લેવામાં આવી છે. દિલ્હીના દરવાજે અત્યારે આ વિશ્વની સૌથી મોટી ક્રાંતિ થઈ રહી છે. હું સમજી શકતો નથી કે સરકાર આ કાયદાઓ કેમ રદ નથી કરી રહી, જે તેણે ક્યારના ય રદ કરી દેવા જોઈતા હતા."
લાખો ખેડુતો ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે જે કેન્દ્ર સરકારે અગાઉ 5 મી જૂન, 2020 ના રોજ વટહુકમો તરીકે બહાર પાડ્યા, પછીથી 14 સપ્ટેમ્બરે સંસદમાં કૃષિ ખરડા તરીકે રજૂ કરવામાં આવ્યા અને 20 મી સેપ્ટેમ્બર સુધીમાં કાયદા તરીકે લાદી શકાય તે માટે બળપૂર્વક પસાર કરાવ્યા હતા. આ ત્રણ કાયદાઓ છે:
કૃષિક ઉપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) અધિનિયમ, 2020;
કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર અધિનિયમ, 2020
; અને
આવશ્યક ચીજવસ્તુઓ (સંશોધન) અધિનિયમ, 2020
.
કાયદાઓથી ખેડૂત સમુદાય નારાજ થયો છે. તેઓ આ કાયદાઓને નિગમોના નફાની વેદી પર તેમની આજીવિકાના બલિદાન તરીકે જુએ છે. આ કાયદાઓ ભારતીય બંધારણની કલમ 32 ને ઈજા પહોંચાડીને તમામ તમામ નાગરિકોને તેમના કાયદાકીય કાર્યવાહીના અધિકારથી વંચિત કરે છે એ કારણસર પણ તેમની ટીકા કરવામાં આવી રહી છે.
નવા કાયદાઓ ખેડૂતોને સહાયના મુખ્ય સ્વરૂપોને નબળા પાડે છે જેમાં ન્યુનતમ ટેકાના ભાવ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, રાજ્ય ખરીદી અને અન્યનો સમાવેશ થાય છે. સાથે સાથે આ કાયદાઓ કૃષિ ક્ષેત્રમાં કોર્પોરેટ સંસ્થાઓના અધિકાર ક્ષેત્રનું મોટા પાયે વિસ્તરણ કરે છે, જે ખેડૂતની સોદાબાજી કરવાની પહેલેથી જ મર્યાદિત શક્તિને ઘટાડે છે.
પંજાબના લુધિયાણાના (નિવૃત્ત) લેફ્ટનન્ટ કર્નલ જગદીશ સિંહ બ્રાર કહે છે, 'આ માત્ર ખોટા પગલાં છે એટલું જ નહિ, હકીકતમાં સરકાર કોર્પોરેટરોના ખિસ્સામાં ગઈ છે.'
અને સ્પષ્ટ રીતે કહીએ તો સરકાર અને પ્રસાર માધ્યમો દ્વારા બદનામ કરાતા આ પીઢ યોદ્ધાઓ ભારે નારાજ થયા છે.
સેનામાં એક સમયે 10 ચંદ્રકો જીતનાર લેફ્ટનન્ટ કર્નલ બ્રાર કહે છે, "જ્યારે અમે આ દેશ માટે યુદ્ધ લડતા હતા ત્યારે આ શક્તિશાળી પૂંજીપતિઓ ક્યાંય નહોતા. ન તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હતો, કે ન તો ભારતીય જનતા પાર્ટીનું [તે યુદ્ધોમાં] કોઈ અસ્તિત્વ હતું કે ન તો કોઈ ભૂમિકા." 75 વર્ષના આ પીઢ યોદ્ધા 1965 અને 1971 ના યુદ્ધમાં લડ્યા હતા. તેમના 10 સભ્યોના કુટુંબની મોગા જિલ્લાના ખોટે ગામમાં 11 એકર જમીન છે.
અહીં સિંઘુ વિરોધ સ્થળ ખાતેના ઘણા નિવૃત્ત અધિકારીઓ હવે ખેતી કરતા નથી, પરંતુ ખેડૂતો સાથે તેમની સંપૂર્ણ સહાનુભૂતિ છે.
લુધિયાણા જિલ્લાના મુલ્લાનપુર ઢાકા ગામમાં 5 એકર જમીન ધરાવતા (નિવૃત્ત) કર્નલ ભગવંત એસ. તતલા કહે છે કે, "અમે આંદોલનકારી ખેડૂતોને ટેકો આપી રહ્યા છીએ, કારણ કે અમારી જિંદગી તેમને આભારી છે. 78 વર્ષના આ ચંદ્રક વિજેતા કહે છે, 'આ ખેડુતોને કારણે જ આપણે 1965 અને 1971 માં પાકિસ્તાન સામે બે મોટા યુદ્ધો જીત્યા હતા. તતલાનો સર્વિસ રેકોર્ડ દર્શાવે છે કે તેઓ હવાલદારના હોદ્દાથી આગળ વધતા વધતા કર્નલના પદ સુધી પહોંચ્યા હતા.
લેફ્ટનન્ટ કર્નલ બ્રાર કહે છે, “તમને યુવાનોને ક્યાંથી ખબર હોય! ખેડૂતોએ અમારી મદદ કરી એ જ કારણે ભારત આ યુદ્ધો જીતી શક્યું. 1965 માં પાકિસ્તાનની પાસે પૈટનની ટેન્કો હતી - તે સમયે તે વિશ્વની સૌથી સુંદર, ઝડપી અને અદ્યતન ટેન્કો હતી. અમારી પાસે કશું નહોતું; અમારી પાસે બુટ પણ નહોતા. આ ઉપરાંત, ભારતીય સેના પાસે યુદ્ધ સામગ્રી વહન કરવા માટે ટ્રક અથવા ફેરી ન હતી. હું તમને હકીકતમાં કહું છું કે પાકિસ્તાન સાથેની આખી સરહદ પર નજર રાખવા અમારી પાસે પૂરતા દળો પણ નહોતા.”
તેઓ સમજાવે છે, “આ પરિસ્થિતિમાં પંજાબના લોકોએ, ખેડૂતોએ અમને કહ્યું, ‘ એની ચિંતા ન કરશો. આગળ વધો, અને અમે તમને રાંધેલો ખોરાક આપીશું અને તમારી યુદ્ધ સામગ્રી વહન કરવાનું અમે સંભાળી લઈશું ’. પંજાબની બધી ટ્રકોએ આ કામમાં રોકાઈ હતી અને એક સ્થળેથી બીજા સ્થળે યુદ્ધ સામગ્રી વહન કરતી હતી, અને આ રીતે જ સૈન્ય ટકી શક્યું અને ભારતે યુદ્ધ જીતી લીધું. પૂર્વ પાકિસ્તાનમાં, હવે બાંગ્લાદેશમાં 1971 ના યુદ્ધમાં પણ એવું જ બન્યું હતું. જો સ્થાનિકોએ અમને મદદ ન કરી હોત, તો તે યુદ્ધ જીતવું મુશ્કેલ હતું. ત્યાં પણ [સરહદ પર] સ્થાનિક લોકો ફરી એક વાર ખેડૂતો હતા. "(નિવૃત્ત) વોરંટ અધિકારી ગુરટેક સિંહ વિર્કનો પરિવાર ભાગલા સમયે - કુસ્તીબાજોના શહેર તરીકે ઓળખાતા - પાકિસ્તાનના ગુજરાંવાલાથી ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં સ્થળાંતરિત થયો હતો. 18 જેટલા સભ્યોના તેમના વિશાળ, વિસ્તૃત પરિવારની તે જિલ્લાના પુરણપુર ગામમાં લગભગ 17 એકર જમીન છે. તેમના દાદા (બ્રિટીશ શાસનમાં) અને તેના પિતા બંને પોલીસ નાયબ અધિક્ષક હતા. તેમના ભાઈ નિવૃત્ત પોલીસ મહાનિદેશક છે, અને વિર્ક પોતે ભારતીય વાયુસેનામાં જોડાયા હતા.
ભૂતપૂર્વ આઈએએફ અધિકારી કહે છે, "પરંતુ અમારા મૂળ ખેડુતના છે અને અમે તે ક્યારેય ભૂલતા નથી." તેઓ ધ્યાન દોરે છે કે તેઓ સરહદની બીજી બાજુ પણ ખેડૂતો હતા. “અને આજે અહીં 70 વર્ષ પછી આ પરિસ્થિતિ છે - ભારત સરકારે [આ] કાયદા પસાર કર્યા છે જે અમને ફરી એક વખત ભૂમિહીન બનાવી દેશે. આ બધું જ એવા પૂંજીપતિઓને કારણે જે માનવીય મૂલ્યની પરવા સુદ્ધાં કરતા નથી, તેઓ ફક્ત તેમના પોતાના ફાયદા વિશે વિચારે છે. "
લુધિયાણા જિલ્લાના કર્નલ જસવિંદર સિંહ ગરચા કહે છે, “જ્યારે અમે યુદ્ધો લડી રહ્યા હતા ત્યારે અમારા માતાપિતા ખેતરમાં ખેતી કરતા હતા. હવે અમારા બાળકો સરહદ પર છે, અને અમે ખેતી કરીએ છીએ." તેમણે 1971 ના યુદ્ધમાં ભાગ લીધો હતો અને તેના નામે પાંચ મેડલ છે. હાલ આશરે 70 વર્ષના ગરચા એન્જિનિયર પણ છે પરંતુ તેઓ તેમની પહેલી ઓળખ ખેડૂત તરીકેની આપે છે. તેઓ તેમના દીકરાની મદદથી જસ્સોવાલ ગામે ખેતી કરે છે
લેફ્ટનન્ટ કર્નલ બ્રાર કહે છે, "હવે, દરરોજ સરકાર રડે છે કે ચીન કે પાકિસ્તાન આપણા પ્રદેશોમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. તેમની ગોળીઓનો સામનો કોણ કરશે? અમિત શાહ કે મોદી? જરાય નહિ. અમારા બાળકોએ તેનો સામનો કરવો પડશે."
લેફ્ટનન્ટ કર્નલ એસ.એસ. સોહી વ્યથિત થઈને કહે છે કે “હું નરેન્દ્ર મોદીનું સમર્થન કરતો હતો, પરંતુ આ પગલું સાવ ખોટું છે. સરકાર ખેતીને સંપૂર્ણપણે બરબાદ કરી રહી છે. ” સોહી પીઢ યોદ્ધાઓની સમસ્યાઓનું નિરાકરણ કરતી અને શહીદ સૈનિકોની વિધવાઓને સહાય કરતી સેવાભાવી સંસ્થા ભૂતપૂર્વ સૈનિક ફરિયાદ સેલ, પંજાબના પ્રમુખ છે.
લેફ્ટનન્ટ કર્નલ સોહી 1965 અને 1971 ના યુદ્ધ લડી ચૂક્યા છે. તેમણે કટોકટી અને શાંતિ અભિયાનમાં તેમની ભૂમિકા માટે યુનાઇટેડ નેશન્સ મેડલ સહિત 12 ચંદ્રકો જીત્યા હતા. તેમના ચાર સભ્યોના કુટુંબની હરિયાણાના કરનાલ જીલ્લાના નિલોખેડી ગામમાં 8 એકર જમીન હતી, તેમણે નિવૃતિ બાદ પંજાબના મોહાલીમાં સ્થાયી થવા કેટલાક વર્ષો પહેલા તે જમીન વેચી દીધી હતી.
તેમનું માનવું છે કે, "રાજકારણીઓએ નિગમો પાસેથી ઘણું લીધું છે અને એ પૈસા પર ચૂંટણી લડ્યા હતા. હવે તેઓ આ કાયદાના રૂપમાં તેમને તે પૈસા પાછા ચૂકવવા માંગે છે.” તેઓ કહે છે કે દુ:ખની વાત એ છે કે “ભારતના મુખ્ય શાસકો વેપારી સમુદાયના છે. તેથી તેઓ ફક્ત વ્યાપારી પરિવારો માટે જ ચિંતિત છે. ”
લેફ્ટનન્ટ કર્નલ બ્રાર કહે છે કે "નિગમો ઇચ્છતા નથી કે કોઈ તેમની વિરુદ્ધ બોલે. અને વડા પ્રધાન જ્યારે એમ કહે છે કે આ કાયદાઓ ખેડૂતોના કલ્યાણ માટે છે ત્યારે તેઓ તમને મૂર્ખ બનાવે છે . હું તમને બિહારનું ઉદાહરણ આપીશ. તે નબળા રાજ્યએ 14 વર્ષ પહેલાં [ભયંકર પરિણામો સાથે] મંડી પ્રણાલીને ખતમ કરી દીધી હતી.” તેઓ વધુમાં કહે છે, “મેં મારા ગામમાં અમારી 11 એકર જમીન મારા ભાઈને ખેતી કરવા આપી છે. મારી ઉંમરને કારણે હવે હું ખેતી કરી શકતો નથી.”
લેફ્ટનન્ટ કર્નલ બ્રાર જણાવે છે, "પોતાના રાજ્યમાં 10 એકર જમીન ધરાવતા ખેડૂતો પંજાબમાં 5 એકર જમીન ધરાવતા ખેડૂત માટે ખેતમજૂરો તરીકે કામ કરવા આવે. જમીનમાલિક ખેડુતોને ભીખ માગતા કરી દેવા કરતા વધુ શરમજનક બીજું શું હોઈ શકે?" તેઓ દાવો કરે છે કે, "આ કાયદાઓને પરિણામે તેઓ ભૂમિહીન બની જશે."
મેં લુધિયાણામાં ઓલ ઈન્ડિયા ફોરમ ફોર રાઈટ ટુ એજ્યુકેશન અને શહિદ ભગતસિંહ ક્રિએટીવીટી સેન્ટરના અધ્યક્ષ પ્રીફેસર જગમોહન સિંઘને પૂછ્યું. "શું ખરેખર આવું થઈ શકે?" તેમણે મને કહ્યું, “હા, જો આ કાયદાઓ રદ કરવામાં નહીં આવે તો આ જ આપણું ભવિષ્ય છે. જ્યાં પણ નિગમોનું હિત વધે છે ત્યાં તેઓ ખેડૂતોને તેમની જમીન પરથી કાઢી મૂકે છે. તેનું મુખ્ય ઉદાહરણ બ્રાઝિલ છે, જ્યાં 1980 ના દાયકામાં ખેડૂતોએ આ રીતે જમીન પચાવી પાડવાની વિરુદ્ધ મોટું આંદોલન શરૂ કર્યું હતું.”
બ્રિગે. ગિલ કહે છે, “‘અમે આ કાયદાઓને ટેકો આપીએ છીએ’ એવું કહેતા કાલ્પનિક ખેડૂતોને ન હોય ત્યાંથી ઊભા કરીને સરકાર અમને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહી છે. મને ખબર નથી કે કોઈ ખેડૂત ખરેખર આ કાયદાઓને ટેકો આપી શકે કે નહીં."
કર્નલ ગરચા ચેતવણી આપે છે કે આંદોલનકારીઓને વિભાજીત કરવાના પ્રયાસો પણ થશે, "ધર્મના નામે, 'તમે એક શીખ કે મુસ્લિમ અથવા હિન્દુ છો' એમ કહીને, અથવા પ્રદેશના નામે, 'તમે એક પંજાબી, હરિયાણવી અથવા બિહારી છો' એમ કહીને."
લેફ્ટનન્ટ કર્નલ બ્રાર ઉમેરે છે કે, “સરકાર પાણીના જૂના વિવાદનો ઉપયોગ કરીને હરિયાણા અને પંજાબના લોકોને એકબીજા સામે ઊભા કરવાનો પ્રયાસ કરી શકે. પરંતુ બંને રાજ્યોના લોકો એ વાત સારી રીતે સમજે છે કે જો જમીન જ નહિ રહે તો અહીં પાણીનો શું અર્થ? ”
આ પીઢ યુદ્ધ નાયકોએ દેશની રક્ષામાં તેમની ભૂમિકા માટે તેમની વચ્ચે 50 થી વધુ ચંદ્રકો જીત્યા છે. જો સરકાર આવું જિદ્દી અને અવિચારી વર્તન રાખે તો તેઓ ભારતના રાષ્ટ્રપતિ - સશસ્ત્ર સૈન્યના સર્વોચ્ચ કમાન્ડરને ચંદ્રકો પાછા આપવા વિચારે છે.
બ્રિગે. ગિલ કહે છે, "મારી એક માત્ર ઈચ્છા છે અને હું પ્રાર્થના કરું છું કે સરકારને સદબુદ્ધિ આવે અને તે કાયદાઓ રદ કરીને ખેડૂતોને ઘેર પાછા મોકલે. તે આંદોલનનો અંત હશે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક