પ્રસાર માધ્યમો ક્યારેય ખુલ્લેઆમ સ્વીકારી નહીં શકે કે સમગ્ર વિશ્વના સૌથી મોટા શાંતિપૂર્ણ - અને તે પણ (કોરોના) મહામારી તેની ચરમ સીમાએ હતી ત્યારે ચોક્કસપણે સૌથી વધુ સંગઠિત - લોકશાહી આંદોલનનો જંગી વિજય થયો છે.
એક એવો વિજય જે આપણને મળેલો વારસો આગળ લઈ જાય છે. આ દેશની આઝાદીની લડતમાં - આદિવાસી અને દલિત સમુદાયો સહિતના - તમામ પ્રકારના ખેડૂતો, પુરૂષો અને સ્ત્રીઓએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અને આપણી આઝાદીના 75મા વર્ષમાં દિલ્હીના દરવાજા પર એ જ ખેડૂતોએ એ મહાન સંઘર્ષની એ જ્યોત પ્રજ્જવલિત રાખી.
વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી છે કે તેઓ પરોઠના પગલાં ભરી રહ્યા છે અને આ મહિનાની 29મી તારીખથી શરૂ થઈ રહેલા સંસદના આગામી શિયાળુ સત્રમાં ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચી રહ્યા છે. તેઓ કહે છે કે 'શ્રેષ્ઠ પ્રયાસો છતાં મુઠ્ઠીભર ખેડૂતોના એક વર્ગને' (આ કાયદાઓના લાભો) સમજાવવામાં નિષ્ફળ ગયા પછી તેઓ આ પગલું ભરી રહ્યા છે. યાદ રહે, માત્ર મુઠ્ઠીભર ખેડૂતોને તેઓ એ વાત સ્વીકારવા માટે મનાવી ન શક્યા કે ત્રણ બદનામ કૃષિ કાયદાઓ તેમના માટે ખરેખર ફાયદાકારક હતા. આ ઐતિહાસિક સંઘર્ષ દરમિયાન મૃત્યુ પામેલા 600 થી વધુ ખેડૂતો વિશે અથવા તેમના માટે હરફ સરખો ય નહીં. તેઓ સ્પષ્ટ કરે છે તેમની નિષ્ફળતા માત્ર તેમની સમજાવટની કુશળતામાં છે, 'ખેડૂતોના એ વિભાગ'ને (એ કાયદાઓની) ઊજળી બાજુ જોઈ શકવા માટે સમજાવી ન શકવા બદલ. કોઈ નિષ્ફળતા નથી સાંકળી કાયદાઓની સાથે કે નથી સાંકળી (કોવિડ) મહામારીની વચ્ચે એ કાયદાઓને ઠોકી બેસાડવાની તેમની સરકારની રીત સાથે.
ખેર, ખાલિસ્તાનીઓ, દેશદ્રોહીઓ, ખેડૂતોના છદ્મવેષમાં ઢોંગી રાજકીય કાર્યકરોની પદોન્નતિ થઈ અને તેઓ 'ખેડૂતોનો એક વર્ગ' બન્યા, જેમણે શ્રી મોદીની મોહિનીથી વશીભૂત થવાનો ઈન્કાર કરી દીધો. સમજવાનો ઈન્કાર કર્યો? સમજાવવાની રીત અને પદ્ધતિ કઈ હતી? તેમની દાદ-ફરિયાદ રજૂ કરવા તેમને રાજધાનીમાં પ્રવેશતા અટકાવીને? તેમને ઊંડા ખાડા અને કાંટાળા તારથી રોકીને? તેમના પર વોટર કેનન વરસાવીને? તેમની શિબિરોને નાના ગુલાગમાં રૂપાંતરિત કરી દઈને? ચમચાગીરીમાંથી ઊંચા જ ન આવતા પ્રસાર માધ્યમો દ્વારા ખેડૂતોને રોજેરોજ બદનામ કરીને? તેમને - કથિત રીતે કેન્દ્રીય મંત્રી કે તેમના સુપુત્રની માલિકીના - વાહનોની નીચે કચડીને? આ સરકારના મતે આ જ છે સમજાવટની રીત? આ પ્રયાસો જો સરકારના 'શ્રેષ્ઠ પ્રયાસો' હતા તો એ સરકાર હજી કેટલા ખરાબ પ્રયાસો કરી શકે એની કલ્પના ન કરીએ તે જ સારું છે.











