ના! ચિત્ર
ઘર સજાવવા માટે બનાવવામાં નથી આવતું. તે દુશ્મન સામે આક્રમક અને રક્ષણાત્મક હથિયાર
છે.
– પાબ્લો પિકાસો
મરાઠી ભાષામાં એક કહેવત છે: “बामना घरी लिहनं, कुणब्या घरी दानं आणि मांगा-महारा घरी गाणं.” બ્રાહ્મણના ઘરમાં મૂળાક્ષરો હોય છે, કણબીના ઘરમાં અનાજ હોય છે અને માંગ-મહારના ઘરમાં સંગીત હોય છે. પરંપરાગત રીતે ગામમાં, માંગ સમુદાય હલગી વગાડતો હતો, ગોંધળી સમુદાય સંબળ વગાડતો હતો, ધનગર સમુદાય ઢોલ વગાડતો હતો અને મહાર સમુદાય એકતારી વગાડતો હતો. જ્ઞાન, ખેતી, કલા અને સંગીતની સંસ્કૃતિને જાતિ મુજબ વહેંચવામાં આવી હતી. તદુપરાંત, ‘અસ્પૃશ્ય’ ગણાતી જાતિઓ માટે, ગાવું અને સંગીત રજૂ કરવું એ રોજગારનું એક મહત્ત્વનું સાધન હતું. સદીઓથી જુલ્મ અને ભેદભાવનો સામનો કરી રહેલા દલિતોએ તેમના ઇતિહાસ, બહાદુરી, પીડા, ખુશી અને ફિલસૂફીને જત્યાવર્ચી ઓવી (ગ્રાઇન્ડમિલ ગીતો અથવા કવિતાઓ), મૌખિક વાર્તાઓ, ગીતો અને લોકસંગીતના રૂપમાં સાચવી રાખ્યા છે. રાષ્ટ્રીય મંચ પર ડૉ. આંબેડકરનો ઉદય થયો તે પહેલાં, મહાર લોકો એકતારી પર કબીરના દોહા વગાડતા હતા, અને વિઠ્ઠલાના ભક્તિ ગીતો અને ઈશ્વરની આરાધના કરતા ભજનો ગાતા હતા.
૧૯૨૦ પછી જ્યારે ડૉ. આંબેડકર દલિત રાજકારણની ક્ષિતિજ પર ઉભરી આવ્યા, ત્યારે આ કલા સ્વરૂપો અને તેના કલાકારોએ તેમણે શરૂ કરેલી જાગૃતિની ચળવળના પ્રચાર અને પ્રસારમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓએ ડૉ. આંબેડકરની ચળવળને કારણે થનારા સામાજિક ફેરફારો, રોજબરોજની ઘટનાઓ, ડૉ. આંબેડકરની ભૂમિકા, તેમનો સંદેશ, જીવન અને સંઘર્ષો - આ બધું એવી ભાષામાં સમજાવ્યું કે અશિક્ષિત અને અજાણ લોકો પણ તેને સમજી શકે. એકવાર, જ્યારે ડૉ. આંબેડકરે ભીમરાવ કરડક અને તેમની મંડળીને મુંબઈના નયાગાંવ વિસ્તારમાં વેલફેર ગ્રાઉન્ડ ખાતે જલસા (ગીતો દ્વારા સાંસ્કૃતિક વિરોધ) કરતા જોયા, ત્યારે તેમણે કહ્યું: “કરડક અને તેમની મંડળીનો એક જ જલસો મારી દસ સભાઓ અને મેળાવડાની ગરજ સારે તેમ છે.”
ડૉ. આંબેડકરની હાજરીમાં રજૂઆત કરતા શાહીર ભેગડેએ કહ્યું હતું:
યુવાન
મહાર છોકરો [આંબેડકર] ખૂબ જ હોંશિયાર હતો
ખરેખર, ખૂબ હોંશિયાર
આખી
દુનિયામાં એવો કોઈ નહીં હોય
તેણે
અમને અંધકારમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવ્યો
તેણે નાદાનોને
જગાડ્યા
ડૉ. આંબેડકરના આંદોલનથી દલિતોમાં જાગૃતિની લહેર આવી હતી. આ ચળવળમાં હજારો જાણીતા અને અજાણ્યા કલાકારો માટે જલસા એક સાધન હતું, અને શાહીરી (કવિતા પ્રદર્શન) એક માધ્યમ.
જેમ જેમ આંબેડકરવાદી ચળવળ ગામડાઓ સુધી પહોંચી, તેમ તેમ દલિત વસ્તીઓ (વસાહતો) માં એક લાક્ષણિક દ્રશ્ય જોવા મળ્યું - દલિત વસ્તીઓના અડધા ઘરોમાં પતરાની છત હતી અને અડધા ઘરોમાં ઘાસની. વસાહતની મધ્યમાં એક મંચ રહેતો, જ્યાં વાદળી ધ્વજ ફરકાવવામાં આવતો. અને વાદળી ધ્વજ નીચે, બાળકો, સ્ત્રીઓ, પુરુષો અને વૃદ્ધો ભેગા થતા. સભાઓ યોજાતી અને આ સભાઓમાં બુદ્ધ-ભીમ ગીતો ગાવામાં આવતા. ચૈત્યભૂમિ (મુંબઈમાં), દીક્ષાભૂમિ (નાગપુરમાં) અને અન્ય મોટા શહેરોમાંથી નાના-મોટા કવિઓના ગીતોના પુસ્તકો લાવવામાં આવતા હતા. દલિત વસ્તીઓમાં સ્ત્રીઓ અને પુરુષો નિરક્ષર હતા પરંતુ તેઓ શાળાએ જતા બાળકોને ગીતો વાંચવાનું કહેતા અને પછીથી ગાવા માટે તે ગીતો મોઢે કરીને લેતા. અથવા તેઓ કોઈ શાહીર દ્વારા રજૂ કરાયેલું ગીત યાદ રાખતા અને તેને તેમની વસ્તીમાં રજૂ કરતા. દિવસ ભર લાંબા કલાકો સુધી કામ કરીને થાકીને પાછી ફરતી કેટલીક મહિલા ખેત મજૂરો “ભીમ રાજા કી જય! બુદ્ધ ભગવાન કી જય!” કહીને ગાવાનું ચાલુ કરતી અને પછી ગીતો ગાઈને એમની વસાહતનો માહોલ ખુશી, ઉત્સાહ, અને આશાવાદથી ભરેલો કરી દેતી. ગામડાઓમાં દલિતો માટે આ ગીતો જ એકમાત્ર યુનિવર્સિટી હતા. આગામી પેઢીએ આ ગીતો દ્વારા જ બુદ્ધ અને આંબેડકર વિષે જાણ્યું. આ ગાયકો અને શાહીરોની તળપદી વ્યવહારુ ભાષામાં, યુવા પેઢીએ બુદ્ધ, ફૂલે અને આંબેડકર વિષેના શક્તિશાળી ગીતોને આત્મસાત કરી લીધા - જ્યાંથી તેમને ક્યારેય ભૂલવા અશક્ય હતા. શાહીરોએએક આખી પેઢીની સામાજિક અને સાંસ્કૃતિક ચેતનાને આકાર આપ્યો. આત્મારામ સાલ્વે આવા જ એક શાહીર હતા, જેમણે મરાઠવાડામાં સામાજિક સાંસ્કૃતિક ચેતના જગાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
૯ જૂન, ૧૯૫૩ના રોજ બીડ જિલ્લાના માજલગાંવ બ્લોકના ભાટવડગાંવ ગામમાં જન્મેલા શાહીર સાલ્વે ૧૯૭૦ના દાયકામાં અભ્યાસ અર્થે ઔરંગાબાદ આવ્યા હતા.
(૧૯૪૮ પહેલાં) મરાઠવાડા નિઝામ શાસન હેઠળ હતું, અને શિક્ષણ સહિત ઘણાખરા ક્ષેત્રોમાં આ વિસ્તારનો વિકાસ રૂંધાયો હતો. આ પૃષ્ઠભૂમિ વચ્ચે ડૉ. આંબેડકરે ૧૯૪૨માં પીપલ્સ એજ્યુકેશન સોસાયટીના નેજા હેઠળ ઔરંગાબાદના નાગસેનવન વિસ્તારમાં મિલિંદ મહાવિદ્યાલયની શરૂઆત કરી હતી. નાગસેનવન પરિસર દલિત વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવા માટેના કેન્દ્ર તરીકે વિકાસ પામી રહ્યું હતું. મિલિંદ કૉલેજની સ્થાપના થઇ એ પહેલા આખા મરાઠવાડામાં ઔરંગાબાદ ખાતે માત્ર એક જ સરકારી કૉલેજ હતી – ને તે પણ ફક્ત ઇન્ટર સુધીની! (ઇન્ટર એટલે એ મધ્યવર્તી પદવી, જે ડિગ્રી પૂર્વેનો એક અભ્યાસક્રમ છે.) મિલિંદ મરાઠવાડામાં સ્નાતક શિક્ષણ માટેની પ્રથમ કૉલેજ હતી. આ નવી કૉલેજ એ પ્રદેશમાં શૈક્ષણિક માહોલ ઊભો કરવામાં મહત્ત્વપૂર્ણ હતી. સાથોસાથ આ કોલેજને કારણે રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ફલકમાં પરિવર્તન આવ્યું. તેનાથી મૃત:પ્રાય થઈ રહેલા સમાજ અને પ્રદેશમાં નવજીવન સિંચાયું - અને અસ્મિતા અને આત્મસન્માનની ભાવના જાગૃત થઇ. માત્ર મહારાષ્ટ્રના ખૂણેખૂણેથી જ નહીં પરંતુ કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોમાંથી પણ વિદ્યાર્થીઓ મિલિંદ કૉલેજમાં ભણવા આવવા લાગ્યા. આ સમયે જ આત્મારામ સાલ્વેએ મિલિંદ કૉલેજમાં વિદ્યાર્થી તરીકે પ્રવેશ લીધો. (ઔરંગાબાદમાં) મરાઠવાડા યુનિવર્સિટીનું નામ બદલવાની ચળવળ આ જ પરિસરમાં શરૂ થઈ હતી, એ ચળવળને બે દાયકાઓ સુધી તેમની કવિતા રૂપી સૂર મળી રહ્યો. એક રીતે, નામાંતરણ (‘નામ બદલવા’) અને દલિત પેન્થર ચળવળોની સાંસ્કૃતિક સક્રિયતા માટે ફક્ત તેઓ જ જવાબદાર હતા.
૧૯૭૦નો દાયકો અશાંતિ ભર્યો દાયકો હતો. તે આઝાદ ભારતની પ્રથમ યુવા પેઢીનો યુગ હતો. મોટી સંખ્યામાં યુવાનોએ ભણી ગણીને પદવીઓ મેળવી હતી અને તેઓ સ્વતંત્રતા (૧૯૪૭) પછીની પરિસ્થિતિથી નિરાશાગ્રસ્ત હતા. ઘણી ઘટનાઓએ તેમના પર ઊંડી અસર કરી હતી: કટોકટી; પશ્ચિમ બંગાળમાં નક્સલબરી; તેલંગાણા રાજ્ય ચળવળ; બિહારમાં જયપ્રકાશ નારાયણનું નવનિર્માણ આંદોલન; ગુજરાત અને બિહારમાં ઓબીસી અનામત માટેનું આંદોલન; તાજેતરનું સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન; મુંબઈમાં મિલ કામદારોનો સંઘર્ષ; શહાદા ચળવળ; હરિત ક્રાંતિ; મરાઠવાડા મુક્તિ આંદોલન; અને મરાઠવાડાનો દુષ્કાળ. યુવાનો અને દેશ અનિશ્ચિતતાની સ્થિતિમાં હતા, અને વિકાસ અને અસ્મિતા માટેના સંઘર્ષોએ તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
નાગસેનવન કેમ્પસમાં પ્રવેશ લીધા પછી જાગૃત થયેલા વિદ્યાર્થીઓએ ડૉ. મચ્છીન્દ્ર મોહોલની આગેવાની હેઠળના મરાઠવાડા રિપબ્લિકન સ્ટુડન્ટ્સ ફેડરેશનના નેજા હેઠળ ૨૬ જૂન, ૧૯૭૪ના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી કે મરાઠવાડાની બે યુનિવર્સિટીઓ માંથી એકને ડૉ. આંબેડકરનું નામ આપવામાં આવે. પરંતુ નામ બદલવાની (નામાંતરની) આ માંગણીએ સંગઠિત સ્વરૂપ ત્યારે લીધું કે જ્યારે ભારતીય દલિત પેન્થર્સ તેમાં શામેલ થયા. નામદેવ ઢસાળ અને રાજા ધાલે વચ્ચેના સંઘર્ષને કારણે રાજા ધાલેએ પેન્થર્સ બરખાસ્ત કરવાની જાહેરાત કરી હતી. પરંતુ મહારાષ્ટ્રમાં દલિત પેન્થર્સનું કામ આગળ ધપાવવા માટે પ્રો. અરુણ કાંબળે, રામદાસ આઠવલે, ગંગાધર ગાડે અને એસ.એમ. પ્રધાનના નેતૃત્વમાં ‘ભારતીય દલિત પેન્થર્સ’ નામનું જૂથ બનાવવામાં આવ્યું હતું.
આત્મારામ સાલ્વેએ નવા રચાયેલા ભારતીય દલિત પેન્થર્સ વિષે આ મુજબ લખ્યું હતું:
હું પેન્થર
સૈનિક છું
કાંબલે
અરુણ સરદાર
આપણે સૌ
જય ભીમ વાળા છીએ
ન્યાય
માટે લડત આપતા
સૈનિકો
ડરતા નથી
અમે
કોઈનાથી ડરતા નથી
અન્યાયનો
નાશ કરીશું
અને આગળ વધશું
દલિત, ખેડૂત, કામદાર, જાગો
ચાલો
આપણે એક થઈને આપણા હાથ બુલંદ કરીએ
આ ગીત સાથે, સાલ્વેએ નવા પેન્થર્સનું સ્વાગત કર્યું, જેમાં તેમણે ‘મરાઠવાડા ઉપાધ્યક્ષ’ ની જવાબદારી સંભાળી. ૭ જુલાઈ, ૧૯૭૭ના રોજ, નવા રચાયેલા ભારતીય દલિત પેન્થર્સના જનરલ સેક્રેટરી ગંગાધર ગાડેએ મરાઠવાડા યુનિવર્સિટીનું નામ ડૉ. આંબેડકરના નામ પર રાખવાની પહેલી જાહેર માંગણી કરી.
૧૮ જુલાઈ, ૧૯૭૭ના રોજ, બધી કૉલેજો બંધ કરી દેવામાં આવી હતી, અને સર્વપક્ષીય વિદ્યાર્થી કાર્ય સમિતિએ મરાઠવાડા યુનિવર્સિટીના નામાંતરણની માંગ સાથે એક વિશાળ કૂચનું નેતૃત્વ કર્યું હતું. તે પછી, ૨૧ જુલાઈ, ૧૯૭૭ના રોજ, ઔરંગાબાદની સરકારી ઇજનેરી કૉલેજ, સરસ્વતી ભુવન કૉલેજ, દેવગિરી કૉલેજ અને વિવેકાનંદ કૉલેજના સવર્ણ (હિંદુ) વિદ્યાર્થીઓએ નામ બદલવાની માંગ સામે પહેલી વાર વિરોધ પ્રદર્શન કર્યું. નામંતરના પક્ષમાં પણ અને તેની વિરુદ્ધમાં - વિરોધ, હડતાળ અને રેલીઓમાં ઉછાળો આવ્યો. પછીના બે દાયકા સુધી, મરાઠવાડા દલિતો અને બિન-દલિતો વચ્ચેના વિવાદનું મેદાન બની ગયું. યુદ્ધના આ મેદાનમાં, દલિતો પર “લાદવામાં આવેલા જાતીય યુદ્ધ" લડવા આત્મારામ સાલ્વેએ તેમની શાહીરી, તેમના અવાજ અને તેમના શબ્દો રૂપી શસ્ત્રોનો ઉપયોગ કર્યો.
આત્મારામ સાલ્વે એવા સમયે ઉભરી આવ્યા હતા જ્યારે આંબેડકરની ચળવળના સાક્ષી બની ચૂકેલા અને તે ચળવળને અનુભવી ચૂકેલા - અન્નાભાઉ સાઠે, ભીમરાવ કરડક, શાહીર ઘેગડે, ભાઉ ફક્કડ, રાજનંદ ગડપાયલે અને વામન કરડક જેવા - શાહીરો સામાજિક અને સાંસ્કૃતિક ફલકમાં રહ્યા ન હતા.
આંબેડકર પછીના સમયગાળામાં, વિલાસ ઘોગરે, દલિતાનંદ મોહનાજી હાટકર અને વિજયનાદ જાધવ જેવા શાહીરોએ ડૉ. આંબેડકરની ચળવળ કે ધર્મ પરિવર્તનનો સમયગાળો જોયો ન હતો. એ રીતે, તેઓ કોરી સ્લેટ હતા. ગ્રામ્ય વિસ્તારના આ શાહીરોને બાબાસાહેબ (ડૉ. આંબેડકર) અને તેમની ચળવળ વિષે માહિતી પુસ્તકોમાંથી મળી હતી. તેથી તેમની શાહીરી દેખીતી રીતે ઉગ્ર છે, અને આત્મારામ સાલ્વેના ગીતો તો તેમનાથી ય વધારે ઉગ્ર છે.
નામાંતરની વાત માત્ર નામ બદલવાની વાત નહોતી. તે અસ્મિતાની નવીસવી જાગૃતિ અને માણસ હોવાના આત્મભાનની વાત પણ હતી.
જ્યારે મુખ્યમંત્રી વસંતદાદા પાટીલ નામંતર ચળવળને ટેકો આપવાની વાતમાંથી ફરી ગયા, ત્યારે આત્મારામ સાલ્વેએ લખ્યું હતું:
વસંતદાદા, અમારી સાથે ઝઘડો
ન કરો
તમે ફક્ત
તમારી ખુરશી ગુમાવશો
આ દલિતો
સત્તા કબજે કરી લેશે
તમે
ધૂળિયા ખૂણામાં ધકેલાઈ જશો
તમે
સત્તાના નશામાં છો
અહીં જુઓ, તમારી
સરમુખત્યારશાહી છોડી દો
તમારું
તાનાશાહીવાળું શાસન નહીં ચાલે
સામાજિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના આરોપમાં પોલીસે અવારનવાર તેમના કાર્યક્રમો બંધ કરી દીધા હતા, પરંતુ આત્મારામે ક્યારેય તેમની પ્રસ્તુતિ બંધ કરી નથી
વસંતદાદા પાટીલ નાંદેડની મુલાકાતે આવ્યા ત્યારે આત્મારામ સાલ્વેએ માત્ર ગીત જ નહોતું લખ્યું, પણ હજારો લોકો સમક્ષ તેને પ્રસ્તુત પણ કર્યું હતું. તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. તેમના બાકીના જીવન દરમિયાન પર રાજકીય ‘ગુનાઓ’ નો દોર ચાલું રહ્યો. ૧૯૭૮ થી ૧૯૯૧માં સાલ્વેના મૃત્યુ સુધી, મહારાષ્ટ્રના પોલીસ સ્ટેશનોમાં તેમના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં તેમના પર લડાઈ-ઝગડા કરવાના, સરકારી કામોમાં અવરોધ ઊભા કરવાના, દંગા કરવાના અને સામાજિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અને તેમના પર અનેક ખૂની હુમલાઓ પણ થયા હતા. સાલ્વેના મિત્ર અને દેગલુરના સહયોગી ચંદ્રકાંત થાણેકર યાદ કરે છે: “૧૯૮૦માં [નાંદેડ જિલ્લાના] દેગલુર બ્લોકમાં આવેલા મરખેલ ગામમાં તેમના પર હુમલો થયો હતો. બેનલ ગામમાં એક દલિત મજૂર કાલેની હત્યાના મામલામાં ખોટું મૃત્યુ પ્રમાણપત્ર આપવાનો ડૉ. નવલ પર આરોપ હતો. જ્યારે સાલ્વેએ તે ડોક્ટર સામે સવાલો ઉઠાવ્યા ત્યારે તેમની પર ડૉ. નવલની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ પણ મુકવામાં આવ્યો હતો, તે માટે, તેમને, રામા ખડગેને અને મને બે વર્ષની સખત કેદની સજા અને ૫૦૦ રૂપિયાનો દંડ થયો હતો. પછી એક ઉચ્ચ અદાલતે અમને નિર્દોષ જાહેર કર્યા.”
એ જ મારખેલ ગામમાં, ૭૦ વર્ષીય નાગરબાઈ સોપાન વાઝરકરે મને આત્મારામ સાલ્વેના હસ્તલિખિત ગીતોની નોટબુક આપી. તેણીએ તેને માટીના વાસણમાંથી બહાર કાઢી, જ્યાં તે ૪૦ વર્ષોથી સુરક્ષિત રીતે રાખવામાં આવી હતી. મરખેલમાં આત્મારામ પર હુમલો થયો ત્યારે નાગરબાઈએ જ તેમનો જીવ બચાવ્યો હતો. અન્ય એક ઘટનામાં, માજલગાંવના વેપારીઓએ પેન્થર્સ દ્વારા આયોજિત કરવામાં આવેલા બંધ માટે આત્મારામ સાલ્વેને હાંકી કાઢવાની માંગ સાથે વિરોધ રેલી યોજી હતી. ત્યારપછી તેમને બીડ જિલ્લામાં પ્રવેશવા પર રોક લગાવી દેવામાં આવી હતી. આત્મારામ જ્યારે તેમની કવિતાઓનું પ્રદર્શન કરતા હતા ત્યારે મુખેડના તેજેરાવ ભદ્રે હાર્મોનિયમ વગાડતા હતા. તેઓ કહે છે: “આત્મારામના ભાષણ જુસ્સાદાર અને તેમના ગીતો ઉશ્કેરણીજનક હતા. દલિતો તે સાંભળવાનું પસંદ કરતા હતા, પરંતુ સવર્ણ લોકોને તેનાથી નારાજ હતા. તેઓ ઘણીવાર તેમના પર પથ્થરમારો કરતા હતા. જ્યારે આત્મારામ ગાતા ત્યારે આગળ બેઠેલા લોકો મંચ પર સિક્કા ફેંકતા, જ્યારે તેમનાથી નારાજ થયેલા લોકો તેમના પર પથ્થરમારો કરતા. એક શાહીર તરીકે, એક જ સમયે તેમને પ્રેમ અને નફરત બન્ને મળતા હતા - અને આ સામાન્ય હતું. પરંતુ પથ્થરમારાએ આત્મારામને ગાતા ક્યારેય રોક્યા નહીં. તેમણે તેમના તમામ ગુસ્સાને તેમના ગીતોમાં વહાવ્યો અને લોકોને તેમના ગૌરવ અને ગરિમા માટે લડવાની અપીલ કરી. તેઓ ઇચ્છતા હતા કે તેઓ અન્યાય સામે લડે.”
સામાજિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના આરોપમાં પોલીસ અવારનવાર તેમના કાર્યક્રમો બંધ કરી દેતી હતી, પણ આત્મારામે ક્યારેય તેમની પ્રસ્તુતિ બંધ કરી નહીં. આત્મારામની પ્રસ્તુતિ દરમિયાન તેમને સાથ આપતા ફૂલે પિંપલગાંવના શાહીર ભીમસેન સાલ્વે યાદ કરે છે: “આત્મારામ સાલ્વેને બીડ જિલ્લામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા, પરંતુ એક રાત્રે, તેઓ તે જિલ્લાની સરહદમાં તેમની શાહીરી પ્રસ્તુત કરવાના હતા.
કોઈએ પોલીસને આ બાતમી આપી દીધી. તેઓએ આવીને આત્મારામને તેમની પ્રસ્તુતિ કરવાની મનાઈ કરી. એટલે આત્મારામ ગામમાંથી વહેતી નદી ઓળંગીને પેલે પાર ગયા. તે ભાગ જિલ્લાની સરહદની બહાર હતો, અને ત્યાં જઈને તેમણે ત્યાંથી ગાવાનું શરૂ કરી દીધું. લોકો નદી કિનારે અંધારામાં તેમને ગાતા સંભાળવા બેસી રહ્યા. ગાયક જિલ્લાની બહાર હતો, અને શ્રોતાઓ જિલ્લાની સરહદોની અંદર. પોલીસ લાચાર હતી! તે હાસ્યસ્પદ હતું.” આત્મારામે આવી અનેક પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો, પરંતુ તેમણે ક્યારેય ગાવાનું બંધ કર્યું નહીં. ગાયન તેમના જીવનની શક્તિ હતી.
મરાઠવાડા યુનિવર્સિટીનું નામ બદલવાની ચળવળને બે દાયકાઓ સુધી આત્મારામ સાલ્વેની કવિતાઓ રૂપી સૂર મળી રહ્યો
માનવી હક્ક અભિયાન (બીડ) ના સ્થાપક પ્રમુખ વકીલ એકનાથ આવડએ તેમની આત્મકથા જગ બાદલ ઘાલુની ઘાવ (જેનો અનુવાદ જેરી પિન્ટોએ કર્યો છે, સ્ટ્રાઈક અ બ્લો ટુ ચેઈન્જ ધ વર્લ્ડ) માં આત્મારામ સાલ્વે સાથે સંકળાયેલી એક ઘટના વિષે લખ્યું છે: “આત્મારામને તેમની શાહીરી દ્વારા સામાજિક વિસંગતતા પેદા કરવા, લોકોને ગુસ્સે કરવાના આરોપો હેઠળ તડીપાર કરવામાં આવ્યા હતા. તેથી તેઓ નાંદેડમાં હતા ને અમે પેન્થર્સની જિલ્લા શાખા શરૂ કરીને તેમના જલસાનું આયોજન કર્યું. અંબાજોગાઈમાં પરલી વાસમાં મોટી દલિત વસ્તી છે. તેથી જલસાનું આયોજન ત્યાં કરવામાં આવ્યું હતું. આત્મારામને બીડમાં પ્રવેશવા પર પ્રતિબંધ હતો. તેથી પોલીસે ચાંપતી નજર રાખી હતી. એક પીએસઆઈ કદમ આત્મારામની ધરપકડ કરવા માટે તૈયાર જ હતા. અમે જઈને તેમને મળ્યા. અમે તેમને કહ્યું કે, ‘તેમની પ્રસ્તુતિ પછી તેમની ધરપકડ કરજો.’ તો તેઓ માની ગયા. આત્મારામે પુરજોશથી તેમના ગીતો પ્રસ્તુત કર્યા. તેમના ગીતોએ નામંતરની માંગને ફરીથી ઉજાગર કરી. પીએસઆઈ કદમે પણ ગીતોની મજા માણી હતી. તેમણે આત્મારામને ‘ખૂબ જ કટ્ટરપંથી શાહીર’ કહીને તેમની પ્રશંસા પણ કરી હતી. પરંતુ તેમની પ્રશંસા કરતી વખતે પણ તેઓ તેમની ધરપકડ કરવા સજ્જ હતા. આત્મારામને તેનો ખ્યાલ આવી ગયો એટલે તેઓ તેમની જગ્યાએ કોઈ બીજાને બેસાડીને ત્યાંથી ફરાર થઇ ગયા. આત્મારામને પકડવા માટે પીએસઆઈ કદમ મંચ પર પહોંચી ગયા હતા. પણ તેમનો ક્યાંય પત્તો ન હતો.”
૨૭ જુલાઈ, ૧૯૭૮ના રોજ, મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠવાડા યુનિવર્સિટીનું નામ બદલવાનો ઠરાવ પસાર થતાંની સાથે જ સમગ્ર મરાઠવાડા પ્રદેશ દલિતો માટે જાણે કે નરસંહારના મેદાનમાં ફેરવાઈ ગયો. એક જ દિવસની અંદર બધા જ વાહનવ્યવહાર સ્થગિત કરી દેવામાં આવ્યા અને દલિતોના હજારો ઘરોને સળગાવી દેવામાં આવ્યા. કેટલાક સ્થળોએ ઝૂંપડાઓને આગચંપી કરવામાં આવતા અંદર રહેલી મહિલાઓ અને બાળકો જીવતા સળગી ગયા. નાંદેડ જિલ્લામાં સુગાંવ ગામના જનાર્દન મેવાડે અને ટેમ્ભર્ની ગામના ડેપ્યુટી સરપંચ પોચીરામ કાંબલેની હત્યા કરવામાં આવી. પરભણી જિલ્લાના ધામણગાંવ ગામના દલિત પોલીસ અધિકારીઓ સંભાજી સોમાજી અને ગોવિંદ ભુરેવરની પણ હત્યા કરવામાં આવી. હજારો દલિતો ઘાયલ થયા. લાખોની માલમત્તા લૂંટી લેવામાં આવી. ઊભા પાક અને ખેતીની જમીનો પણ નષ્ટ કરવામાં આવી. ઘણા ગામોમાં દલિતોનો બહિષ્કાર કરવામાં આવ્યો અને તેમને ખોરાક અને પાણી પણ બંધ કરવામાં આવ્યા. હજારો લોકોએ ગામડાઓમાંથી શહેરો તરફ સ્થળાંતર કર્યું. જાહેર અને ખાનગી સંપત્તિનું આશરે ૧.૫ કરોડ રૂપિયા કુલ નુકસાન થયું હતું. ઘણી જગ્યાએ ડૉ. આંબેડકરની પ્રતિમાઓ તોડી નાખવામાં આવી હતી. મરાઠવાડા વિસ્તાર જ્ઞાતિના યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હતું.
આત્મારામે મરાઠવાડામાં જાતિય હિંસાની તીવ્રતાનું વર્ણન કરતું ગીત લખ્યું, જેમાં ત્યાંની નિર્દયતા છતી થાય છે:
ગામડાઓ
અને નેસમાં આગ ભભૂકી
નલગીરમાં
એક નાનું બાળક દાઝી ગયું
જીવ
અધ્ધર રાખી, તે જંગલમાં
નાસ્યા
દલિતો
ધસી આવ્યા અને આડેધડ ભાગ્યા
જ્ઞાતિવાદીઓએ
તેમને હેરાન-પરેશાન કર્યા
દલિતો
પાસે કોઈ નોકરી ન હતી, તેમના રસોડાની આગ ઠંડી હતી
લોકો ઉભા
થાઓ, ઉભા થાઓ, નહીં થાઓ તમે?
સળગતા
ઘરોને સરખા કરો, નહીં કરો તમે?
ભલે
લોહીના પ્રવાહો વહેતા હોય
મને આ
લોહીમાં નહાવા દો
મારી
સાથે આ છેલ્લી લડાઈ લડો, નહીં લડો તમે?
ક્રાંતિના
આ બીજ વાવો, નહીં વાવો તમે?
આ દલિત વિરોધી માહોલ એક દિવસમાં સર્જાયો ન હતો. તેના મૂળ નિઝામના શાસનમાં હતા. સ્વામી રામાનંદ તીર્થ નિઝામ સામેની લડાઈમાં મોખરે હતા. તેઓ આર્ય સમાજના હતા. આર્ય સમાજની રચના બ્રાહ્મણવાદી જુલ્મનો પ્રતિકાર કરવા માટે કરવામાં આવી હોવા છતાં, તેના બધા નેતાઓ બ્રાહ્મણો જ હતા. અને રઝાકારો સામેના સંઘર્ષ દરમિયાન આ નેતાઓએ દલિતો સામે અનેક પૂર્વગ્રહોના બીજ વાવ્યા હતા. ‘દલિતો નિઝામને સમર્થન આપે છે’, ‘દલિત મહોલ્લાઓ રઝાકારોને આશ્રય આપે છે’ જેવી ખોટી માહિતીએ આંબેડકર વિરોધી સવર્ણ લોકોને ગુસ્સે કર્યા હતા અને આ ખોટી માહિતી તેમના મનમાં ઘર કરી ગઈ હતી. તેથી, રઝાકારો પર થયેલી પોલીસ કાર્યવાહી દરમિયાન દલિતોને ઘણા અત્યાચારોનો સામનો કરવો પડ્યો હતો. દલિતો પરના આ અત્યાચારો અંગેનો અહેવાલ મરાઠવાડા અનુસૂચિત જાતિ મહામંડળના તત્કાલીન પ્રમુખ ભાઈસાહેબ મોરે દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો, જેને તેમણે ડૉ. આંબેડકર અને ભારત સરકારને મોકલ્યો હતો.
ડૉ. આંબેડકર પછી જમીન અધિકારની લડાઈ દાદાસાહેબ ગાયકવાડના નેતૃત્વમાં લડાઈ હતી, જેમનું સૂત્ર હતું ‘કસેલ ત્યાચી જમીં, નસે ત્યાચે કે?’ (ખેડનારને જમીન, પણ ભૂમિહીનનું શું?) મરાઠવાડાના દલિતો આ સંઘર્ષમાં મોખરે હતા, અને લાખો મહિલાઓ અને પુરુષો તેના માટે જેલમાં ગયા હતા. દલિતોએ આજીવિકા માટે લાખો હેક્ટર જમીન પર કબજો કર્યો. દલિતોને ગૌચર જમીન મળવાથી સવર્ણો બહુ ખુશ ન હતા. તેમના મનમાં આ વિષે ગુસ્સો બાકી રહ્યો. વસંતદાદા પાટીલ અને શરદ પવાર વચ્ચેની લડાઈએ પણ આમાં ભૂમિકા ભજવી હતી. ગામડે ગામડે સવર્ણ લોકોનો આક્રોશ નફરત અને હિંસા સ્વરૂપે વ્યક્ત થઈ રહ્યો હતો. નામાંતર ચળવળ દરમિયાન અફવાઓ વહેતી હતી, કે “યુનિવર્સિટીને વાદળી રંગથી રંગવામાં આવશે”, “ડિગ્રી પ્રમાણપત્રમાં ડૉ. આંબેડકરની છબી હશે”; “ડૉ. આંબેડકર આંતરજ્ઞાતિય લગ્નોને પ્રોત્સાહન આપે છે, તેથી આ શિક્ષિત યુવાન દલિતો આપણી દીકરીઓ છીનવી લેશે.”
“મરાઠવાડા યુનિવર્સિટીના નામાંતરનો મુદ્દો નવ બૌદ્ધ [નિયો બૌદ્ધ] ચળવળના વિઝનમાં શામેલ છે. તે સ્પષ્ટપણે એક અલગતાવાદી ચળવળ છે જે દલિતો માટે એક અલગ અસ્તિત્વની માંગ કરે છે, અને તેના માટે તેઓ બૌદ્ધ રાષ્ટ્રો પાસેથી મદદ માંગે છે. તેઓએ ભારતીય નાગરિકતા છોડવાનું પણ નક્કી કર્યું છે. તેથી આપણે વહેલી તકે સ્પષ્ટ અને મક્કમ વલણ અપનાવવાની જરૂર છે.” નામંતર વિરોધી કૃતિ સમિતિએ લાતુર ખાતેની તેમની બેઠકમાં આ ઠરાવ પસાર કરીને દલિતોને તેમના વતનથી અલગ કરવાનો પ્રયાસ કર્યો. નામંતર ચળવળને હિંદુઓ અને બૌદ્ધો વચ્ચેની લડાઈ તરીકે દર્શાવવામાં આવી હતી અને આવા પૂર્વગ્રહો સામાન્ય બની ગયા હતા. આથી, મરાઠવાડામાં જ્યાં સુધી નામાંતર આંદોલન શરૂ ન થયું ત્યાં સુધી તે સળગતું રહ્યું, અને તે પછી પણ તે વિસ્તારમાં સતત અશાંતિ રહી. નામંતર આંદોલન દરમિયાન ૨૭ દલિતો શહીદ થયા હતા.
આ ચળવળ માત્ર અસ્તિત્વ અને ઓળખના મુદ્દાઓ સુધી જ સીમિત ન હતી, પરંતુ તે સામાજિક અને સાંસ્કૃતિક સંબંધોમાં પણ સમાઈ ગઈ હતી. તેની અસર જન્મ, લગ્ન અને મૃત્યુ વિધિ દરમિયાન જોવા મળી હતી. લગ્નમાં અને અંતિમ સંસ્કાર વખતે, લોકોએ ‘ડૉ. આંબેડકરંચા વિજય આસો’ (‘ડૉ. આંબેડકરનો વિજય’), અને ‘મરાઠવાડા વિદ્યાપીઠાચે મમંતર ઝલેચ પાહિજે’ (‘મરાઠવાડા યુનિવર્સિટીનું નામ બદલવું જોઈએ’) જેવા સૂત્રો આપવાનું શરૂ કર્યું. શાહીર આત્મારામ સાલ્વેએ લોકોને નામાંતર વિષે જાગૃત કરવામાં અને સામાજિક સાંસ્કૃતિક ચેતનાને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આત્મારામ સાલ્વેનું જીવન આંબેડકર અને નામંતરને સમર્પિત બની ગયું. તેઓ કહેતા, “જ્યારે યુનિવર્સિટીનું નામ સત્તાવાર રીતે બદલાશે, ત્યારે હું મારું ઘર અને ખેતર વેચીને તે પૈસાનો ઉપયોગ યુનિવર્સિટીની પ્રવેશ કમાન પર આંબેડકરનું નામ સુવર્ણ અક્ષરોમાં લખવા માટે વાપરીશ.” પોતાના અવાજ, શબ્દો અને શાહીરીથી તેમણે જુલ્મ સામે જ્ઞાનની મશાલ જલાવી હતી. નામંતરના ધ્યેય સુધી પહોંચવા માટે સખત મહેનત કરીને, તેઓ બે દાયકા સુધી મહારાષ્ટ્રના ગામડાઓમાં કોઈપણ સાધન વિના પગપાળા ફર્યા. તેમને યાદ કરીને, ઔરંગાબાદના ડૉ. અશોક ગાયકવાડ કહે છે, “નાંદેડ જિલ્લામાં આવેલા મારા ગામ બોન્ડગવહનમાં હજુ પણ સારો રસ્તો નથી, અને ત્યાં કોઈ વાહન જઈ શકતું નથી. આત્મારામ ૧૯૭૯માં અમારા ગામમાં આવ્યા અને શાહીરી જલસા કર્યા. તેઓ તેમની શાહીરી વડે અમારા જીવનમાં પ્રકાશ લાવ્યા અને તેમના ગીતોએ દલિતોને તેમના સંઘર્ષમાં સશક્ત કર્યા. તેમણે જ્ઞાતિવાદી લોકોને ખુલ્લેઆમ ઉગાડા પાડી દીધા. જે ક્ષણે તેઓ તેમના શક્તિશાળી અવાજમાં ગાવાનું શરૂ કરે, એટલે જેમ મધમાખી મધપૂડાને જેમ ચોંટી જાય છે તેમ લોકો તેમની ફરતે ઉમટી પડતા. તેમના ગીતોથી કાન જાણે કે પ્રફુલ્લિત થઇ જતા, અને તેમના શબ્દોથી મૃત મનને ફરીથી જાગવા અને નફરત સામે લડવા માટે પ્રોત્સાહન મળતું.”
નાંદેડ જિલ્લાના કિનવાટના દાદારાવ કાયાપાક પાસે સાલ્વેની ઘણી સારી યાદો છે. “૧૯૭૮માં, ગોકુલ ગોંડેગાંવમાં દલિતોને બહિષ્કૃત કરવામાં આવ્યા હતા. તેના વિરોધમાં એસ.એમ. પ્રધાન, સુરેશ ગાયકવાડ, મનોહર ભગત, એડવોકેટ મિલિંદ સરપે અને મેં મોરચો કાઢ્યો હતો. પોલીસે કલમ ફોજદારી કાર્યવાહી અધિનિયમ, [સીઆરપીસી] ની કલમ ૧૪૪ લાગુ કરી દીધી, જેમાં કોઈપણ જાહેર મેળાવડા પર પ્રતિબંધ હોય છે. આત્મારામ સાલ્વેના જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું અને પરિસ્થિતિ તંગ બની હતી. સવર્ણ લોકોએ માંગ કરી હતી કે શાહીર સાલ્વે અને પેન્થર કાર્યકરોની ધરપકડ કરવામાં આવે. તેઓએ પોલીસ અધિક્ષક શ્રુંગારવેલ અને નાયબ અધિક્ષક એસ.પી. ખાનનો ઘેરાવ કર્યો અને પોલીસ ગેસ્ટ હાઉસની કમ્પાઉન્ડ વોલને આગ ચાંપી દીધી. માહોલ તંગ બની ગયો અને પોલીસે ગોળીબાર કર્યો. તેમાં કોંગ્રેસના સાંસદ ઉત્તમરાવ રાઠોડના નજીકના સાથી અને દલિત આરક્ષણના કાર્યકર જે. નાગોરાવ સ્વર્ગે સિધાવી ગયા.”
શાહીર આત્મારામ સાલ્વેના ગીતો માનવતા, સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વ અને ન્યાયના વિચારોથી ભરપૂર છે. લડાઈ, થીંગી (જુસ્સો), ક્રાંતિ, આગ, રણ (યુદ્ધનું મેદાન), શસ્ત્ર, તોપ, યુદ્ધ, નવ ઈતિહાસ (નવો ઈતિહાસ) જેવા શબ્દો તેમના ગીતોની શોભા વધારે છે. આ બધાનો તેમણે વાસ્તવિક જીવનમાં પણ સામનો કર્યો હતો. તેમનું દરેક ગીત યુદ્ધ માટે તૈયાર કરતું હતું.
તોપ લાવ્યો, છલાંગ
લગાવી
મનુના સંતાનોને
દફનાવવા
ચાલો એક નવો ઈતિહાસ
રચીએ
ક્રાંતિના રોપાનું
વાવેતર કરીએ
આજે બંદૂકની ગોળી,
હોળી પ્રગટાવશે
મનુના કિલ્લાને
ધ્વંસ્ત કરવા
આત્મારામ સાલ્વેએ મનોરંજન, પૈસા, ખ્યાતિ કે નામ માટે પ્રસ્તુતિ નથી કરી. તેમનું માનવું હતું કે કળા એ તટસ્થ નથી, પરંતુ પરિવર્તનની લડાઈમાં એક મહત્વપૂર્ણ સાધન છે
એક કલાકાર અને શાહીર તરીકે આત્મારામ તટસ્થ ન હતા. કે ન તો તેઓ પ્રાંતવાદી કે સંકુચિત માનસિકતા ધરાવતા હતા. ૧૯૭૭માં બિહારના બેલછીમાં દલિતોનો નરસંહાર થયો હતો. તેઓ બેલછી ગયા અને ત્યાં આંદોલન શરૂ કર્યું. આ બદલ તેમને ૧૦ દિવસની જેલ થઈ હતી. તેમણે હત્યાકાંડ વિષે આ પ્રકારે લખ્યું હતું:
આ હિંદુ દેશમાં,
બેલછી ખાતે
મારા ભાઈઓ બળી
ગયા, મેં આ જોયું
માતાઓ, બહેનો
અને બાળકો પણ
તેમનો
જીવ બચાવી દોડ્યા, મેં આ જોયું
આ જ ગીતમાં તેમણે દલિત નેતાઓની વૈચારિક રીતે પોકળ અને સ્વાર્થી રાજનીતિ પર પ્રહારો કર્યાઃ
કેટલાક કોંગ્રેસની
કઠપૂતળી બની ગયા
કેટલાકે પોતાનું
મન અને શરીર ‘જનતા’ [દળ] ને
સમર્પિત કર્યું
નિર્ણાયક ક્ષણે,
ઢોંગી ગવાઈની જેમ
મેં તેમને દુશ્મન
સાથે હાથ મિલાવતા જોયા
૧૯૮૧માં, અનુસ્નાતક શિક્ષણમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે અમુક સીટો આરક્ષિત કરવામાં આવી તેના વિરોધમાં વિદ્યાર્થીઓ હોવાનો ઢોંગ કરતા અનામત વિરોધીઓના જૂથે ગુજરાતમાં કત્લેઆમ કર્યો હતો. આગચંપી, લૂંટફાટ, છરી વડે હુમલો, ટીયરગેસ અને ગોળીબાર થયો હતો. મોટા ભાગના હુમલાઓમાં દલિતોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અમદાવાદમાં દલિત કામદારોની વસાહતોને આગ ચાંપવામાં આવી હતી. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં, ઉચ્ચ જાતિના લોકોએ દલિત વસાહતો પર હુમલા કર્યા હતા. અસંખ્ય દલિતોને તેમના ગામ છોડીને ભાગી જવાની ફરજ પડી હતી.
આ વિષે આત્મારામે લખ્યું:
આજે અનામત બેઠકો
માટે
શા માટે તમે નબળાઓને
દબાવો છો
તમે લોકશાહીના
લાભાર્થી છો
તમે આટલું ખરાબ વર્તન કેમ કરો છો
આજે ગુજરાત સળગી
રહ્યું છે
આવતીકાલે આખો
દેશ સળગશે
આ એક ધગધગતી આગ
છે
એમાં તું કેમ
બળે છે
આત્મારામ સાલ્વેએ મનોરંજન, પૈસા, ખ્યાતિ કે નામ માટે પ્રસ્તુતિ નથી કરી. તેમનું માનવું હતું કે કળા એ તટસ્થ નથી કે ન તો એ મનોરંજનનું સાધન છે, પરંતુ સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય પરિવર્તનની લડાઈમાં એક મહત્ત્વનું સાધન છે. તેમણે ૩૦૦ થી પણ વધારે ગીતો લખ્યા હતા, જેમાંથી આપણી પાસે ૨૦૦ જેટલા ગીતો લેખિત સ્વરૂપમાં છે.
નાંદેડ જિલ્લામાં ભોકર ખાતે લક્ષ્મણ હિરે, મરખેલ ખાતે નાગરબાઈ વજરકર, મુખેડ ખાતે તેજેરાવ ભદ્રે, અને બીડ જિલ્લામાં ફુલે પિંપલગાંવ ખાતે શાહીર મહેન્દ્ર સાલ્વે પાસે તેમના ગીતોનો સંગ્રહ છે. ઘણા અધૂરા ગીતો લોકોની સ્મૃતિમાં તાજા છે. આ ગીતો કોણે લખ્યા? કોઈ જાણતું નથી. પરંતુ લોકો તેમને ગુનગુનાવી રહ્યા છે.
આપણે સૌ જય ભીમવાળા
આપણા સરદાર [નેતા] રાજા ઢાલે છે
આ ‘દલિત પેન્થરનું મુખ્ય ગીત’, જે તે દિવસોમાં પેન્થરના દરેક સભ્યના હોઠો પર હતું, તે સાલ્વે દ્વારા લખવામાં આવ્યું હતું. આ ગીત આજે પણ મરાઠવાડાના લોકોના દિલોદિમાગમાં વાગે છે.
ક્રાંતિની આ ચિનગારીઓ
વાવી
આ આગને સળગવા
દો
ક્યાં સુધી આપણે
ઉપેક્ષા સહન કરીશું
હૃદયમાં આગ ભભૂકી
ઉઠે છે
બાળક માતાને લાત
મારે છે
પેટમાંથી
આગળનો સમય જોઇને
ભીમબાના બહાદુર
સૈનિકો
તમે જાગૃત થાઓ
ઉપરનું આ લોકપ્રિય ગીત આત્મારામે લખ્યું હતું. તેમણે મરાઠવાડા નામાંતર પોવાડા (ગીતો) પણ લખ્યા હતા. આવું તેમની હસ્તપ્રતની અનુક્રમણિકામાં નોંધેલું છે, પણ અમારી પાસે તેની લેખિત નકલ નથી. જો કે, પુણેના રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના નેતા રોહિદાસ ગાયકવાડ અને આંબેડકરી ચળવળના પીઢ, મિશનરી નેતા વસંત સાલ્વેએ મને થોડીક પંક્તિઓ ગાઈને સંભળાવી હતી. ઈન્દાપુર તાલુકાના બાવડા ગામમાં (ઉચ્ચ જાતિના લોકો દ્વારા) દલિતોના બહિષ્કાર દરમિયાન, આત્મારામ સાલ્વે પુણે આવ્યા હતા અને ઝૂંપડપટ્ટી વાળા વિસ્તારોમાં તેમની પ્રસ્તુતિ રજુ કરી હતી. તેમના ગીતો સામૂહિક ભાવના અને સંવેદનશીલતાના વિષયોની આસપાસ ફરતા હતા. આત્મારામ જ્યારે પણ પ્રસ્તુતિ કરતા, ત્યારે તે જગ્યાના અને આજુબાજુના ગામડાઓમાંથી દલિતો પગપાળા ચાલીને આવતા. તેમની પ્રસ્તુતિ પછી પેન્થર કાર્યકરો શ્રોતાઓને સંબોધતા. તેઓ પેન્થર્સ અને નામાંતર સંઘર્ષ માટે ‘માનવ મહેરામણને આકર્ષિત’ કરનાર બન્યા. જેમ નામદેવ ધસાલ દલિત પેન્થર યુગના પ્રતિનિધિ કવિ છે, તેમ આત્મારામ સાલ્વે પણ પેન્થર યુગના પ્રતિનિધિ ગીતકાર છે. જેમ નામદેવ તેમની કવિતાઓમાં કંઈક ‘નવું જ’ કરે છે તેમ આત્મારામ આંબેડકર પછીની ચળવળની શાહીરીમાં એવું કરે છે. જેમ નામદેવની કવિતા પેન્થર યુગની સમજૂતી આપે છે, તેવી જ રીતે આત્મારામની શાહીરી પણ તેમના સમયગાળાને સમજાવે છે. અને જેમ નામદેવની કવિતા જાતિ અને વર્ગની સમસ્યાઓને એકસાથે ઉજાગર કરે છે, તેમ આત્મારામની શાહીરી એક જ સમયે જાતિ, વર્ગ અને લિંગ દમનની સમસ્યાઓને ઉજાગર કરે છે. પેન્થર્સ તેમને પ્રભાવિત કરે છે, અને તેઓ પેન્થર્સ અને લોકોને પ્રભાવિત કરે છે. આ પ્રભાવ હેઠળ જ તેમણે ઉચ્ચ શિક્ષણ, નોકરી, ઘર, પોતાનું બધું જ છોડી દીધું અને નિર્ભયતાથી અને નિઃસ્વાર્થપણે પોતાના પસંદ કરેલા માર્ગને અનુસર્યા.
જેમ નામદેવ ધસાલ દલિત પેન્થર યુગના પ્રતિનિધિ કવિ છે, તેમ આત્મારામ સાલ્વે પણ પેન્થર યુગના પ્રતિનિધિ ગીતકાર છે
વસઈના ભૂતપૂર્વ ધારાસભ્ય વિવેક પંડિત બે દાયકા કરતા વધુ સમય સુધી આત્મારામ સાલ્વેના મિત્ર હતા. તેઓ કહે છે, “ભય અને સ્વાર્થ - આ બે શબ્દો આત્મારામના શબ્દકોશમાં હતા જ નહીં.” સાલ્વેને તેમના અવાજ અને શબ્દો પર ખૂબ જ મહારત હતી. તેઓ જે જાણતા હતા તેના પર પણ તેની મક્કમ પકડ હતી. મરાઠી ઉપરાંત, તેઓ હિન્દી, ઉર્દૂ અને અંગ્રેજી પણ સડસડાટ બોલતા હતા. તેમણે હિન્દી અને ઉર્દૂમાં પણ કેટલાક ગીતો રચ્યા હતા. તેમણે હિન્દીમાં કેટલીક કવ્વાલીઓ પણ લખી અને રજૂ કરી હતી. પરંતુ તેમણે ક્યારેય તેમની કળામાંથી પૈસા બનાવવાનું નથી વિચાર્યું અને તેમની કળાનું વેપારીકરણ નથી કર્યું. પોતાની કળા, શબ્દો અને પોતાના શક્તિશાળી અવાજને શસ્ત્રમાં ફેરવીને, તેઓ ‘જાતિ-વર્ગ-લિંગ’ ના જુલ્મ સામે સૈનિકની જેમ લડતા બહાર આવ્યા - અને તેમના મૃત્યુ સુધી એકલા લડતા રહ્યા.
કુટુંબ, ચળવળ, અને વ્યવસાય એ કોઇપણ કાર્યકર્તા માટે માનસિક આધારના સ્ત્રોત હોય છે. તેમને એકસાથે લાવીને, લોક ચળવળને એક એવી જગ્યા બનાવવાની જરૂર છે જ્યાં કાર્યકર્તાઓ અને લોક કલાકારો પોતાનો ગુજારો કરી શકે અને પોતાને ટકાવી શકે - જ્યાં તેઓ એકલા અટૂલા ન હોય.
આંબેડકરવાદી ચળવળમાં કલાકારોને માનસિક હતાશામાં લપસતા બચાવવા કે પછી તેઓ હતાશ હોય ત્યારે તેમને મદદ કરવા માટે કોઈ રચનાત્મક અને સંગઠનાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. તો સ્વાભાવિક રીતે જ આત્મારામ સાલ્વે જેવા કલાકાર સાથે જે થવાનું હતું તે થયું.
તેમના પાછળના જીવનમાં, તેમને ત્રણેય સ્તરેથી નિરાશા સાંપડી હતી. આંદોલનના કારણે તેમનો પરિવાર તૂટી ગયો. તેમની (દારૂની) લત વણસતી ગઈ. અંતે, તેઓ સનેપાતથી પીડાવા લાગ્યા. તેઓ કોઈની પણ માંગણી પર ગમે ત્યાં એક કલાકારની જેમ ઊભા રહીને ગાવાનું શરૂ કરી દેતા - રસ્તાની વચ્ચે, નગરના ચોકમાં કે ગમે ત્યાં. વ્યસનની લત સાથે, નામંતર માટે લડનાર આ શાહીર ૧૯૯૧માં યુનિવર્સિટીનું નવું નામ સુવર્ણ અક્ષરે કમાન પર લખ્યા વિના જ શહીદ થઈ ગયા.
આ અહેવાલ મૂળ મરાઠી ભાષામાં લખાયો હતો.
પોવાડા (ગીતો) નો અનુવાદ: નમિતા વાઈકર.
વાર્તાના અહેવાલમાં મદદ કરવા બદલ લેખક ભોકરના લક્ષ્મણ હિરે, નાંદેડના રાહુલ પ્રધાન અને પૂણેના દયાનંદ કનકદંડેનો આભાર માને છે.
આ સંકલન પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઇન્ડિયાના સહયોગથી ઈન્ડિયા ફાઉન્ડેશન ફોર ધ આર્ટસ દ્વારા તેમના આર્કાઈવ્સ એન્ડ મ્યુઝિયમ પ્રોગ્રામ હેઠળ અમલમાં મૂકાયેલ પ્રોજેક્ટ ‘ઈન્ફ્લુએન્શીયલ શાહીર્સ, નરેટીવ્સ ફ્રોમ મરાઠવાડા’ નામના સંગ્રહનો એક ભાગ છે. નવી દિલ્હીના ગોથે-ઇન્સ્ટીટ્યુટ/મેક્સ મુલર ભવનના આંશિક સમર્થનથી આ શક્ય બન્યું છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ