મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના શેંદુર ગામના ખેડૂત દત્તાત્રેય કાસોટે કહે છે, “થોડા દિવસો પહેલા જ, એક રસેલ વાઇપર મારા પગની લગોલગ હતો અને હુમલો કરવા તૈયાર જ હતો. મેં બરોબર સમયે તેને જોઈ લીધો.” જ્યારે તેમને એ ખતરનાક સાપ દેખાયો, તે રાત્રે તેઓ તેમના ખેતરમાં પાણી પીવડાવી રહ્યા હતા.
કાસોટે જેવા ખેડૂતો માટે, કારવીર અને કાગલ તાલુકાઓમાં રાત્રે સિંચાઈ પંપ ચલાવવા એ રોજનું થઈ ગયું છે, આ તાલુકાઓમાં વીજળીનો પુરવઠો તૂટક તૂટક, અણધાર્યો અને અવિશ્વસનીય હોય છે.
વીજ પુરવઠા માટે કોઈ ચોક્કસ સમય નથી હોતો: તે કાં તો રાત્રે આવે છે કાં તો દિવસ દરમિયાન ગમે તે સમયે આવે છે, અને કેટલીકવાર નિર્ધારિત આઠ-કલાકના પુરવઠામાં કાપ મૂકવામાં આવે છે, અને તે ઘટાડો મજરે આપવામાં આવતો નથી.
પરિણામે, શેરડીના પાક કે જેને મોટા પ્રમાણમાં પાણીની જરૂર હોય છે, તેને સમયસર પાણી નથી મળતું અને ખેડૂતોને નુકસાન થાય છે. ખેડૂતો કહે છે કે તેઓ લાચાર છે; તેઓ તેમના બાળકોને આજીવિકા રળવાના માધ્યમ તરીકે ખેતીને પસંદ કરતા રોકી રહ્યા છે. આના બદલે, યુવાનો નજીકના મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC)માં માસિક 7,000-8,000 રૂપિયા વેતનમાં કામ કરવાનું પસંદ કરી રહ્યા છે.
કારવીરના એક યુવાન ખેડૂત શ્રીકાંત ચવ્હાણ કહે છે, “આટલું કામ કરવા છતાં અને તકલીફો ઉઠાવવા છતાં, ખેતીમાંથી કોઈ નફો થતો નથી. અમને આના બદલે ઉદ્યોગોમાં કામ કરવું અને સારો પગાર મેળવવો વધુ યોગ્ય લાગે છે.”
કોલ્હાપુરમાં ખેડૂતો અને તેમની આજીવિકા પર વીજળીની અછતની અસરો દર્શાવતી એક ટૂંકી ફિલ્મ.
અનુવાદક: ફૈઝ મોહંમદ