બુધુરામ ચિંદા ભયથી ધ્રૂજી રહ્યા હતા. તેમનાથી થોડાક જ અંતરે મોટા કાળા આકારની આકૃતિઓ ચંદ્રના પ્રકાશના પડછાયામાં ઊભી હતી. કાથાફર ગામના 60 વર્ષીય ભુંજિઆ આદિવાસી ખેડૂત તેમના ઘરના અડધા બંધ દરવાજાના બાકોરામાંથી ડોકિયું કરી રહ્યા હતા.
ઓડિશામાં સુનાબેડા વન્યજીવ અભયારણ્યના મુખ્ય અને અનામત વિસ્તારોમાં આવેલી 52 માનવ વસાહતોમાંની એકમાં રહેતા ખેડૂત માટે આ મોટા સસ્તન પ્રાણીઓનું દેખાવું કોઈ અસામાન્ય વાત ન હતી.
પરંતુ તેમ છતાં, તેઓ કહે છે, “હું એ વિચારીને ધ્રૂજતો હતો કે તેઓ પળભરમાં મને અને મારા કાચા ઘરને કચડી નાખશે.” થોડી વાર પછી તેઓ તેમના ઘરના પાછળના ભાગમાં ગયા અને તુલસીના છોડ પાસે ઊભા રહ્યા: “મેં દેવી લક્ષ્મીને અને તે મોટા સસ્તન પ્રાણીઓને પ્રાર્થના કરી હતી, કદાચ તે ઝૂંડે મને જોયો હતો.”
બુધુરામનાં પત્ની, 55 વર્ષીય સુલક્ષ્મી ચિંદાએ પણ હાથીઓના બરાડા સાંભળ્યા હતા. તેઓ લગભગ એક કિલોમીટર દૂર ગામમાં તેમના પુત્રો અને તેમના પરિવાર સાથે તેમના ઘેર હતાં.
હાથીઓનું તે ટોળું લગભગ એક કલાક પછી આ વિસ્તારમાંથી બહાર નીકળ્યું હતું.
ડિસેમ્બર 2020માં બનેલી તે ઘટના તરફ નજર કરતાં, તે ખેડૂતને લાગ્યું કે તેમણે પ્રાર્થના કરી તેનાથી મદદ મળી હતી.
તેથી, જ્યારે ડિસેમ્બર 2022માં હાથીઓએ તેમનો માર્ગ બદલ્યો, ત્યારે માત્ર બુધુરામ જ નહીં, પરંતુ નુઆપાડા જિલ્લાના 30 આદિવાસી ગામોના ઘણા રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
સુલક્ષ્મી અને બુધુરામને પાંચ પુત્રો અને એક પુત્રી છે. તેમનો આખો પરિવાર ખેતી સાથે સંકળાયેલો છે, અને તેમની લગભગ 10 એકર જમીનમાં ખેતી કરે છે. તેમના બે મોટા પુત્રો પરિણીત છે અને તેમની પત્નીઓ અને બાળકો સાથે કાથાફર ગામમાં રહે છે; બુધુરામ અને સુલક્ષ્મી એક દાયકા પહેલાં ખેતરો પાસેના તેમના ઘરમાં રહેવા ગયાં હતાં.
ત્યાં જ હાથીઓ ખોરાકની શોધમાં આસપાસ ભટકી રહ્યા હતા.
બીજા દિવસે સવારે જ્યારે બુધુરામ તેમના ડાંગરના ખેતરોમાં થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા ગયા ત્યારે તેમણે જોયું કે તેમના ખેતરમાં અડધો એકર ઊભો પાક નાશ પામ્યો હતો. આ ખામુંડા (એક પાળ બાંધીને મોસમી પ્રવાહમાંથી કોતરી કાઢવામાં આવેલ) વિસ્તાર હતો. આ ખેતર તેમની મુખ્ય જમીનમાંનું એક છે જે દર વર્ષે લગભગ 20 થેલીઓ (આશરે એક ટન) ડાંગરની ઉપજ આપે છે. તેઓ કહે છે, “મેં પાંચ મહિનાનું ડાંગર ગુમાવ્યું. હું કોને ફરિયાદ કરું?”
તેમાં એક તકલીફ છે: બુધુરામ જે જમીનને પોતાની કહે છે અને સુલક્ષ્મી સાથે ખેતી કરે છે તે જમીન તેમના નામે નથી. તેઓ અને અન્ય ઘણા ખેડૂતો જે અભયારણ્યના અનામત વિસ્તાર અને મુખ્ય વિસ્તારની અંદર 600 ચોરસ કિલોમીટર લાંબા વિસ્તારમાં પથરાયેલી જે જમીન પર ખેતી કરે છે, તે જમીનના દસ્તાવેજ તેમના નામે નથી અને તેઓ ભાડું પણ ચૂકવતા નથી. તેઓ કહે છે, “હું જે જમીન ખેડું છું તેમાંથી મોટાભાગની જમીન વન્યજીવ સંરક્ષણ વિભાગની છે. મને વન અધિકાર અધિનિયમ [ અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વન નિવાસી (વન અધિકારોની માન્યતા) અધિનિયમ ] હેઠળ પટ્ટો [સત્તાવાર જમીન ખત] ફાળવવામાં આવ્યો નથી.”
બુધુરામ અને સુલક્ષ્મી, ભુંજિઆ સમુદાયથી સંબંધ ધરાવે છે, જેમના 30 પરિવારો કાથાફર ગામમાં વસે છે (વસ્તી ગણતરી 2011 મુજબ). અહીં રહેતા અન્ય આદિવાસી સમુદાયો ગોંડ અને પહારિયા છે. ઓડિશાના નુઆપાડા જિલ્લાના બોડેન બ્લોકમાં આવેલું તેમનું ગામ, પડોશી છત્તીસગઢની નજીક, સુનાબેડા ઉચ્ચપ્રદેશની દક્ષિણ ધાર પર આવેલું છે.
જ્યારે હાથીઓ આ તરફ આવે છે, ત્યારે તેઓ આ રસ્તાનો ઉપયોગ કરે છે.
પર્યાવરણ અને વન મંત્રાલયના 2008-2009ના વાર્ષિક અહેવાલમાં, સુનાબેડાને ચાર નવા વાઘ અનામત વિસ્તારોમાંથી એક તરીકે ઓળખવામાં આવ્યું હતું. વાઘ સિવાય, તેમાં ચિત્તો, હાથી, સ્લોથ બેર, ભારતીય વરૂ, ડુક્કર, ગૌર અને જંગલી કુતરાઓ છે.
વન્યજીવ સંરક્ષણ વિભાગના અધિકારીઓએ સુનાબેડા અને પાટદરહા ઉચ્ચપ્રદેશમાં કાથાફર સહિતના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી અને ઘણી અનૌપચારિક બેઠકો કરીને મુખ્ય વિસ્તારોમાં રહેતા ગ્રામજનોને સ્થળાંતર કરવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. 2022માં, બે ગામો − ઠેકુનપાની અને ગતિબેડા − ના લોકો સ્થળાંતર કરવા માટે સંમત થયા હતા.
જેઓ સ્થળાંતર કરવા માટે રાજી નથી, તેમણે ધાડ પાડતા હાથીઓનો સામનો કરવો પડશે.
2016-17ની વન્યજીવ વસ્તી ગણતરી કહે છે કે ઓડિશામાં 1976 મોટા હાથીઓ છે. ત્યાં 34 ટકા વિસ્તારમાં ફેલાયેલું વન આવરણ તેમના માટે નિઃશંકપણે એક રસદાર આકર્ષણ છે. સુનાબેડા અભયારણ્યમાં વાંસનું હોવું એક મહત્તવની બાબત છે, તેમ કહેતાં માયાધર સરફ જણાવે છે: “હાથીઓ સુનાબેડા-પટદરહા ઉચ્ચપ્રદેશમાંથી પસાર થાય છે જ્યાં વાંસ પુષ્કળ પ્રમાણમાં છે.” ભૂતપૂર્વ વન્યજીવ સંરક્ષણ અધિકારી એવા સરફ ઉમેરે છે, “તેઓ નુઆપાડામાં પ્રવેશ કરે છે અને પશ્ચિમમાં છત્તીસગઢમાં થઈને બહાર નીકળતા પહેલાં જિલ્લાની અંદર લગભગ 150 કિમી વિસ્તારમાં ફરે છે.”
એકવાર પેટ ભર્યા પછી, હાથીઓ એકાદ મહિના પછી લગભગ તે જ માર્ગે બાલાંગીર પાછા ફરે છે.
વર્ષમાં બે વાર થતો આ પ્રવાસ તેમને સીધા જ એવા રસ્તે લઈ જાય છે જ્યાં બુધુરામ જેવા અન્ય ભુંજિઆ, ગોંડ અને પહરિયા આદિવાસી ખેડૂતો સુનાબેડા અભયારણ્યની અંદર અને બાજુની જમીનના નાના ભાગોમાં વરસાદ આધારિત ખેતી કરે છે. ઓડિશામાં આદિવાસીઓમાં જમીનની માલિકી અંગેના એક અહેવાલ, આદિવાસી આજીવિકા અહેવાલ 2021 માં નોંધવામાં આવ્યું છે કે, “ઓડિશામાં સર્વેક્ષણ કરાયેલા આદિવાસી પરિવારોમાં, 14.5 ટકા પરિવારો ભૂમિહીન અને 69.7 ટકા પરિવારો સીમાંત ખેડૂતો તરીકે નોંધાયા હતા.”
કોમના વિસ્તારના ડેપ્યુટી રેન્જર સિબા પ્રસાદ ખમારી કહે છે કે આ કદાવર પ્રાણીઓ વર્ષમાં બે વાર આ વિસ્તારની મુલાકાત લે છે − એક વખત પહેલા ચોમાસાના વરસાદમાં [જુલાઈમાં] અને બીજી વાર ડિસેમ્બરમાં. તેઓ આ અભયારણ્યમાં પેટ્રોલિંગ કરે છે અને તેમની હાજરી વિષે પ્રત્યક્ષ જાણકારી ધરાવે છે. તેઓ કહે છે કે તેમના માર્ગ પર, આ પ્રાણીઓ ઘાસની વિવિધ પ્રજાતિઓ તેમજ મુખ્યત્વે ખરીફ ડાંગર જેવા કૃષિ પાકોની શોધમાં હોય છે. ડિસેમ્બર 2020ની ઘટનાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, “હાથીઓ દર વર્ષે જુદા જુદા ગામોમાં પાક અને ઘરોનો નાશ કરે છે.”
આથી હાથીઓના ઝુંડે બુધુરામના ઊભા પાકનો નાશ કરી દીધો તે કંઈ અસામાન્ય અનુભવ નથી.
પી.સી.સી.એફ. (વન્યજીવ) અને ઓડિશાના મુખ્ય વન્યજીવ સંરક્ષણ અધિકારીની સત્તાવાર વેબસાઇટ મુજબ, જ્યારે ખેડૂતોના પાકનો કોઈપણ જંગલી પ્રાણીઓ દ્વારા વિનાશ કરાય છે, ત્યારે તેઓ રોકડિયા પાક માટે પ્રતિ એકર 12,000 રૂપિયા અને ડાંગર અને અનાજના પાક માટે 10,000 રૂપિયાનું વળતર મેળવવાનો અધિકાર ધરાવે છે. તે વન્યજીવ (સંરક્ષણ) (ઓડિશા) નિયમો, 1974 અંતર્ગત છે.
પરંતુ જમીનની માલિકીનો કોઈ આધાર ન હોવાથી બુધુરામ આ વળતર માટે દાવો કરી શકતા નથી.
બુધુરામ કહે છે, “મને આ જમીન મારા પૂર્વજો પાસેથી વારસામાં મળી છે, પરંતુ વન સંરક્ષણ અધિનિયમ, 1980 મુજબ, આ બધું સરકારની માલિકીનું છે. વન્યજીવ સંરક્ષણ વિભાગ અમારી હિલચાલ તેમજ અમારી જમીન અને ખેતીના વિકાસ માટેના પ્રયત્નો પર પ્રતિબંધ લાદે છે.”
તેઓ કેંદુના પાંદડાના ઝુમખાનો ઉલ્લેખ કરી રહ્યા છે − જે જંગલમાં રહેતા લોકો માટે આવકનો એક સ્થિર સ્રોત છે. વન અધિકાર અધિનિયમ (એફ.આર.એ.), 2006 હેઠળ “માલિકીનો અધિકાર, ગૌણ વન પેદાશોનો સંગ્રહ, ઉપયોગ અને નિકાલનો અધિકાર” ની જોગવાઈ છે. જો કે, આ વનવાસી ખેડૂત કહે છે કે આ જોગવાઈનો અમલ કરવામાં આવતો નથી.
તેમના ગામથી લગભગ 22 કિમી દૂર આવેલા બોડેનના બજારમાં મહુઆના ફૂલો અને ફળો, ચાર, હરિડા અને આણલા જેવી વન પેદાશોની સારી કિંમત મળે છે. વાહનવ્યવહારની સુવિધાનો અભાવ હોવાથી બુધુરામ દરવખતે બજારમાં પોતે જઈ શકતા નથી. વેપારીઓ ગ્રામજનોને ઉત્પાદનો માટે એડવાન્સ ચૂકવે છે, પરંતુ બુધુરામ પોતે ગયા હોત તો જે ભાવે તેને વેચી શક્યા હોત તેના કરતાં તે કિંમત ઓછી હોય છે. તેઓ કહે છે, “પરંતુ કોઈ વિકલ્પ નથી.”
*****
તેમના ફાર્મહાઉસની સામેના આટ (ઉચ્ચ પ્રદેશ) માં, બુધુરામ અને સુલક્ષ્મી મકાઈ, રીંગણ, મરચાં, ટૂંકા ગાળાના ડાંગર, કુલોથ (ઘોડા ચણા) અને તુવેર જેવા કઠોળની ખેતી કરે છે. મધ્ય અને નીચાણવાળા પ્રદેશોમાં (જે સ્થાનિક રીતે બહાલ તરીકે ઓળખાય છે), તેઓ મધ્યમ અને લાંબા ગાળાના ડાંગરની ખેતી કરે છે.
ખરીફ પાકની મોસમમાં, સુલક્ષ્મી પાટદરહા જંગલ વિસ્તારની નજીક તેમના ખેતરોમાં કામ કરે છે, અને નિંદણ, છોડની સંભાળ, લીલા પાંદડા અને કંદમૂળ એકઠાં કરે છે. તેઓ કહે છે, “મારા મોટા દીકરાના ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા ત્યારથી મને રસોઈના કામમાંથી રાહત મળી છે. હવે મારી પુત્રવધૂએ તે જવાબદારી સંભાળી લીધી છે.”
આ પરિવાર પાસે ત્રણ જોડી બળદ અને ભેંસની જોડી સહિત કુલ લગભગ 50 પશુઓ છે. બળદ જમીન ખેડવામાં મદદ કરે છે – આ પરિવાર પાસે યાંત્રિક ખેતીના સાધનો નથી.
બુધુરામ ગાયોને દોહે છે અને બકરીઓ અને ઘેટાંને ચરાવવા લઈ જાય છે. તેઓ પોતાના ઉપયોગ માટે કેટલીક બકરીઓ પણ પાળી રહ્યા છે. જો કે, છેલ્લા બે વર્ષમાં આ પરિવારની નવ બકરીઓ જંગલી પ્રાણીઓએ ફાડી ખાધી હોવા છતાં, તેઓ બકરીઓ ઉછેરવાનું કામ છોડવા માંગતા નથી.
ગત ખરીફ પાકની મોસમમાં બુધુરામે પાંચ એકર જમીનમાં ડાંગરની ખેતી કરી હતી. તેમણે જે અન્ય પાકો અજમાવ્યા હતા તેમાં કઠોળની બે જાતો, મગ (લીલા ચણા), બીરી (અડદ), કુલોથ (કળથી), મગફળી, મરચાં, મકાઈ અને કેળાં હતા. તેઓ કહે છે, “મને ગયા વર્ષે મગનું એક પણ બીજ મળ્યું ન હતું કારણ કે સખત ઠંડીને કારણે પાક નિષ્ફળ ગયો હતો, પરંતુ કઠોળનું સારા ઉત્પાદન થવાથી મારે તે ખોટ ભરપાઈ થઈ ગઈ હતી.”
સુલક્ષ્મી કહે છે, “આનાથી અમને લગભગ બે ટન ડાંગર અને અમારા ઉપયોગ માટે પૂરતા પ્રમાણમાં કઠોળ, બાજરી, શાકભાજી અને તેલીબિયાં મળે છે.” આ દંપતી કહે છે કે તેઓ કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરો અથવા જંતુનાશકોનો ઉપયોગ કરતાં નથી; તેમના માટે ઢોરનું મળ-મૂત્ર અને પાકના અવશેષો જ પૂરતા છે. બુધુરામ કહે છે, “જો આપણે એમ કહીએ કે અમને સમસ્યા છે અથવા અમારે ખોરાકની અછત છે, તો તે ધરતીને દોશ આપવા સમાન કહેવાશે. જો તમે તેનો ભાગ નહીં બનો તો ધરતી માતા કેવી રીતે તમને ખોરાક પૂરો પાડશે?”
વ્યસ્ત મોસમ દરમિયાન જ્યારે રોપાને એક જગ્યાએથી ઉપાડીને બીજી જગ્યાએ રોપવાના હોય, નીંદણ દૂર કરવાનું હોય અથવા લણણી કરવાની હોય, ત્યારે આખો પરિવાર મદદે લાગી જાય છે, અને તેઓ બીજાઓના ખેતરોમાં પણ કામ કરે છે. બધી લેવડદેવડ મોટેભાગે ડાંગરમાં જ કરવામાં આવે છે.
બુધુરામ કહે છે કે જે વર્ષે હાથીઓએ ઊભા પાકનો નાશ કર્યો, તેના પછીના વર્ષે − 2021માં તેમણે તે જમીનમાં ખેતી નહોતી કરી. તેમના આ નિર્ણયનો સુખદ અંત આવ્યો હતો: તેઓ કહે છે, “મેં હાથીઓના પગ તળે કચડાવાથી દાણા જમીન પર ફેલાયેલા જોયા હતા, એટલે મને ખાતરી હતી કે તેમાંથી બીજ ફૂટશે. ચોમાસામાં વરસાદના પ્રથમ પાનખરમાં બીજ ફૂટ્યા હતા, અને મેં તેમના પર નજર રાખી હતી. મને કોઈપણ [નાણાકીય] રોકાણ વિના 20 થેલી [એક ટન] ડાંગર મળી હતી.”
આ આદિવાસી ખેડૂત માને છે કે સરકાર, “અમારું જીવન પ્રકૃતિથી કેવી રીતે અભિન્ન છે તે સમજી શકશે નહીં. આ માટી, પાણી અને વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ અને જંતુઓ − તેઓ એકબીજાને ટકી રહેવામાં મદદ કરે છે.”
*****
હાથીઓની અવરજવરથી આ વિસ્તારમાં બીજી એક સમસ્યા પણ સર્જાઈ છે. જો ક્યાંય ખુલ્લા વાયરો હોય, તો હાથીઓ તેમને ઘણીવાર નીચે પાડી દે છે, અને જ્યાં સુધી તેમનું સમારકામ ન થાય ત્યાં સુધી આ જિલ્લાના કોમના અને બોડેન બ્લોકમાંના ગામડાઓએ વીજળી વિના જ રહેવું પડે છે.
2021માં, 30 હાથીઓનું એક ટોળું ઓડિશાના ગંધમર્દન જંગલ વિસ્તારમાંથી સીતાનદી અભયારણ્ય થઈને પડોશી છત્તીસગઢ રાજ્યામાં ગયું હતું. વન વિભાગના નકશા મુજબ, ઉત્તર-પૂર્વ તરફ જતો તેમનો રસ્તો, બોલાંગીર જિલ્લામાંથી નુઆપાડા જિલ્લાના ઢોલી ગામ થઈને જતો હતો. તેમાંથી બે હાથીઓ ડિસેમ્બર 2022માં તે જ રસ્તે પાછા ફર્યા હતા.
આ વખતે તેમની વાર્ષિક મુસાફરીમાં સુનાબેડા પંચાયત હસ્તકના 30 ગામો રગદોડી દેવાને બદલે તેઓ સીધા સુનાબેડા વન્યજીવ અભયારણ્યમાં પ્રવેશ્યા અને તે જ રસ્તે જતા રહ્યા.
તેથી બધાએ રાહતનો શ્વાસ લીધો.
અનુવાદક: ફૈઝ મોહંમદ