કરીમ જાટ, કચ્છ જિલ્લાના લખપત તાલુકાના તેમના ગામ મોરીથી, મને ફોન પર કહે છે, "હું થોડા શાકભાજી વેચું છું, પણ તેમાં ખાસ નફો નથી. અમે બધા ઘેર નવરા બેઠા છીએ. સ્થાનિક સિમેન્ટ ફેક્ટરી ચાલે છે, પરંતુ અમે કામે જતા નથી." કરીમ જાટ ફકીરણી જાટ સમુદાયનો માલધારી છે. કચ્છી ભાષામાં 'માલ' એટલે પ્રાણીઓ, અને 'ધારી' એટલે સંભાળ રાખનાર અથવા માલિક. આખા ય કચ્છમાં માલધારીઓ ગાય , ભેંસ, ઊંટ, ઘોડા, ઘેટાં અને બકરા ઉછેરે છે/ પાળે છે.
કરીમ જાટ જે શાકભાજીની વાત કરે છે તે શાકભાજી તે નજીકના બજારો અને ગામડામાંથી મેળવે છે - પરંતુ તે ફરિયાદ કરે છે કે તેને આ શાકભાજી માટે યોગ્ય ભાવ નથી મળતો. થોડાક કિલોમીટર દૂર એક ટાઉનશીપમાં સિમેન્ટ ફેક્ટરી છે - પરંતુ લોકડાઉનને કારણે કરીમ અને તેના સાથી ફકીરણી જાટ માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આ ઉપરાંત, ફેક્ટરીમાં પહેલેથી જ ઘણા મજૂરો છે - મોટે ભાગે આ મજૂરો પશ્ચિમ બંગાળ અને અન્યત્રથી સ્થળાંતરિત થયેલા છે , જેમાંથી ઘણા પોતાને ઘેર પાછા ન ફરી શકવાને કારણે અહીં રોકાયેલા છે. સ્થળાંતરિતો અને સ્થાનિકો વચ્ચેના સંબંધો ક્યારેય ખાસ મિત્રતાભર્યા રહ્યા નથી.
કરીમ જાટ મને કહે છે કે લોકડાઉનને કારણે તે ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા સાવલા પીરના તીર્થસ્થળે જઈ ત્યાં યોજાયેલ મેળો માણવાનું ચૂકી ગયો છે. તે ચિંતિત છે, કહે છે, “રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે. અને ઈદ મહિનો ય દૂર નથી. આ વખતે ઈદ જુદી હશે."
કચ્છમાં કોવિડ -19 નો પહેલો કેસ લખપત તાલુકાની એક મહિલાનો હતો. તે વિદેશની સફરેથી પાછી ફરી હતી. તેને માર્ચમાં ભુજ લઈ જવામાં આવી હતી જ્યાં તેનું કોરોના સંક્રમણનું પરીક્ષણ પોઝિટિવ આવ્યું હતું. મોટાભાગના ઊંટ-પાલકો લખપતમાં રહે છે.
24મી માર્ચે લોકડાઉન જાહેર થયા પછી તરત જ કચ્છમાં મોટાભાગની પ્રવૃત્તિઓ અટકી ગઈ હતી. બસ ત્યારથી, ઊંટ-પાલકોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે કારણ કે તેઓ તેમના ઘરોથી ખૂબ દૂરના સ્થળોએ રહે છે અને તેમના પ્રાણીઓ ચારે છે. ઉપરાંત, જે વિસ્તારમાં તેઓ રહે છે તે સરહદ પર અથવા સરહદની ખૂબ નજીક છે - અને તેથી અત્યંત સંવેદનશીલ વિસ્તાર ગણાય છે અને ખૂબ જ કડક સુરક્ષા પ્રોટોકોલ્સ/શિષ્ટચાર દ્વારા સંચાલિત છે. અચાનક જાહેર થયેલા લોકડાઉનને કારણે ઘણા માલધારીઓને તેમના ગામોમાં પાછા ફરવા અથવા ત્યાં રહેતા તેમના પરિવારો માટે પૂરતા પ્રમાણમાં ખાદ્યસામગ્રીની વ્યવસ્થા કરવા ખાસ સમય મળ્યો ન હતો.
તે કહે છે, હાલમાં તો તેમના પ્રાણીઓ ઠીક છે - કારણ કે તેઓ ચરાઉ મેદાનોમાં અટવાયા છે. પરંતુ જો લોકડાઉન લંબાવવામાં આવે તો, પ્રાણીઓને ચરાવવાની સમસ્યા ઊભી થઈ શકે. અને તે જ પ્રમાણે ઝડપભેર આગળ વધી રહેલા ઉનાળાની ઉનાળાની ગરમીની સમસ્યા પણ ઊભી થઈ શકે.
નખત્રાણા બ્લોકના સ્થાનિકો મને ફોન પર કહે છે કે પોલીસે બહારના ચરાઉ મેદાનમાં કેટલાક પશુપાલકોની મુલાકાત લીધી છે અને તેમને સ્થળાંતર ન કરવાની સૂચના આપી છે. તેથી જો કદાચ પશુપાલકોએ ક્યાંય પણ જવાનો પ્રયત્ન કરે છે, તો તે રેશન માટે અથવા અન્ય કોઈ કામ માટે તેમના સંબંધિત ગામોમાં જવાનો જ હોય છે. અને તે પણ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે.










