યશ મહાલુંગે ચોમાસામાં શાળાએ હાજર રહેવા દરરોજ પોતાના જીવને જોખમમાં મુકે છે. બીજાં કેટલાક છોકરાઓ, છોકરીઓ, અને કેટલાક માતા-પિતાઓની સાથે, આઠ વર્ષનો યશ અડધા તૂટ્યાફૂટ્યા એક પુલના થાંભલાઓ પર ટેકવાયેલી લપસણી સાંકડી દિવાલ પર ચાલે છે. ત્યાંથી જો નીચે પડ્યા, તો સીધા ઝાંખરા અને કાદવમાં.
દરરોજ સવારે બે વાર, શાળાએ જતા અને ત્યાંથી પાછા ફરતા, એમની ટોળકી એક જ કતારમાં ચાલે છે. એક હાથમાં છત્રી અને પીઠ પર ભારે થેલા લઇ ચાલતા મોટાભાગના છોકરાઓ ઉઘાડા પગે ચાલે છે. 30 સેકન્ડની કપરી યાત્રા પછી, તેમના પગ બાકી રહેલ પુલની વધુ સુરક્ષિત કૉન્ક્રીટની સપાટી પર મૂકાય છે. પછી તેઓ એક કાદવવાળી કેડી પર થઈને અવારે ગામમાં આવેલી તેમની શાળાથી બે કિલોમીટર દૂર ઔરે પાલહેરી ગામમાં તેમના ઘરોમાં પહોંચે છે.
યશ કહે છે, “જ્યારે હું નીચે જોઉં ત્યારે હું ડરી જાઉં છું. મને ચક્કર આવે છે. હું બાબાનો [પિતાનો] હાથ સજ્જડ પકડી લઉં છું.”
ઔરે પાલહેરીના 77 રહેવાસીઓને (અવારે ગ્રામ પંચાયત કચેરીના આંકડા મુજબ) 2005 સુધી આ જોખમ ખેડવું પડતું ન હતું. એક નાનકડા પુલ વડે તેઓ ભત્સા નદીનું આ વહેણ પસાર કરી શકતા હતા. પણ તે વર્ષની 28 જુલાઈએ ભારે વરસાદે થાણે જિલ્લા સમિતિએ 1998માં બાંધેલ પુલનો કેટલોક ભાગ ધોઈ નાખ્યો. ફક્ત બે સાંકડી બાજુની દિવાલો – એબટમેન્ટ – એ ટૂટેલા ભાગમાં રહી ગઈ.










