સત્યજિત મોરાંગ ચરાઉ મેદાનોની શોધમાં તેમની ભેંસોના ટોળા સાથે આસામમાં બ્રહ્મપુત્રા નદી પર બનેલા ટાપુઓ (બ્રહ્મપુત્રાના રિવરાઈન આઈલેન્ડ) પર ફરતા રહે છે. તેઓ કહે છે, " એક ભેંસ લગભગ એક હાથી જેટલું જ ખાઈ શકે છે!" અને તેથી તેમના જેવા પશુપાલકો (ચરાઉ મેદાનોની શોધમાં) સતત ફરતા રહે છે.
તેમને અને તેમના પ્રાણીઓને એકલવાયું ન લાગે તે માટે તેમની પાસે તેમનું સંગીત છે.
ભેંસ ચરાવીને શું મળશે, પ્રિયે
જો હું તને ન મળી ન શકું?
સંગીતની પરંપરાગત ઓઈનિટોમ શૈલીમાં ગાતા ગાતા તેઓ પોતે જ પોતાના ગીતો રચે છે, કરેંગ સપોરી ગામમાં આવેલા પોતાના ઘર અને (ત્યાં રહેતા પોતાના પરિવારથી) દૂર રહેવું પડે છે ત્યારે આ ગીતના શબ્દો તેમનો પ્રેમ અને (ઘેર પાછા ફરવાની) તેમની તીવ્ર ઈચ્છા અભિવ્યક્ત કરે છે. આ વીડિયોમાં તેઓ કહે છે, "ઘાસ ક્યાં મળશે એની અમને ચોક્કસ ખબર હોતી નથી અને તેથી અમે અમારી ભેંસોને હાંકતા રહીએ છીએ. અમે સો ભેંસોને (ધારો કે) 10 દિવસ અહીં રાખીએ તો એ 10 દિવસ પછી તેમના માટે ઘાસ જ ન રહે. અને અમારે બધાએ ફરી એક નવા ગોચરમાં જવું પડે.”
લોક સંગીતની ઓનિટોમ શૈલી એ આસામની એક આદિજાતિ મિસિંગ સમુદાયમાંથી આવે છે. રાજ્યના દસ્તાવેજોમાં મિસિંગ સમુદાયને 'મિરિ' તરીકે ઓળખવામાં આવે છે અને તેને અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવે છે - આ સમુદાયના ઘણા લોકોના મતે એ નામ અપમાનજનક છે.
સત્યજિતનું ગામ આસામમાં જોરહાટ જિલ્લાના ઉત્તર-પશ્ચિમ જોરહાટ બ્લોકમાં આવેલું છે. તેઓ બાળપણથી જ ભેંસોનું પાલન કરે છે. તેઓ બ્રહ્મપુત્રાના વિવિધ રેતાળ તટ અને ટાપુઓ વચ્ચે ફરતા રહે છે. બ્રહ્મપુત્રા નદી અને તેની ઘણી ઉપનદીઓ આ પ્રદેશમાં 194413 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી છે, ત્યાં ટાપુઓ રચાતા રહે છે, અદ્રશ્ય થતા રહે છે અને ફરી રચાતા રહે છે.
આ વીડિયોમાં તમે તેમને તેમના જીવન વિશે વાત કરતા અને ગાતા જોઈ શકશો.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક