એકવાર ત્રણ જણાં - કેથરિન કૌર, બોધિ મુરમુ અને મોહમ્મદ તુલસીરામ - એકબીજાના પાડોશમાં રહેતાં હતાં . કેથી એક ખેડૂત હતી; બોધી શણની મિલમાં કામ કરતો; અને મોહમ્મદ ગોવાળિયો હતો. ત્રણેમાંથી એકેને ખબર ન હતી કે પેલી ભારેખમ ચોપડી જેને ભારતીય બંધારણ કહેવાય છે અને જેના નામે શહેરના બુદ્ધિજીવીઓ હોહા કરી રહ્યા રહ્યા છે એની જરૂર શી છે. કેથીએ કહ્યું કે તો સાવ નકામી વસ્તુ છે. તો બોધીએ વિચાર્યું કે હોઈ શકે કે એ કોઈ દૈવી ચીજ હોય. અને મોહમ્મદ પૂછતો રહ્યો કે, "શું એ ચોપડી આમારા ભૂખ્યાં બચ્ચાનું પેટ ભરશે કે?"
કોઈ દાઢીવાળો રાજા દેશમાં ચૂંટાઈ આવ્યો છે એ વાત જાણીને એ ત્રણેય માંથી એકેયને કોઈ ફેર નહોતો પડતો. "અલા અહીં ટેમ કોની પાસે છ?" અને પછી સરખો વરસાદ ના થયો, કેથરિનનું દેવું વધી ગયું, અને એના ખેરતના ખૂણે પડી જંતુનાશક દવાની બાટલી એને નામ દઈને બોલાવવા લાગી. એ પછી શણની મિલ નાદાર થઈ ગઈ. પોલીસે વિરોધ કરી રહેલા કામદારો પર અશ્રુવાયુના ટેટા છોડ્યા અને બોધિ મુર્મુને આ બધામાં તેમની આગેવાની માટે આતંકવાદના આરોપો સાથે જેલ ભેગા કરાયા. અંતે વારો આવ્યો મોહમ્મદ તુલસીરામનો. એક સરસ સનાતની, પવિત્ર સાંજે તેની ગાયો જ એને ખદેડવા આવી પહોંચી. પાછળ પાછળ આવ્યા "ગૌ-માતા કી જય! ગૌ-માતા કી જય!" કરતા, તલવારો ચલાવતા બે પગા વાછરડા.
શૈતાની મંત્રોચ્ચાર વચ્ચે, ક્યાંક થોડાં પાનાં ફફડ્યાં, ઉગ્યો એક વાદળી સૂરજ, ને સંભળાયો એક ઝીણો અવાજ:
"અમે, ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક, પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો..."


