કાગળનો ફાટેલો ટુકડો તૂટેલી દિવાલ પર થઈને હવામાં ઉડતો હતો, 'ગેરકાયદેસર' અને 'અતિક્રમણ' જેવા શબ્દો તેની ઝાંખી પીળી ફરસ પર માંડ વંચાઈ રહ્યા હતા અને 'ખાલી કરો'ની ચેતવણી ઉપર કાદવ કીચડ લાગેલા હતા. દેશનો ઈતિહાસ તેની દિવાલોમાં પૂરી દઈ શકાતો હોત તો જોઈતું' તું શું? એ તો સૂક્ષ્મ સરહદોની પાર થઇ ને અવકાશમાં તરે છે - જુલમ, બહાદુરી અને ક્રાંતિના સ્મારકોની પાર.
તે શેરીમાં પથ્થરો અને ઇંટોના ઢગલા તરફ તાકી રહી છે. આજ રહી ગયું છે એ દુકાનના નામે જે રાત્રે તેના ઘરમાં ફેરવાઈ જતી હતી. 16 વર્ષ સુધી, તે સાંજે સાંજે અહીં ચા પીતી અને દિવસ દરમિયાન કંઈ કેટલાય લોકોને ચપ્પલ વેચતી. ફૂટપાથ પરનું તેનું સાધારણ સિંહાસન એસ્બેસ્ટોસની છત, સિમેન્ટના સ્લેબ અને વાંકા વળી ગયેલા સ્ટીલના સળિયાની ધરબાઈ ગયું છે - જાણે એક ઉજડેલી કબર જોઈ લો.
એક સમયે અહીંયા એક બીજી બેગમ રહેતી હતી. બેગમ હઝરત મહેલ, અવધની રાણી. તે પોતાના ઘરને બ્રિટિશ શાસનમાંથી મુક્ત કરાવવા માટે બહાદુરીપૂર્વક લડેલી અને એમને છેવટે નેપાળમાં આશ્રય લેવાની ફરજ પડેલી. આ સંસ્થાનવાદ વિરોધી, ભારતના સૌ પ્રથમ સ્વતંત્રતા સેનાનીઓ પૈકીના એક હતા જેમને આપણે લાંબા સમયથી ભૂલી ગયા છીએ. તેમનો વારસો કલંકિત થઇ અને ભૂંસાઈ ગયો છે. થઇ ગયો છે એક નનામો ટાઢો પથ્થર સરહદની બીજી બાજુએ કાઠમંડુમાં .
આવી તો કંઈ કેટલીય કબરો છે, પ્રતિકારના કંઈ કેટલા હાડપિંજર, અવશેષો ભારતીય ઉપખંડમાં ઊંડે સુધી દટાયેલા પડ્યા છે. પરંતુ અજ્ઞાન અને નફરતના કાદવને દૂર કરવા માટે ક્યાં કોઈ બુલડોઝર છે. પ્રતિકારની આ વિસરાઈ ગયેલી મુઠ્ઠીઓ ખોદવા માટેનું કોઈ મશીન નથી. કોઈ બુલડોઝર નથી જે વસાહતી ઇતિહાસને ચૂરચૂર કરી શકે અને તેની જગ્યાએ વંચિત લોકોના અવાજો પ્રસ્થાપિત કરી દઈ શકે. અન્યાયના માર્ગમાં ઊભા રહેવા માટે કોઈ બુલડોઝર નથી. હજી સુધીતો નથી.
જનાવર રાજાનું પાળેલું
એક દિવસ એક વિચિત્ર
જાનવર આવી ચડ્યું
મારા પડોશીના
આંગણામાં,
પીળું ચામડું
પહેરીને આમ તેમ ફરતું .
છેલ્લા ભોજનના લોહી
અને માંસ
હજુ પણ તેના પંજા
અને દાંત પર ચોંટેલા છે.
જાનવર ઘૂરકયું,
માથું ઊંચકી ધસ્યું
કર્યો હુમલો એને
પાડોશીની છાતી પર.
તોડીને પાંસળીઓ ,
પહોંચ્યું ઠેઠ હૈયા
સુધી
ઓહ! જનાવર નિષ્ઠુર, રાજાનું પાળેલું
ખેંચીને કાઢ્યું
હૈયું એનું
એના કટાયેલા હાથથી.
ઓહ, અદમ્ય પ્રાણી!
પણ નવાઈ જોઈ લો, ફૂટ્યું એક હૈયું
નવું
મારા પાડોશીની
છાતીની એ જ અંધારી બખોલમાંથી.
ગર્જના કરતા, પશુએ ખેંચી ફાડ્યું
બીજું હૈયું પણ.
તો એની જગ્યાએ વધુ
એક ઉગ્યું.
એથીય વધુ લાલ, જીવનરસથી ભરપૂર
પીંખેલા દરેક હૈયાની
જગ્યાએ
ફરી ફરી ફૂટતું એક
નવું હૈયું
,
નવું હૈયું, નવું બીજ,
નવું ફૂલ, નવું જીવન,
એક નવું જગત.
એક વિચિત્ર જાનવર
આવી ચડ્યું
મારા પડોશીના
આંગણામાં,
મરેલું જાનવર લઈને
મુઠ્ઠીમાં ચોરેલા હૈયાં.
અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા