“આ મારું વાદ્ય નથી.” થોડીક જ ક્ષણો પહેલાં તેમણે અને તેમનાં પત્ની બાબુડી ભોપાએ સાથે મળીને બનાવેલ રાવણહત્થાને પોતાના હાથમાં પકડીને કિશન ભોપા કહે છે,
“હા, હું તેને વગાડું છું, પણ તે મારું નથી. તે રાજસ્થાનનું ગૌરવ છે,” કિશન ઉમેરે છે.
રાવણહથ્થો એ વાંસમાંથી બનેલું તાર અને કમાનવાળું વાદ્ય છે. કિશનનો પરિવાર પેઢીઓથી તેને બનાવે છે અને વગાડે છે. તેઓ કહે છે કે તેની ઉત્પત્તિ હિંદુ પૌરાણિક ગ્રંથ રામાયણમાં છે. તેમના કહેવા પ્રમાણે, રાવણહત્થાનું નામ લંકાના રાજા રાવણ પરથી આવ્યું છે. ઇતિહાસકારો અને લેખકો આની સાથે સહમત છે અને ઉમેરે છે કે રાવણે ભગવાન શિવને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે આ વાદ્ય બનાવ્યું હતું.
2008માં પ્રકાશિત થયેલા પુસ્તક રાવણહથ્થો : એપિક જર્ની ઑફ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઇન રાજસ્થાનનાં લેખક ડૉ. સુનીરા કાસલીવાલ કહે છે, “ધનુર્વાદિત વાદ્યોમાં રાવણહથ્થો સૌથી જૂનું છે.” તેઓ ઉમેરે છે કે તેને વાયોલિનની જેમ રાખવામાં આવતું અને વગાડવામાં આવતું હોવાથી, ઘણા વિદ્વાનો માને છે કે તે વાયોલિન અને સેલો જેવા વાદ્યોનું પુરોગામી છે.
કિશન અને બાબુડી માટે, આ સંગીતવાદ્યની રચના તેમના રોજિંદા જીવન સાથે ગાઢ રીતે જોડાયેલી છે. રાજસ્થાનમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ નાયક સમુદાયના આ યુગલનું ઉદયપુર જિલ્લાના ગીરવા તાલુકાના બરગાવ ગામમાં આવેલું ઘર રાવણહથ્થો બનાવવા માટે જરૂરી ચીજવસ્તુઓ જેવી કે લાકડું, નાળિયેરનું કાચલું, બકરીનું ચામડું અને તારથી ભરેલું છે.
40 વર્ષના આ દંપતી, ઉદયપુર શહેરના લોકપ્રિય પર્યટન સ્થળ ગંગૌર ઘાટ પર કામ શરૂ કરવા માટે દરરોજ સવારે 9 વાગે તેમના ગામથી નીકળી જાય છે. ત્યાં બાબુડી જવેરાત વેચે છે, જ્યારે કિશનની તેમની બાજુમાં બેસીને ખરીદદારોને આકર્ષવા માટે રાવણહથ્થો વગાડે છે. સાંજે 7 વાગ્યા સુધીમાં તેઓ ઘરે રહેલા તેમના પાંચ બાળકો પાસે જવા માટે સામાન પેક કરે છે.
આ ફિલ્મમાં, કિશન અને બાબુડી આપણને બતાવે છે કે તેઓ કેવી રીતે રાવણહથ્થો બનાવે છે, અને આ વાદ્યએ કેવી રીતે તેમના જીવનને આકાર આપ્યો છે, તથા અને આ હસ્તકલાને જીવંત રાખવા માટે તેમણે જે પડકારોનો સામનો કરે છે તે પણ બતાવે છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ